ગુજરાત પોલીસે કાચુ કાપ્યું: બિહારી અને બંગાળીઓને પોલીસે બાંગ્લાદેશી સમજી અટકાયત કરી
Gujarat Police mistake: પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને હાંકી કાઢવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. અમદાવાદ, સુરત, વલસાડ સહિત વિવિધ શહેરોમાંથી બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી રહી છે. જોકે, ગુજરાત પોલીસે ભાષા આધારે બિહારી અને બંગાળીઓને બાંગ્લાદેશી સમજીને પકડી લીધાં છે. ઝૂંપડા નંબર, ચૂંટણીકાર્ડ સહિત પુરતા દસ્તાવેજો હોવા છતાંય પરપ્રાંતિયોને બાંગ્લાદેશી સમજીને પકડી લેવાયાં હતાં પણ દસ્તાવેજોની ખરાઇ બાદ મોટાભાગના લોકોને છોડી મૂકાયાં હતાં. આમ, બાંગ્લાદેશીઓને હાંકી કાઢવાની કામગીરીનો દેખાડો કરવાની લ્હાયમાં પોલીસે જાણે કાચુ કાપ્યુ છે. આ આખોય મુદ્દો સ્વેચ્છિક સંસ્થાઓ હાઇકોર્ટ સુધી પહોચાડે તેમ છે.
દસ્તાવેજોની ખરાઇ કરી મોટાભાગનાને છોડી મૂકાયા
બાંગ્લાદેશી ધૂષણખોરોને વીણી વીણીને દેશનિકાલ કરવા ગુજરાત પોલીસે ઓપેરેશન હાથ ધર્યુ છે. અમદાવાદમાં ચંડોળા તળાવ, શાહ આલમ, સિયાસતનગર, નવાબનગર ઉપરાંત ફુલગીરીના છાપરા પરપ્રાંતિયોનું એપી સેન્ટર રહ્યુ છે. રોજી રોજગાર મેળવવા આવેલાં પરપ્રાંતિયોની સંખ્યા આ વિસ્તારોમાં સૌથી વઘુ છે. આ વિસ્તારોમાં કાર્યકત સ્વૈચ્છિક સંસ્થાઓનું કહેવુ છેકે, આ વિસ્તારમાં રહેતાં કેટલાંય પરિવારોએ એવાં છે જે અન્ય રાજ્યના જરૂર છે પણ તેમના બાળકોનો જન્મ ગુજરાતમાં થયો છે. તેમના પરિવારજનોના લગ્ન ગુજરાતમાં થયા છે. અમદાવાદમાં વર્ષોથી ધંધો રોજગાર, વ્યવસાય-છૂટક મજૂરી કરે છે. આ પરપ્રાંતિય પરિવારો પાસે વર્ષ 2011ના સ્લમ સર્વે આધારે ઝૂંપડા નંબર સહિત રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ સહિતના દસ્તાવેજો નથી. જોકે, ઘણાં પરિવારો પાસે જન્મતારીખના દાખલા નથી.આ કારણોસર તેઓ શંકાના દાયરામાં આવી જાય છે.
મોટાભાગે બિહારી-બંગાળીઓ બંગાળી ભાષા બોલે છે જેના લીધે પોલીસે બાંગ્લાદેશી સમજીને પકડી લીધાં છે. જોકે, દસ્તાવેજોનું વેરિફિકેશન કરીને મોટાભાગના પરપ્રાંતિયોને પોલીસે છોડી મૂકવા પડ્યાં છે. સ્વૈચ્છિક સંસ્થાના મતે, એસઓજીને તો બાંગ્લાદેશી ઘૂસણખોરો શોધવાની કામગીરી સોંપાયેલી છે. તો નિર્દોષ લોકોને શંકાને આધારે પકડી લેવા તે કેટલાં અંશે યોગ્ય છે. તેમાંય મહિલા-બાળકોને પકડી ગોધી રાખવા કાયદા વિરૂદ્ધ છે.
