શિક્ષકોની ભરતીને લઇને આવ્યા મોટા સમાચાર, 7500 કાયમી શિક્ષકોની ભરતી કરાશે

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
શિક્ષકોની ભરતીને લઇને આવ્યા મોટા સમાચાર, 7500 કાયમી શિક્ષકોની ભરતી કરાશે 1 - image


Teacher Recruitment 2024 : TET-TAT ઉમેદવારોના આંદોલન વચ્ચે શિક્ષકોની ભરતીને લઇને સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

7,500 શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય

ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. 

3500 માધ્યમિક શિક્ષકોની ભરતી કરાશે

આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.   માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3,500 TAT-Secondary પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.

4,000 ઉચ્ચર માધ્યમિક શિક્ષકોની ભરતી કરાશે

જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઇન–એડ શાળામાં 3,250 એમ મળીને TAT-Higher Secondary ના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.

ગુજરાતમાં ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાની જગ્યાએ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં રાજ્યમાં 3.83 ઉમેદવારો બેકાર બેઠાં છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યાં હોવા છતાં સરકાર તેમની માગણીઓને સ્વિકારી રહી ન હતી. આ ઉમેદવારોની ભરતી નહીં થતાં તેમની વયમર્યાદાનો પ્રશ્ન ઉભો થયો રહ્યો છે.

ગત વર્ષે એકપણ ભરતી થઈ નથી

રાજ્ય વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ કબૂલ કર્યું હતું કે ટેટ-1 પાસ 39395 એને ટેટ-2 પાસ 235956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પસાર કરી છે. આ સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે તેવા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે 2022માં ટેટ-1 પાસ થયેલા 2300 અને ટેટ-2 પાસ થયેલા 3378 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે, જ્યારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કોઈ ભરતી થયેલી નથી. એવી જ રીતે 2023માં પણ એકપણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ડેટ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની જગ્યાએ શિક્ષણ વિભાગે માધ્યમિક વિભાગમાં 5985 જગ્યાઓ ભરવા માટે 4138 ઉમેદવારોને જ્ઞાન સહાયકની નિમણૂક આપી છે. જ્ઞાન સહાયકમાં માસિક વેતનના પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે માધ્યમિકમાં જ્ઞાન સહાયકને પ્રતિ માસ મહિને 24000 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે. શિક્ષણ વિભાગે આ નિમણૂકો નવેમ્બર 2023માં આપી હતી અને તેમને વેતન ચૂકવી દેવામાં આવ્યું છે. માસિક વેતન સમયસર મળતું નહીં હોવાનો આક્ષેપ સરકારે ફગાવી દીધો હતો.


Google NewsGoogle News