કીમમાં ટ્રેન ઉથલાવવાના કાવતરાં અંગે મોટો ખુલાસો, આરોપી વિશે જાણી બધા ચોંકી ગયા
Railway Man Train Conspiracy: સુરતના કીમમાં બે દિવસ અગાઉ વહેલી સવારે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવાની ઘટનામાં મોટો પર્દાફાશ થયો છે. ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર રેલવે કર્મચારીએ જ ઘડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ઘટનામાં 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસે તેમને રિમાન્ડ માટે કોર્ટમાં પણ રજૂ કર્યા હતા.
વાત એમ છે કે, આ ઘટના સૌથી પહેલા નજરોનજર સુભાષ પોદાર નામના રેલવે કર્મચારીએ જોઈ હોવાનું જણાવ્યું હતું. જોકે તેણે એવોર્ડ અને પ્રમોશન મેળવવા માટે જ આ સમગ્ર તરકટ રચ્યું હતું. આ સમગ્ર કાવતરામાં સુભાષ પોદારની સાથે અન્ય રેલવે કર્મચારી મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલ નામનો કોન્ટ્રાક્ટ પરનો કર્મચારી પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: આરોપીઓએ કરી આ એક ભૂલ, અને કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની ખુલી ગઈ ગૂંચ
જણાવી દઈએ કે, 21 સપ્ટેમ્બરને શનિવારે કીમ નજીક ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પોદારને રેલવે ટ્રેક પર 3 અજાણ્યા શખસોની ચહલપહલ જોવા મળી હતી. તેણે દાવો કર્યો હતો કે, ‘મેં વહેલી સવારે 5:20 વાગ્યાની આસપાસ ટ્રેક પર અજાણ્યા લોકો હતા. મને શંકા જતા મેં બૂમો પાડી હતી, જેથી તેઓ તાત્કાલિક નાસી છૂટ્યા હતા.’ જોકે, ઊંડાણપૂર્વક તપાસ કરાતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે. કીમ નજીક ટ્રેન ઉથલાવી પાડવા માટે રેલવે કર્મચારી જ નીકળ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કેસમાં મોટાપાયે સર્ચ ઓપરેશન, વિવિધ એજન્સીના 140 જવાનોએ આખો વિસ્તાર ખૂંદ્યો
આ ભૂલના કારણે ઝડપાયા આરોપીઓ
આ ઘટનાને ગંભીરતાથી લઈને NIA, ATS, SOG, GRP, LCB, સુરત જિલ્લા પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, ડોગ સ્ક્વોડ, સહિતની વિવિધ એજન્સીઓ અને ટીમો તપાસમાં લાગી ગઈ હતી. આ દરમિયાન સૌથી પહેલા આ ઘટનાને જોનાર રેલવેનો કર્મચારી પર શંકા ગઈ હતી. તેનું કારણ એ હતું કે, કોઈ ટૅક્નોલૉજીની જાણકાર અનુભવી વ્યક્તિ જ આટલા ટૂંકા ગાળામાં 71 ERS પેડલોક અને 2 જોગસ ફિશ પ્લેટ કાઢી શકે . જેથી ઉલટ તપાસ કરાતા સુભાષ પોદાર જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. સુભાષ પોદારે ઍવોર્ડ અને પ્રમોશન મેળવવાની લાલચમાં આ કાવતરું ઘડ્યું હોવાનું જાણવા મળ્યું છે.
શું હતી એ ઘટના?
પશ્ચિમ રેલવે, વડોદરા ડિવિઝને શનિવારે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, કેટલાક અજાણ્યા લોકોએ કીમ રેલવે સ્ટેશન નજીક ઉત્તર પ્રદેશ લાઈન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મૂકી દીધી હતી. ત્યારબાદ ટ્રેનની અવર-જવર બંધ કરી દેવાઈ હતી. આ સુરત ગ્રામ્ય તેમજ રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઝડપથી લાઈન પર ટ્રેન સેવા શરૂ કરી દેવાઈ હતી.
જણાવી દઈએ કે, આ દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા અપલાઈન પર રેલવે ટ્રેકની સેફ્ટી પિન (ઈલાસ્ટિક રેલ ક્લિપ) અને ફિશ પ્લેટ કાઢી આખી ટ્રેન ઉથલાવી પાડવાનું કાવતરું ઘડાયાના અહેવાલ વહેતા થયા હતા. હકીકતમાં રેલવેના આ કર્મચારીએ જ 71 ERS પેડલોક અને 2 જોગસ ફિશ પ્લેટ કાઢી પાટા પર ગોઠવી દીધી હતી. એવોર્ડ અને પ્રમોશન મેળવવા માટે રેલવે કર્મચારીઓએ હજારો લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. પરંતુ પોલીસ અને તપાસમાં લાગેલી અલગ અલગ એજન્સીઓએ અંતે ગુનેગારોને ઝડપી પાડ્યા છે.