'ગેમ ઝોન ગેરકાયદે હતો, મેં ભલામણ...', રાજકોટ અગ્નિકાંડમાં ભાજપ કોર્પોરેટરની કબૂલાતથી ખળભળાટ
Rajkot Game Zone Fire: રાજકોટ અને સરકારની એમ બે 'SIT'ના તપાસનીશ પોલીસ અફસરો દ્વારા રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી પોલીસના કોઈ અધિકારી કે ભાજપના કોઈ પદાધિકારીઓ કે ઉચ્ચ આઈ.એ.એસ., આઈ.પી.એસ. અધિકારીઓની જવાબદારી ફીક્સ કરી નથી, ત્યારે બીજી તરફ આજે રાજકોટ મહાપાલિકાના ભાજપના વોર્ડ નં.13ના કોર્પોરેટર નિતીન રામાણીએ પોતાને આ ગેરકાયદે બાંધકામની જાણ હતી અને તેને ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ રેગ્યુલરાઈઝડ કરાવવા તેમણે આર્કિટેક્ટને ભલામણ કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો.
ગેમઝોનની એક વ્યક્તિએ રેગ્યુલરાઈઝડ કરવવાની ભલામણ કરી હતી
કોર્પોરેટર નિતીન રામાણીનો સંપર્ક સાધતા તેણે જણાવ્યું કે વી.ડી.થી ઓળખાતી ગેમઝોનની એક વ્યક્તિ મારા ઓળખાણમાં હોય તેમની ભલામણથી ટીઆરપી ગેમઝોનના પ્રકાશભાઈ (જૈન)એ મને આ બાંધકામ રેગ્યુલરાઈઝડ કરાવવું છે તેવી વાત મને મળીને કરી હતી. જે અન્વયે મે વાણિયાવાડી વિસ્તારમાં કાર્યરત અને બાંધકામ પ્લાનનું કામકાજ કરતા આર્કિટેક્ટ એન્જિનિયર નિરવ વરૂને આ કામ કરવા ભલામણ કરી હતી.
ગેમઝોનને ડિમોલીશનની નોટિસ અપાયેલી હતી
તેમણે એમ પણ કહ્યું કે આર્કિટેક્ટ વરૂને જ્યારે આ કામ કરવા ભલામણ કરી ત્યારે તેણે એમ પણ કહ્યું હતું કે આ ગેમઝોનને ડિમોલીશનની નોટિસ અપાયેલી છે. કામ આગળ વધતા જ્યારે તેમણે આર્કિટેક્ટ સાથે વાત કરી ત્યારે કોર્પોરેટરને એમ પણ જણાવાયું હતું કે ગેમઝોનના સંચાલકો-માલિકો દ્વારા જમીનના આધાર-પૂરાવા, બાંધકામનો પ્લાન સહિતના કોઈ પૂરાવા રજૂ કર્યા ન્હોતા તે કારણે ઈમ્પેક્ટ ફી હેઠળ આ ફાઈલ મંજુર થઈ ન્હોતી.