ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર સામે ફરિયાદી બનેલા ભૂપત ખાચરે વીડિયો બનાવી ખુલાસો કર્યો
હું નિર્દોષ છું, સહી કરાવી મને ફરિયાદી બનાવી દીધો સમાજની લાગણી દુભાઈ હોય તો દીલગીરી વ્યક્ત કરૂ છુંઃ ભૂપત ખાચર
અમદાવાદઃ સાળંગપુર પરિસરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર કરનાર વ્યક્તિ સામે ફરિયાદી બનનારે ખુલાસો કર્યો છે. ભૂપત ખાચરે વીડિયો બનાવીને ખુલાસો કરતાં કહ્યું હતું કે, ભીંતચિત્રો ઉપર કલર લગાવવાની ઘટના બની ત્યારે હું ત્યાં ફરજ પર હતો. આ બનાવ બન્યા બાદ મને ઓફિસમાં બોલાવ્યો અને એક કાગળ પર સહી કરાવી લીધી હતી. મને તો સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી કે આ કેસમાં મને ફરિયાદી બનાવવામાં આવ્યો છે.
વીડિયોના માધ્યમથી ફરિયાદીએ ખુલાસો કર્યો
ભૂપત ખાચરે વીડિયો બનાવીને કહ્યું હતું કે, મને તો બાદમાં ખબર પડી હતી કે આ કેસમાં ફરિયાદી તરીકે મારૂ નામ ઉમેરવામાં આવ્યું છે. હું ફરિયાદી બન્યો એ બાબતે ચારણ સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાઈ હોય તો હું દીલગીરી વ્યક્ત કરૂ છું. સાળંગપુર હનુમાનજી મંદિરે ભીંતચિત્રો પર કાળો કલર મારવાના મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ સેથળી ગામના ભૂપત ખાચરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હનુમાનજીના ભીંતચિત્રો પર કાળો કલર લગાવવા અને તોડફોડ કરવા મુદ્દે હર્ષદ ગઢવી સહિતના ત્રણ આરોપીઓને જામીન પર મુક્ત કરવા માંગ કરવામાં આવી હતી.આજે ફિક્સ ફોર હિયરિંગને લઈ જામીન અરજી કરવામાં આવશે.
ભૂપત ખાચરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
સાળંગપુર પરિસરમાં હનુમાનજીની પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રો પર હર્ષદ ગઢવી નામના શખ્સે કાળો કલર લગાવ્યો હતો. ત્યાર બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. સાળંગપુર હનુમાનજી મંદિરે ભીંતચિત્રો પર કાળો કલર મારવાના મામલે ત્રણ શખ્સો હર્ષદ ગઢવી, જેસિંગ ભરવાડ અને બળદેવ ભરવાડ વિરૂદ્ધ મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ત્રણેય સામે સેથળી ગામના અને મંદિરના સિક્યોરિટી ગાર્ડ ભૂપત ખાચરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.