Get The App

મુખ્યમંત્રી તરીકે પસંદગી થતાં જ ભૂપેન્દ્ર પટેલે કહ્યું,‘યુનિફોર્મ સિવિલ કોડ લાવવા સરકાર મક્કમ’

ગુજરાતમાં વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ વિકાસના કામો થશે

પીએમ મોદી અને ભાજપના ભરોસા પર મતદારોએ મહોર મારી છેઃ ભૂપેન્દ્ર પટેલ

Updated: Dec 10th, 2022


Google NewsGoogle News
મુખ્યમંત્રી તરીકે પસંદગી થતાં જ ભૂપેન્દ્ર પટેલે કહ્યું,‘યુનિફોર્મ સિવિલ કોડ લાવવા સરકાર મક્કમ’ 1 - image

અમદાવાદ, 10 ડિસેમ્બર 2022, શનિવાર

આજે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના ત્રણ નીરિક્ષકોની હાજરીમાં ધારાસભ્યોની સર્વ સંમતિથી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. ભૂપેન્દ્ર પટેલે પત્રકારેને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોર્ડ લાવવા મક્કમ છે. નવી સરકાર વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ વિકાસના કામો કરવા તત્પર છે. 

વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ જ વિકાસના કામો થશે
કમલમ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આજે પક્ષના નેતા તરીકે મારી પસંદગી કરવામાં આવી છે. આ માટે હું તમામ ધારાસભ્યો અને પક્ષના નેતાઓનો આભાર માનું છું. આ વખતે વડાપ્રધાન મોદી અને ભાજપના ભરોસા પર મતદારોએ મહોર મારી છે. હવે સંગઠન અને વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ જ વિકાસના કામો થશે. સરકાર યુનિફોર્મ સિવિલ કોર્ડ લાવવા મક્કમ છે અને લોકોની દરેક મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયાસ કરશે. પ્રેસ કોન્ફરન્સ બાદ તેઓ સરકાર રચવાનો દાવો કરવા રાજભવન જવા રવાના થયા હતાં. 

સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે
સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે ચાર વાગ્યે દિલ્હી જવા રવાના થશે. બંને જણા હાઈકમાન્ડ સાથે બેઠક કરશે અને તેમાં ગુજરાતમાં મંત્રીમંડળની યાદીને લઈને ચર્ચાઓ કરશે. ત્યાર બાદ કેબિનેટની યાદી મંજુર થશે. દિલ્હીમાં જ ગુજરાતના મંત્રીમંડળ માટે આખરી નિર્ણય લેવાય તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણુંક કરવામાં આવી છે.આ ત્રણેય નિરીક્ષકો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારશે. ધારાસભ્ય દળની બેઠકમાં પણ આ નિર્ણય લેવાઈ શકે છે. 



Google NewsGoogle News