ભાવનગરની અનોખી 'ભાઈબંધની નિશાળ', 42 વર્ષના વડીલને શિક્ષણથી બનાવ્યા પગભર

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
ભાવનગરની અનોખી 'ભાઈબંધની નિશાળ', 42 વર્ષના વડીલને શિક્ષણથી બનાવ્યા પગભર 1 - image


Bhavnagar Footpath School: 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ' આજે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ભાવનગરના એક એવા શિક્ષકની વાત કરવી છે, જેણે શહેરમાં ફૂટપાથ પર વસતાં લોકોના શિક્ષણની ચિંતા કરી. 2019માં ગાંધી જ્યંતિના દિવસે ઓમ ત્રિવેદીએ 'ભાઈબંધની નિશાળ' શરુ કરી હતી. છેલ્લાં પાંચ વર્ષથી આ સંસ્થા ફૂટપાથ પર રહેતાં પરિવારોને સાક્ષર બનાવવાનું કામ કરે છે. જ્યાં નાના બાળકોથી લઈને 42 વર્ષની ઉંમર સુધીના લોકો શિક્ષણ મેળવે છે.

વડોદરા, મુંબઈ, ચેન્નઈ જેવા શહેરોમાં ઘણી જગ્યાએ ફૂટપાથ પર વસતાં લોકોને શિક્ષણ આપવા સામાજિક સંસ્થાઓ શાળાઓ ચલાવે છે. જો કે, તે તમામ સંસ્થાઓ સાપ્તાહિક ધોરણે કામ કરતી નથી. એવામાં ભાવનગરના પીલગાર્ડનમાં રૂખડદાદાના મંદિરના ઓટલા પર દરરોજ 7થી રાત્રે 10 વાગ્યા સુધી ફૂટપાથ પર વસતાં પરિવારોને શિક્ષણ આપવાનું કામ થાય છે. આ શાળામાં શિક્ષણ સિવાય રમત-ગમતની પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. તેમજ દરરોજ પ્રાર્થના બાદ ગાયના દૂધ સાથે ભોજન પણ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ વર્ષો બાદ જામનગરમાં દેખાયા દુર્લભ કાળા તેતર, પક્ષી પ્રેમીઓમાં છવાયો અનેરો ઉત્સાહ

ભાવનગરની અનોખી 'ભાઈબંધની નિશાળ', 42 વર્ષના વડીલને શિક્ષણથી બનાવ્યા પગભર 2 - image

'ભાઈબંધની નિશાળ'ના શિક્ષક ઓમ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, '7 વિદ્યાર્થીઓથી શરુ થયેલી આ શાળામાં હાલ 32 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. અમારી શાળામાં 4 વર્ષથી 42 વર્ષની ઉંમર સુધીના વિદ્યાર્થીઓ આવે છે. અમે અહીં વિદ્યાર્થીઓને લખી-વાંચી શકે તથા રોજબરોજના વ્યવહારમાં ગણતરી કરી શકે તે માટે કલમ, ઘડિયાનો અભ્યાસ, વ્યવહારુ જ્ઞાાન, સંસ્કાર અને મેનેજમેન્ટને લગતી અન્ય પ્રેક્ટિલ પ્રવૃત્તિ કરાવીએ છીએ. અમારો હેતુ ફૂટપાથ પર વસતાં પાંચ-પચ્ચીસ લોકાને માત્ર ભણાવવાનો નથી પણ દેશ અને લોકોને એક વિચાર આપવાનો છે, આવી વ્યવસ્થા સરકાર કે સામાજિક સંસ્થાઓ દ્વારા દરેક જગ્યાએ શરુ થાય જેથી ફૂટપાથ પર વસતાં આ ગરીબ લોકોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે લાવી શકાય. આમારા આ કાર્યમાં વહીવટી તંત્ર તેમજ સમાજના અનેક લોકો મદદ પણ કરે છે. અમારી શાળાના કોઈ વિદ્યાર્થીને આગળ ભણવું હોય તો અમે તે દિશામાં પણ પ્રયત્નો કરીએ છીએ. અત્યાર સુધીમાં બે વિદ્યાર્થીઓને અમે સરકારી શાળામાં ભણતાં કર્યા છે.'

આ પણ વાંચોઃ સુરતમાં ગણેશજીની સ્થાપનાનો વિવાદ : સાંસદના ઘરે નારેબાજી, 'ગણપતિ બાપ્પા મોરિયા, હમારી માંગે પૂરી કરો...'

હિસાબ શીખ્યા બાદ છૂટક મજૂરી છોડી પોતાનો નાનો વ્યવસાય શરુ કર્યો

ફૂટપાથ પર રહેતાં 42 વર્ષીય કાનાભાઈ વર્ષોથી છૂટક મજૂરીનું કામ કરતા હતા અને છેલ્લાં ઘણાં સમયથી 'ભાઈબંધની નિશાળ'માં ભણવા પણ આવતાં. અહીં તેમણે વ્યવહારમાં ઉપયોગી હિસાબી જ્ઞાાન મેળવ્યું અને ગણતરી આવડી ગયા પછી સાહસ કરી પોતાનો વ્યવસાય શરુ કર્યો છે. તેઓ પોતાની લારીમાં દિવાળીમાં ફટાકડા, હોળીમાં રંગો અને મકરસંક્રાંતિમાં પતંગ, દોરી અને ફુગ્ગા જેવી પરચૂરણ વસ્તુઓનો સિઝનલ વેપાર કરે છે. હાલ તેઓ ફળોનો વ્યવસાય કરી રહ્યા છે. શિક્ષણે તેમના જીવનને નવી દિશા આપી છે.



Google NewsGoogle News