ભરૂચ દુષ્કર્મ કેસ: આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર, ઝારખંડ સરકારના મંત્રીએ બાળકી-પરિવારજનો સાથે કરી મુલાકાત
Jhagadia Rape Case : ગુજરાતમાં મારામારી, દુષ્કર્મ, હત્યા સહિતના ગુનાઓ વધી રહ્યા છે. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કેસમાં બાળકી હાલ વડોદરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાને લઈને ઝારખંડ સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજના મંત્રી સહિતની ટીમ વડોદરા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ઝારખંડ સરકારની ટીમે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરીને બાળકીના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે સમગ્ર ઘટના મામલે કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
વડોદારમાં ઝારખંડ સરકારના મંત્રીની મુલાકાત
ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતા બાળકીની હાલત ગંભીર હોવાથી હાલ વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોપી ઝારખંડનો હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે સમગ્ર ઘટનાને લઈને ઝારખંડ સરકારમાં કોંગ્રેસના મંત્રી દીપિકા પાંડે સિંહ અન્ય મહિલા અધિકારીઓ સાથે વડોદરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને બાળકીના પરિવારજનો-તબીબો સાથે મુલાકાત કરી હતી. આ સાથે મંત્રીએ જણાવ્યું કે, ઝારખંડ સરકારે બાળકીની વધુ સારવારને લઈને તૈયાર પણ દાખવી હતી.
દીપિકા પાંડે સિંહે જણાવ્યું કે, 'ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને બાળકીને વધુ સારવાર મળે તે માટે ત્રણ સભ્યોની ટીમ ગુજરાત મોકલી છે. સમગ્ર ઘટનાને લઈને બાળકીના પરિવારને ઝારખંડ સરકાર દ્વારા ચાર લાખની સહાય કરવામાં આવી છે. બાળકીને અન્ય રાજ્યમાં વધુ સારવાર અર્થે લઈ જવાની હશે તો પણ અમે તૈયાર છીએ. આ પ્રકારની ઘટના રાજકારણથી દૂર રહીને બાળકીના સારવાર પર વધુ ધ્યાન આપવું જોઈએ.'
આ પણ વાંચો: ઝઘડીયામાં પડોશીએ જ 10 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ, ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપાયો
હોસ્પિટલના RMOએ કહ્યું કે, 'બાળકીની તબિયતમાં સુધારો વર્તાઈ રહ્યો છે. જ્યારે નિષ્ણાત ડૉક્ટરો દ્વારા બાળકીને બેસ્ટ સારવાર આપવામાં આવશે. જ્યારે બાળકીને સર્જિકલ ઓપરેશન થિયેટરમાં શિફ્ટિંગ કરાશે.'
ઋષિકેશ પટેલે શું કહ્યું?
સમગ્ર ઘટનાને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, 'ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મની ઘટનાને લઈને બાળકીને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલને સૂચના આપવામાં આવી છે. જ્યારે ઝારખંડનું મંત્રીમંડળ- ટીમ અહીં આવી છે.'
ભરૂચ જિલ્લાના SPએ શું કહ્યું?
ભરૂચ જિલ્લાના SP મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, 'આરોપી વિજય પાસવાને અગાઉ એક મહિના પહેલા પણ આજ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના મામલે ખાસ તપાસ ટીમની રચના કરાઈ છે અને સારવાર માટે બેસ્ટ ડોક્ટરોની ટીમ બનાવાઈ છે. ભરૂચમાં બાળકીનું એક ઓપરેશન કરવામાં આવ્યું હતું, જ્યારે બાળકી હાલ વડોદરામાં સારવાર હેઠળ છે. આ કેસમાં ખાસ સરકારી વકીલની નિમણૂકની માગ કરવામાં આવી છે.' સમગ્ર ઘટના મામલે પોલીસે આરોપીના રિમાન્ડ મંજૂર કરાવવા માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં કોર્ટે આરોપી વિજય પાસવાનના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં.
શું હતી સમગ્ર ઘટના?
ગઈ કાલે મંગળવારે ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીયબાળકીનું એક શખસે અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સર્જાઈ હતી. જેમાં નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે કરી હતી. આબરૂ જવાની બીકે મા-બાપે ફરિયાદ ન કરતા આરોપીએ બીજીવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા. બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી હતી. આરોપી મૂળ ઝારખંડનો વતની હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.