કોંગ્રેસનું અધિવેશન સત્તા નહીં પણ સેવા માટે, ભાજપ પ્રા.લિ.કંપની બની ગયો છે : ગેનીબેન ઠાકોરનું નિવેદન
Geniben Thakor Attack on BJP : ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને 100 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે તેમની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે બે દિવસ માટે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ભાગ લેવા માટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. આજે (બુધવારે) રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ છે. આજના અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનો નિર્ણય થઈ શકે છે.
અધિવેશન પહેલાં કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે 64 વર્ષ બાદ ગુજરાતમાં અધિવેશનનું આયોજન થઇ રહ્યું છે, ત્યારે અમારું શીર્ષ નેતૃત્વ ગુજરાત પધારશે. આ અધિવેશનના માધ્યમથી અનેક ઠરાવો થવાના છે અને ઠરાવોના માધ્યમથી કોંગ્રેસના લોકો છેવાડાના માણસ સુધી જશે. કોંગ્રેસની જે ગાંધી વિચારધારા છે તે લોકો સુધી પહોંચે અને આગામી સમયમાં લોકોની સુખાકારીમાં અગ્રેસર રહીશું.
ગેનીબેન ઠાકોર સોનિયા ગાંધીનો આભાર માન્યો હતો અને કહ્યું કે આગામી દિવસોમાં જે પ્રસ્તાવ મૂક્યો છે તેને આગામી દિવસોમાં આગળ વધારવામાં આવશે. ભલે હાલ કોંગ્રેસ સત્તામાં ના હોય પરંતુ અમે કામ કરીશું અને 2027માં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે. ગેનીબેન ઠાકોરે ગુજરાત સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ભાજપ પ્રાઇવેટ લિમિટેડ કંપની બની છે. ગુજરાત મોડલની ખાલી વાતો જ થાય છે, ગુજરાતમાં હજુ પણ કુપોષિત બાળકો જન્મે છે. મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે, પરંતુ કોઇ પગલાં લેવાતા નથી.
આગામી 2027ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે: પવન ખેરા
દેશના ભવિષ્ય વિશે વાત કરતાં પવન ખેરાએ મંગળવારે કહ્યું હતું કે 'કોંગ્રેસ તરફ જોઇ રહ્યો છે અને કોંગ્રેસ ગુજરાત તરફ જોઇ રહી છે. જ્યારે પણ દેશમાં અંધકાર અથવા સંકટના વાદળો છવાયા છે, ત્યારે ગુજરાતે રસ્તો બતાવ્યો છે. 3 દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર છે. કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય પથ પર ચાલીને પરિવર્તન લાવશે અને આગામી 2027ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે.'
આઝાદીના આંદોલનમાં પણ ગુજરાતે જ દિશા બતાવી હતી. અમે ફરીથી ઉર્જા લઇને આ પડકારોનો સ્વીકાર કરીશું. હજુ પણ આખો દેશ કોંગ્રેસ પાસે આશાની નજરે જોઇ રહ્યો છે. જનતાને વિશ્વાસ છે, કોંગ્રેસ જ રસ્તો બતાવશે.
કોંગ્રેસ અધિવેશનનો ભૂતકાળ
ભૂતકાળ તપાસીએ તો 1885માં સ્થપાયેલી કોંગ્રેસનું ગુજરાતમાં પહેલીવારનું અધિવેશન 1902માં અમદાવાદમાં યોજાયું હતું. સુરેન્દ્રનાથ બેનરજી એના પ્રમુખ હતા જ્યારે સ્વાગત પ્રમુખ દિવાનબહાદુર અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા. ત્યારબાદ બરાબર પાંચ વર્ષ બાદ, 1907માં સુરતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાયું તેના પ્રમુખ રાસબિહારી ઘોષ હતા. આ વખતે પણ સ્વાગત પ્રમુખ અંબાલાલ દેસાઈ જ હતા. 1902ના,અમદાવાદ અધિવેશનમાં સરસ્વતીચંદ્રના સર્જક તરીકે જાણીતા ગોવર્ધનરામ ત્રિપાઠી પણ પ્રતિનિધિ તરીકે હાજર હોવાની નોંધ છે. ક.મા. મુનશીએ સ્વયંસેવક તરીકે ફરજ બજાવી હતી. હિન્દની ગરીબાઈ, દુષ્કાળ, કાપડ જકાત, ભારતીયો સાથે ભેદભાવ સહિતના મુદ્દે બાવીસ ઠરાવ થયેલા.