અમરેલીમાં રખડતાં ઢોરની ટક્કર વાગતાં 3 યુવકો 10 ફૂટ હવામાં ફંગોળાયા, વીડિયો જોશો તો રૂંવાડાં ઊભા થઈ જશે

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
 Amreli Road Accident


Amreli Road Accident : રાજ્યમાં રખડતાં ઢોરના ત્રાસ સામે અમુક વખતે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે, ત્યારે થોડાં દિવસ પહેલા અમરેલીના રાજુલાના જાફરાબાદ માર્ગ પર ઢોરોએ બેઠક કરી હોવાથી રસ્તા પરથી પસાર થતાં બાઈક સવારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં રસ્તા પર બેઠેલા ઢોર સાથે બાઇકની ટક્કર વાગતાં બાઇક પર સવાર ત્રણેય યુવકો જોરથી ફંગોળાયા હોવાથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ, અમરેલીમાં ઢોરના કારણે અન્ય એક ઘટના બની હોવાના સીસીટીવી ફોટો સામે આવ્યાં છે. જેમાં અમરેલીના ધારીના રસ્તા પર બે આખલા બાખડતા એક્ટિવા ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી.

રસ્તા પર ઢોરોનો અડિંગો, બાઇક પર બેઠેલા ત્રણેય યુવકો દૂર ફંગોળાયા

અમરેલીના રાજુલાના જાફરાબાદ માર્ગ પર બેઠક જમાવેલા ઢોર પર બાઇક ચડી જતાં બાઇક પર સવાર ત્રણ યુવકો 10 ફૂટ દૂર ફંગોળાતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. વીડિયોમાં જોવા મળે છે કે, 4 ઑગસ્ટે રાત્રે 11:45 વાગ્યે બાઇક લઈને જતાં ત્રણ લોકોનો રસ્તા વચ્ચો-વચ્ચ ઢોર બેઠેલા હોવાથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઇક ઢોર સાથે ટકરાતાં ત્રણેય યુવકો જોરથી ફંગોળાઈને ખાસ્સા દૂર નીચે પડે છે. જ્યારે રસ્તા વચ્ચે બેઠક જમાવેલા ઢોરો પછી ઊભા થઈને ભાગ્યા હતા.

ધારીમાં એક્ટિવા ચાલક સાથે ઢોરની ટક્કર

અમરેલીના ધારીમાં પણ રસ્તા પર ઢોરનો ત્રાસ જોવા મળ્યો હતો. જેમાં ધારીના રસ્તાઓ પર આખલાઓ બાખડતાં એક્ટિવા લઈને જતાં યુવક પર ચડીને બન્ને આખલાઓ પસાર થતાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. આ દરમિયાન અન્ય એક બાઇક ચાલક અને સ્કૂટી લઈને જતાં ભાઈ આખલાની અડફેટે આવતાં બચી ગયા હતા.


Google NewsGoogle News