Get The App

રાજ્યના પેન્શનધારકો ધક્કો ખાધા વિના ઘેરબેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકશે, જાણો કેવી રીતે

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
Pensioners Get Life Certificate at Home


Pensioners Get Life Certificate at Home: રાજ્યમાં પેન્શન ધારકોને તેમના જીવન પ્રમાણપત્ર મેળવવા માટે હવે કોઈ ટ્રેઝરી, બૅન્ક કે અન્ય વિભાગમાં જવાની જરૂરિયાત રહેશે નહીં, કારણ કે તેઓ નજીકની પોસ્ટઑફિસના પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇઈફ સર્ટિફિકેટ મેળવી શકશે. 

ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા 

પેન્શન ધારકોને દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં ટ્રેઝરી, બૅન્ક અથવા સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. જેના માટે દૂર-દૂરના વિસ્તારમાં રહેતા પેન્શનરોને ટ્રેઝરીમાં જવા ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ખર્ચ થતો હોય છે. પરંતુ હવે ભારતીય ડાક વિભાગ દ્વારા તમામ વિભાગના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા અપાઈ રહી છે.

ટ્રેઝરી, બૅન્ક કે અન્ય વિભાગમાં જવાની જરૂર નથી

આ સિસ્ટમ માટે 70 રૂપિયાની ફી નિર્ધારીત કરાઈ છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબધિત વિભાગને ઓનલાઇન પહોંચી જશે અને પેન્શન મળવામાં કોઈ અડચણ થશે નહીં. પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું છે કે, ‘ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બૅન્કે 2020માં કેન્દ્રીય, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણપત્ર શરુ કરવા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની ડોર સ્ટોપ સેવા શરુ કરી હતી. જે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે.

પોસ્ટમેનની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપવાની સુવિધા

આ સુવિધાનો લાભ મેળવવા પેન્શનધારકો પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઇલ એપ દ્વારા ઓનલાઇન અનુરોધ કરી શકે છે. પોસ્ટ વિભાગની પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે તેમજ તેની સાથે પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરેબેઠા પેન્શનની રકમ આધાર ઇનબિલ્ટ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બૅંક ખાતામાં મેળવી શકશે.

આ પણ વાંચો: સુરત નજીકના પલસાણામાં નેશનલ ટ્રેડિંગ કંપનીનું કરોડોનું બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું

આ રીતે મેળવી શકો છો પ્રમાણપત્ર

ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બૅન્ક (IPPB) સેવા હેઠળ હયાતીના પ્રમાણપત્રની સુવિધા ઘરે બેઠા જ પૂરી પાડવામાં આવશે. જેના માટે સૌથી પહેલાં IPPB ટોલ ફ્રી નંબર 155299 પર કૉલ કરીને નોંધણી કરવાની રહેશે. ત્યારબાદ પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટમેન/ગ્રામીણ ડાક સેવક નોંધણી કરવાનારના ઘરના સરનામે પહોંચી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરી આપશે. 

ઘરે બેઠા સુવિધા મેળવવા માટે પેન્શન ધારકે આધાર નંબર અને પેન્શનની વિગત ડાક સેવકને આપવાની રહેશે. પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેન્શનર દ્વારા તેના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. બાદમાં પેન્શન ધારક  https://jeevanpramaan.gov.in/ppouser/login પર જઈને પોતાનું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઓનલાઇન જોઈ શકશે. આ સિવાય પેન્શન ધારક નજીકની પોસ્ટ ઑફિસની મુલાકાત લઈને પણ પ્રમાણપત્ર મેળવી શકે છે. 

આ સિવાય પેન્શન ધારકો ઓનલાઇન ફોન દ્વારા પણ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે. જેના માટે પેન્શન ધારક નીચે મુજબના સ્ટેપ ફોલો કરી જાતે જ પોતાના ફોનમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે.

હયાતીનું પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું? 

1. સૌથી પહેલાં જે ફોનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે ઓછામાં ઓછો 5MP કેમેરા સેન્સર હોય તેવો ફોન લેવો.

2. Google Play Store પરથી AadhFaceRD અને લાઇફ સર્ટિફિકેટ ફેસ એપ ડાઉનલોડ કરો.

3. ઑપરેટર ઑથેન્ટિકેશન પૂર્ણ કરો અને પેન્શન ધારકનો ચહેરો સ્કેન કરો.

4. ત્યારબાદ ફ્રન્ટ કેમેરાથી ફોટો ક્લિક કરી તમામ જરૂરી તમામ માહિતી સબમિટ કરો.

5. રજિસ્ટર્ડ મોબાઇલ નંબરમાં એક લિંક આવશે, જેના પર ક્લિક કરી હયાતીનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે. 

રાજ્યના પેન્શનધારકો ધક્કો ખાધા વિના ઘેરબેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકશે, જાણો કેવી રીતે 2 - image


Google NewsGoogle News