ભાજપને 'ભરતી મેળો' નડ્યો, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ જ સરકારને ઘેરતાં કરી બબાલ!

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
ભાજપને 'ભરતી મેળો' નડ્યો, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ જ સરકારને ઘેરતાં કરી બબાલ! 1 - image


BJP Gujarat: વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવાની લ્હાયમાં પક્ષપલટુઓ માટે કમલમમાં રેડ કાર્પેટ પાથરવામાં આવી છે. જ્યારે સંનિષ્ઠ પાયાના કાર્યકરોને હાંસિયામાં ધકેલી દેવાયા છે. જો કે, હવે ભાજપને ભરતી મેળો નડી રહ્યો છે કારણ કે, મૂળ કોંગ્રેસીઓએ સરકાર જ નહી, પક્ષ સામે પણ મોરચો માંડ્યો છે. 

ભાજપની શિસ્તના લીરેલીરા ઉડ્યાં

પક્ષપલટુઓના અસંતોષની રાજકીય જવાળાથી ભાજપનું ઘર સળગ્યું હોય તેવી સ્થિતી નિર્માણ થઇ છે. તેમાંય આ પરિસ્થિતીને થાળે પાડવા માટે ભાજપમાં હાલ કોઇ ટ્રબલ શુટર સુકાની જ નથી. રણીધણી વિનાના કમલમનું એન્જિન ક્યારે જોડાશે તે હજુય નક્કી નથી. આ ઉપરાંત ભાજપમાં જૂથવાદ પણ ફુંફાડા મારી રહ્યો છે. આ જોતા ગુજરાતમાં ભાજપની શિસ્તના લીરેલીરા ઉડ્યાં છે.

ભાજપમાં હાલ મૂળ કોંગ્રેસીઓ ઉપાડો લીધો છે, જેના લીધે ખુદ ભાજપ ભીંસમાં મુકાયું છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ઘણાં વખતથી ભાજપથી ભારોભાર નારાજ છે. મૂળ કોંગ્રેસી જવાહર ચાવડાએ કમલમ પણ ગેરકાયદે રીતે બંધાયુ છે તેવો પર્દાફાશ કર્યો છે. 

મૂળ કોંગ્રેસીઓએ ભાજપ સામે મોરચો માંડ્યો

બીજી તરફ મૂળ કોંગ્રેસી અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા ગીર ઈકો ઝોન મામલે સરકાર સામે મેદાને પડ્યાં છે. રીબડિયાનું કહેવું છે કે, 'ઈકો ઝોન જાહેર તો કર્યો પણ ખેડૂતોને મોટુ નુકશાન થશે. જો અમે વિરોધ નહીં કરીએ તો, આવનારી પેઢી અમને માફ નહીં કરે. જગતના તાતને નુકશાન થઇ રહ્યું હોય તો વિરોધ કરવામાં શું વાંધો હોઈ શકે.'

આ પણ વાંચો: ગૃહમંત્રીની શેખી વચ્ચે સલામત ગુજરાતમાં મહિલાઓ જ અસલામત, 15 દિવસમાં દુષ્કર્મની 6 ઘટના


પ્રદ્યુમનસિંહની ફરિયાદ છે કે, 'જીએમડીસી સંચાલિત થર્મલ પ્લાન્ટમાંથી 300 સ્થાનિકોને છુટા કરી દેવાયા છે. ઉદ્યોગો સ્થાનિકોને રોજગારી આપવા સક્ષમ નથી તો પછી વાઈબ્રન્ટ ગુજરાત થકી રોજગારીના બણગાં ફુંકવા પાછળનું કારણ શું?' મુખ્યમંત્રીએ ફરિયાદ ન સાંભળતા પ્રદુમનસિંહ રાજ્યપાલને મળીને આ સઘળી રજૂઆત કરી આવ્યાં છે.

માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે કારણ કે, જૂનાગઢ વિસ્તારમાં ભારે વરસાદથી ખેતીને વ્યાપક નુકશાન થયુ છે. ત્યારે ખેતીવાડીના અધિકારીઓએ સર્વે જ કર્યુ નથી. અધિકારીઓ પર હવે ભરોસો જ નથી. કશુ કામ કરતાં નથી. ટૂંકમાં ભાજપને હવે ભરતી મેળો નડી રહ્યો છે. મૂળ કોંગ્રેસીઓએ ભાજપને ઘેરી છે જેથી શિસ્તના લીરેલીરા ઉડ્યાં છે. 

ભાજપને 'ભરતી મેળો' નડ્યો, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ જ સરકારને ઘેરતાં કરી બબાલ! 2 - image


Google NewsGoogle News