આરોગ્ય સેવા પર ભાજપ અને કોંગ્રેસમાં ઘમાસાણ, પવન ખેડા અને ઋષિકેશ પટેલ વચ્ચે ટ્વિટર વોર
પવન ખેડાએ ટ્વિટ કરીને કહ્યું ભાજપ હંમેશા ગુજરાત મોડેલનું નામ લઈને ફરે છે
ઋષિકેશ પટેલે જવાબ આપ્યો રાજસ્થાનમાં આરોગ્ય સેવાઓ સારી હોત તો ત્યાંના નાગરીકો અમદાવાદ સારવાર માટે આવતા ના હોત
અમદાવાદઃ સમગ્ર દેશમાં ગુજરાત મોડેલની ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતના વિકાસ અને સુવિધાઓને લઈને અન્ય રાજ્યોમાં પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કર્ણાટકમાં પણ ગુજરાત ભાજપના નેતાઓ પ્રચાર કરવાના છે. ત્યારે આરોગ્ય સેવાઓને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ ટ્વિટ કરીને ગુજરાતની આરોગ્ય સેવાઓને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતાં. ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ પવનખેડાના ટ્વિટને લઈને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજસ્થાનમાં આરોગ્ય સેવાઓ સારી હોત તો ત્યાંના નાગરીકો અમદાવાદ સારવાર માટે આવતા ના હોત.
પવન ખેડાના ટ્વિટને રીટ્વિટ કરીને જવાબ આપ્યો
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પ્રેસકોન્ફરન્સનો એક વીડિયો તેમના ટ્વિટર પર શેર કર્યો હતો. આ ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, ભાજપ હંમેશા ગુજરાત મોડેલનું નામ લઈને ફરે જાય છે. પરંતુ આજે ગુજરાતના લોકો સારવાર માટે રાજસ્થાન આવી રહ્યાં છે. આ જ ફર્ક છે ગુજરાત અને રાજસ્થાન મોડેલમાં. તેમના આ ટ્વિટને રીટ્વીટ કરતાં ગુજરાતના આરોગ્યમંત્રીએ જવાબ આપ્યો હતો કે, જો રાજસ્થાનની આરોગ્ય સેવાઓ સારી હોત તો છેલ્લા ત્રણ વર્ષોમાં 1.99 લાખ કરતાં વધુ દર્દીઓને અમદાવાદની મેડિસિટીની સેવાઓ ના લેવી પડત. આ આંકડો તો ગુજરાતની માત્ર એક સરકારી હોસ્પિટલનો છે. જરા વિચારો વધુ આંકડો કેટલો હશે?
શાયરી લખીને કોંગ્રેસ પ્રવક્તા પર પ્રહાર કર્યો
ગુજરાત સરકાર આરોગ્ય સેવાઓ આપવા માટે સૌભાગ્યશાળી છે અને આગળ પણ આપતી રહેશે. ત્યાર બાદ ઋષિકેશ પટેલે બીજુ ટ્વિટ કરીને કોંગ્રેસ ફાઈલના હેશટેગ સાથે વીડિયો શેર કર્યો હતો. આ ટ્વિટમાં તેમણે શાયરી લખીને પવન ખેડા પર પ્રહાર કર્યા હતાં. તેમણે લખ્યું હતું કે, बेचैनियों में अक्सर बोल देते हैं, वो अपनी हताशा का हाल....!! महज तुम इसे दर्द ना समझ लेना, हकीकत को समझना भी जरूरी है!!