એરપોર્ટ પર 6 વર્ષમાં 319 વખત વિમાન સાથે પક્ષી-પ્રાણી ટકરાયાં, 2023માં સૌથી વધુ 81 ઘટના બની
Bird Hit Case in Ahmedabad Airport : અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વિમાન સાથે પક્ષી-પ્રાણી ટકરાવવાની 6 વર્ષમાં 319 ઘટના નોંધાઇ ચૂકી છે. અમદાવાદ એરપોર્ટમાં અદ્યતન ટેક્નોલોજી અપનાવ્યા બાદ બર્ડ હિટની ઘટનામાં હવે નોંધપાત્ર ઘટાડો થયાનો દાવો કરાયો છે.
સામાન્ય રીતે ચોમાસામાં બર્ડ હિટના કેસ વધારે જોવા મળતા હોય છે. બર્ડ હિટથી મુસાફરોનો જીવ જોખમમાં મૂકાય જ છે તેની સાથે એરક્રાફ્ટને પણ ભારે નુકસાન થતું હોય છે. ઘણીવાર વિમાનના એન્જિન સાથે બર્ડ હિટ થતાં બ્લેડ પણ તૂટી જવાની ઘટના સામે આવે છે. આ અંગે અમદાવાદ એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે, બર્ડ હિટને અટકાવવા માટે એરપોર્ટે વ્યાપક પક્ષી વ્યવસ્થાપન કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. જેમાં ટાર્ગેટેડ વનસ્પતિ વ્યવસ્થાપન પ્રથમ છે. આ પદ્ધતિમાં ઘાસ વૃદ્ધિચક્રની વ્યવસ્થાપન વ્યૂહરચના લાગુ કરાઇ છે.
પક્ષીઓ જંતુ આરોગવા આવે નહીં માટે એરપોર્ટમાં સોઇલ ટ્રીટમેન્ટ હાથ ધરવામાં આવે છે. અદ્યતન જંતુ આકર્ષણ તકનીકોમાં ફેરોસ લાઇટ ટ્રેપ તેમજ બ્લેક લાઇટ ટ્રેપનો ઉપયોગ ખાય છે. પક્ષીને એરપોર્ટ સ્ટ્રક્ચરમાં બેસતા અટકાવવા હાયપર અર્બન બર્ડ મેનેજમેન્ટ ટેક્નોલોજીને અનુરૂપ કસ્ટમાઇઝ્ડ એન્ટિ પર્ચિંગ ડિવાઇસ ઈન્સ્ટોલ કરાઇ છે. કબૂતરોની અવર-જવર મર્યાદિત કરવા માટેની પેટન્ટ ટેક્નોલોજી છે. જેના દ્વારા પક્ષીનો ઉપદ્રવ 95 ટકા ઘટ્યો છે. ’
અમદાવાદ એરપોર્ટમાં વિમાન સાથે પક્ષી-પ્રાણી ટકરાવવાની ઘટના
વર્ષ | ઘટના |
2018 | 53 |
2019 | 40 |
2020 | 39 |
2021 | 39 |
2022 | 39 |
2023 | 81 |