Get The App

614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર અમદાવાદના સ્થાપના દિવસે મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા યોજાશે

Updated: Feb 25th, 2025


Google News
Google News
Bhadrakali mata Nagar Yatra


Bhadrakali mata Nagar Yatra: અમદાવાદવાસીઓએ અત્યાર સુધી નગરદેવતા એવા ભગવાન જગન્નાથની રથયાત્રાનો લહાવો લીધો છે પણ હવે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પણ પોતાના ભક્તોને દર્શન આપવા માટે રથ લઈને અમદાવાદના રસ્તે વિહરશે. 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના દિવસે નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 

614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા

અમદાવાદના 614મા સ્થાપના દિવસ નિમિત્તે માતાજીની રથયાત્રા કાઢવામાં આવશે જે કોટ વિસ્તાર અને ખાસ કરીને માતાજીની હાજરી અને આસ્થાના કેન્દ્રો ગણાતાં વિસ્તારો પાસેથી પસાર થશે. મહત્ત્વની બાબત એ છે કે, માતાજીની મૂર્તિ સ્થાપિત હોવાથી માતાજીની પાવડીઓને રથમાં રાખીને યાત્રા કાઢવામાં આવશે. 

હજારો લોકો આ યાત્રામાં જોડાઈ શકે છે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માતાજીની પહેલી નગર યાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે. મંદિરના પૂજારી અને મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા શશિકાંતભાઈ તિવારીએ જણાવ્યું કે, મંદિર દ્વારા પહેલી વખત માતાજીને નગરયાત્રાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ વિભાગ, મ્યુનિસિપલ કૉર્પોરેશન, યાત્રાધામ વિકાસબોર્ડ દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે. હજારો લોકો આ યાત્રામાં જોડાઈ શકે છે. 

નગરદેવતાના મંદિરે લેવામાં આવશે વિરામ 

આ યાત્રામાં અંદાજે 90 જેટલા વાહનો, 3 અખાડા, 3 ટેબ્લો ટ્રકો, 3 ભજન મંડળીઓ જોડાશે. નગરજનોને બુંદીનો પ્રસાદ આપવામાં આવશે. યાત્રા ત્રણ દરવાજાથી શરુ કરીને બાબા માણેકનાથ સમાધિ સ્થાન, માણેકચોક, દાણાપીઠ, મ્યુનિસિપલ કૉર્પોરેશન કચેરી, ખમાસા, પગથિયા થઈને જમાલપુર જગન્નાથજી મંદિર પહોંચશે. નગરદેવતાના મંદિરે વિરામ લેવામાં આવશે. ત્યારબાદ મહાલક્ષ્મી મંદિર અને અન્ય સ્થળે જઈને નીજ મંદિર પરત ફરશે. 

મુઘલકાળમાં કટ્ટર શાસકોના ભયથી યાત્રા બંધ થઈ હતી 

જાણકારોના મતે અમદાવાદની સ્થાપના કરવામાં આવી અને ખાસ કરીને અહમદશાહ બાદશાહ દ્વારા તેને કોટની રાંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં ભદ્રકાળી માતાજીના મંદિરનો પ્રભાવ અકબંધ રહ્યો છે. તેમાંય મંદિર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, રાજા કર્ણદેવ દ્વારા મંદિર સ્થાપવામાં આવ્યું અને મુઘલકાળ આવ્યો ત્યાં સુધી દર વર્ષે માતાજીની યાત્રા નીકળતી હતી.

ત્યારબાદ કેટલાક કટ્ટર શાસકો દ્વારા આ યાત્રા બંધ કરી દેવાઈ. તે ઉપરાંત હિન્દુ અને જૈન સંપ્રદાયના સ્થાપત્યો, મંદિરો અને ઇતિહાસને ખૂબ જ નુકસાન કરવામાં આવ્યું. તેના પગલે મંદિરની યાત્રા પણ અટકી ગઈ હતી. ત્યારબાદ ક્યારેય માતાજીની નગરયાત્રા કાઢવાનો અવસર આવ્યો નહોતો કે કોઈએ પહેલ પણ કરી નહોતી. 

પ્રથમ યાત્રામાં 5000 લોકોનો ભંડારો કરવામાં આવશે 

આ યાત્રામાં અંદાજે 5000 માણસોનો ભંડારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત મહાશિવરાત્રિને ધ્યાનમાં રાખીને વિશેષ ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં માતાજીને વિશેષ શણગાર કરવામાં આવવાના છે. આ સિવાય જે લોકો જોડાશે તે પ્રમાણે પ્રસાદ અને ભોજનની અન્ય વ્યવસ્થા કરવામાં આવશે. એક વખત લોકોનો સાથ મળશે પછી દર વર્ષે ચોક્કસ તિથિએ માતાજીની રથયાત્રા કાઢવાનું ભદ્રકાળી મંદિર ટ્રસ્ટની વિચારણા છે. 

માતાજીની રથયાત્રા સવારે 8 વાગ્યે નીકળશે 

માતાજીના શણગાર અને આરતી કર્યા બાદ સવારે 8 કલાકે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. સૌથી પહેલા માતાજીના હાથના પંજાની છાપ છે ત્યાં રથ જશે. ત્યાંથી ત્રણ દરવાજા જ્યાં માતાજીનો અખંડ દીવો છે ત્યાં થઈને બાબા માણેકનાથની સમાધિએ રથ પહોંચશે. ત્યાંથી માણેકચોક થઈને દાણાપીઠ થઈને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ઑફિસે રથ જશે. 

મેયર અને અન્ય પદાધિકારીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી રથ ખમાસા અને પગથિયા થઈને નગરદેવતા જગન્નાથના મંદિરે પહોંચશે. ત્યાંથી રથ નીકળીને ગાયકવાડ હવેલી થઈને રિવરફ્રન્ટ પહોંચશે. ત્યાં માતા સાબરમતીની આરતી કરવામાં આવશે. ત્યાંથી રથ વસંતચોક આવશે. ત્યાંથી સીદી સૈયદની જાળીએ થઈને કોઠાના હનુમાન દાદા અને બહુચરમાતાના મંદિર પાસે ઊભો રહીને નગરજનોને દર્શન આપીને નીજ મંદિર પરત ફરશે. અહીંયા હવન અને ત્યારબાદ ભંડારાનું આયોજન કરાશે.

614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર અમદાવાદના સ્થાપના દિવસે મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા યોજાશે 2 - image

Tags :