જોકે, પોલીસે જેટલા લોકોને બાંગ્લાદેશી સમજીને પકડ્યાં તે પૈકી મોટાભાગના લોકો મૂળ ભારતીય હોવાને નાતે છોડી મૂકાયા હતાં. પોલીસ તપાસને પગલે રોજી મેળવવા આવેલાં પરપ્રાંતિયોએ હવે વતનની વાટ પકડી છે જેના કારણે રેલ્વે સ્ટેશન પર ભીડ જામી છે. ટૂંકમાં, બાંગ્લાદેશી ધૂષણખોરોને હાંકી કાઢવાના ઓપરેશનમાં ગુજરાત પોલીસે કાચુ કાપ્યુ હોવાનું ચિત્ર ઉપસ્યુ છે.
રાષ્ટ્રીય જનતા દળની મહિલા નેતાની ટિ્વટને પગલે ગુજરાત પોલીસ શંકાના ઘેરામાં
અમદાવાદ, સુરત સહિત અન્ય શહેરોમાં બાગ્લાંદેશી ધૂષણખોરોને શોધવા અભિયાન હાથ ધરાયુ છે પણ પોલીસે બિહારીઓને બાંગ્લાદેશી સમજી પકડી લીધા હતાં. રાષ્ટ્રીય જનતાદળની મહિલા નેતા રિતુ જયસ્વાલે એવું ટિ્વટ કર્યુંકે, બાંગ્લાદેશી સમજીને પકડવામાં આવેલાં ચાર યુવકો મૂળ બિહારના છે. મારા મત વિસ્તારના છે.આ યુવકો બિહારના બાયા ગામના વતની છે. બિહાર સરકારને આગ્રહ કરુ છુકે, તાકીદે ગુજરાત સરકાર સાથે સંપર્ક કરે અને બિહારના નિર્દોષ યુવકોને પોલીસ પરેશાન ન કરે. તેમણે બિહારી યુવકોના નામ,આધારકાર્ડ સહિતની વિગતો આપી હતી. રાષ્ટ્રીય જનતા દળની મહિલા નેતાએ ગુજરાત પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતાં. આ જોતાં આ મુદ્દો રાષ્ટ્રીય કક્ષાએ ઉઠ્યો હતો.
નિર્દોષ લોકોનો વરઘોડો કેમ કાઢવામાં આવ્યો? ડીજીપીને રજૂઆત કરાઇ
ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાં તા.26મીએ સવારે પાંચ વાગે એક હજારથી વઘુ લોકોને બાંગ્લાદેશીઓના નામે પકડી લેવાયા હતાં. એટલુ જ નહીં, દોરડા દ્વારા કોર્ડન કરી આરોપીઓની જમ સરઘસ સ્વરુપે કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ પર લવાયા હતાં. જ્યાં ભરઉનાળે ખુલ્લા મેદાનમાં બેસાડવામાં આવ્યા હતાં. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ, આરોપીનું સરઘસ કાઢી શકાય નહી. માનવ ગરીમાની વિરુઘ્ધ છે. આ ઉપરાંત મોટાભાગના લોકો પાસે દસ્તાવેજો હતાં જેની ખરાઇ બાદ બધાને મોડી રાત્રે મુક્ત કરી દેવાયા હતાં તો નિર્દોષ લોકોનો વરઘોડો કેમ કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો પણ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોચે તે માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
હાઇકોર્ટે જેમને નિર્દોષ જાહેર કર્યા છે તેમને પણ પોલીસે પકડી લીધા
સ્વેચ્છિક સંસ્થાના કાર્યકરનુ કહેવુ છેકે, બાંગ્લાદેશી હોવાના આરોપસર આમીર સીદ્દીક શેખને એસઓજીએ પકડી લીધાં હતાં. આ મુદ્દે રશિદાબેન શેખે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરી હતી અને અઢી વર્ષ સુધી લડત ચાલી હતી. આખરે ગુજરાત હાઇકોર્ટે આમીર સિદીક શેખ સહિત અન્ય 44 પરિવારજનોને નિર્દોષ ઠેરવ્યા હતાં. આ પરિવારે બાંગ્લાદેશી નહી પણ ભારતીય હોવાનુ પુરવાર કર્યુ હતું. મહત્વની વાત એ છેકે, ગુજરાત હાઇકોર્ટે જેમને નિર્દોષ જાહેર કર્યાં છે તે પરિવારને પણ બાંગ્લાદેશી સમજી પોલીસે પકડી લીધાં છે. એવો આક્ષેપ છેકે, ડોક્યુમેન્ટ વેરિફેકેશન માટે પરિવારજનોને પોલીસ સુધી પહોચવા દેવાતા નથી.