Get The App

સ્માર્ટ સિટીની કડવી વાસ્તવિકતા, ૪૬ ડિગ્રી તાપમાન વચ્ચે શારદાબહેન હોસ્પિટલની લોબીમાં દર્દીઓની સારવાર

એરકન્ડીશન ઓફિસમાં બેસીને હીટ એકશન પ્લાન ઘડતા મ્યુનિ.અધિકારીઓ,પ્લાનને મંજૂર કરતા સત્તાધીશોને લોબીમાં સારવાર લેતા દર્દીઓની વેદના જોવા સમય નથી

Updated: May 25th, 2024


Google NewsGoogle News
સ્માર્ટ સિટીની કડવી વાસ્તવિકતા, ૪૬ ડિગ્રી તાપમાન વચ્ચે શારદાબહેન હોસ્પિટલની લોબીમાં  દર્દીઓની સારવાર 1 - image


અમદાવાદ,શનિવાર,25 મે,2024

વાર્ષિક બાર હજાર કરોડથી વધુનુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ મંજૂર કરાયુ છે.અમદાવાદનું મહત્તમ તાપમાન આ વર્ષે મે મહિનામાં ૪૬ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયુ છે.સ્માર્ટસિટીનો દરજજો ધરાવતા આ શહેરની કડવી વાસ્તવિકતા એ છે કે સરસપુર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબહેન જનરલ હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં હોસ્પિટલની લોબીમાં દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની એરકન્ડીશન ઓફિસમાં બેસીને હીટ એકશન પ્લાન ઘડતા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા પ્લાનને મંજૂરી આપતા સત્તાધીશોને હોસ્પિટલની લોબીમાં સારવાર લઈ રહેલા દર્દીઓની વેદના જોવા માટે સમય નથી.હોસ્પિટલના જુના બિલ્ડિંગમાં ત્રીજા માળેથી પાર્કીંગમાં વોટર કૂલરનુ પાણી ભરવા માટે દર્દીઓ તથા તેમના સ્વજનો મજબૂર બન્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબહેન હોસ્પિટલના ત્રણ માળના બિલ્ડિંગમાં દર્દીઓ તેમજ તેમના સ્વજનો માટે માત્ર પાર્કિંગમાં એક જ વોટર કૂલર છે.કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે હોસ્પિટલમાં સારવાર લેવા દાખલ થતા દર્દીઓ તેમજ તેમના સગાઓ ઠંડુ પાણી મેળવવા માટે ફરજિયાત હોસ્પિટલ બહારથી ઠંડા પાણીની બોટલ ખરીદવા મજબૂર બની રહયા છે.હોસ્પિટલમાં કયાંક વોટર કૂલરના રુમના દરવાજે તાળા મારેલા જોવા મળી રહયા છે.ઠંડા પાણી માટેના વોટર કૂલર કયાંક યોગ્ય જગ્યા ઉપર નહિં હોવાના કારણે તેમજ ઓપરેશન થિયેટર તેમજ અલગ અલગ રુમોમાં પાણી માટેના વોટર કૂલર હોવાના કારણે સામાન્ય વ્યકિત પાણી માટે મુકવામા આવેલા વોટર કૂલરનો ઉપયોગ કરી શકતા નથી.છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદના મહત્તમ તાપમાનમાં વધારો થવાથી શારદાબહેન હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એકાએક વધી જતાં હોસ્પિટલમાં બેડની સંખ્યા ઓછી હોવાથી દર્દીઓને હોસ્પિટલની લોબીમાં સારવાર આપવી પડતી હોવાનુ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટે મિડીયા સાથેની વાતચીતમાં કહયુ હતુ.હીટ એકશન પ્લાન અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ગરમી સંબંધિત બિમારીના દર્દીઓને સારવાર આપવા તમામ પ્રકારની તૈયારી તંત્ર તરફથી કરવામા આવી હોવાનો દાવો પોકળ પુરવાર થયો છે.

શારદાબહેન હોસ્પિટલમાં સારવાર લેવી હોય તો ઘરેથી પંખો-પાણીનો જગ લઈને જજો

અમદાવાદમાં સતત વધી રહેલા મહત્તમ તાપમાનની સાથે શહેરના અનેક વોર્ડ વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવતુ હોવાની ફરિયાદનુ પ્રમાણ પણ સતત વધી રહયુ છે. ગરમી તેમજ પ્રદૂષિત પાણીના કારણે લોકો પાણીજન્ય રોગનો ભોગ બની રહયા છે. આ પરિસ્થિતિમાં હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબહેન હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે.હોસ્પિટલની લોબીમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વજનોપણ વધુ ગરમી હોવાના કારણે ઘરેથી પાણી માટેનો જગ તેમજ પંખો લઈ જવા મજબૂર બન્યા છે.


Google NewsGoogle News