Get The App

સાવધાની હટી તો... ડિજિટલ કરન્સી, ડિજિટલ અરેસ્ટથી ચેતજો, મોબાઈલથી ઘરે બેઠા લૂંટાઈ જશો!

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
Digital Arrest


Digital currency And Digital Arrest: એક સમય હતો કે જ્યારે ઘરની બહાર નીકળો તો ઘરમાં ચોરી થવાનો કે પછી બહાર ચેઈન સ્નેચિંગ, ચોરી કે લૂંટફાટનો ભય રહેતો હતો. સરવાળે, ધરતીનો છેડો કહેવાતું ઘર સલામત જણાતું હતું. પરતુ, હવે ઘરબેઠાં મોબાઈલ ફોનથી મુશ્કેલીનો નવો પડકાર સર્જાઈ રહ્યો છે. ડિજિટલ કરન્સી અને ડિજિટલ એરેસ્ટ થકી છેતરપિંડીની માયાજાળ રચતા ગઠિયાની વાતમાં આવી ગયાં તો ફસાઈ ગયાં જ સમજો. 

ઓનલાઈન નાણાકીય વ્યવહારોમાં વાંધો નથી પરંતુ થોડી સાવધાની હટે તો નુકસાની થશે તે નક્કી છે. ચાલુ વર્ષે જ ભારતમાં ડિજિટલ એરેસ્ટ કરી છેતરપિંડીની 6000થી વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સામાજીક ભયના કારણે ફરિયાદ ન નોંધાવાઈ હોય તેવા કિસ્સા ગણીએ તો દર મહિને સરેરાશ 1000 લોકો ડિજિટલ ચિટીંગનો ભોગ બને છે.

ઓનલાઈન વ્યવહારોમાં વાંધો નથી પણ સાવધાની હટી તો નુકસાની નક્કી

લાખો, કરોડો રૂપિયા પડાવી લેતા આવા સાયબર ક્રિમીનલ્સની સમસ્યા વૈશ્વિક છે અને તેના નાથવા માટે દુનિયા કાયદાકીય રીતે હજુ સજ્જ બની નથી. ગુજરાત અને ભારતમાં આ પ્રકારના ડિજિટલ એરેસ્ટની સાથોસાથ ડિજિટલ કરન્સી સ્કેમ વ્યાપક બન્યાં છે. 2022થી એક વર્ષના સમયગાળામાં જ બીટકોઈન અને અન્ય ડિજિટલ કરન્સીના નામે છતી છેતરપિંડીમાં 53 ટકાનો ધરખમ ઉછાળો આવ્યો હતો. 

ગુજરાત પોલીસ પહેલી વખત વિદેશમાં બેસીને આવા કૌભાંડોનું સંચાલન કરતાં તત્વોને પકડી લાવવામાં સફળ રહી છે. આવી એક-બે ગેંગ પકડાઈ છે તે પાછળ પોલીસે મહિનાઓ સુધી મહેનત કરવી પડી હતી. ભારતમાં આવી અલગ અલગ પ્રકારની પાંચ ડઝન જેટલી ટોળકીઓ કાર્યરત છે. આવી છેતરપિંડી રોકવા હવે કાયદા છે અને કાર્યવાહી પણ થઈ રહી છે. પરંતુ, એક વખત પૈસા ગુમાવ્યા પછી તે પરત મેળવવા અને કાયદાકીય પળોજણમાં ન પડવું હોય તો સાવધાન રહેવું એ જ શ્રેષ્ઠ ઉકેલ છે.

વર્ષ 2002થી સાયબર ક્રાઈમના મંડાણ થયા હતા

ટેકનોલોજી યુગનો આરંભ થઈ રહ્યો હતો ત્યારથી એટલે કે વર્ષ 2002થી સાયબર ક્રાઈમના મંડાણ થયા હતા. વર્ષ 2002માં દેશમાં સાયબર ક્રાઈમની ટકાવારી 0.81 ટકા હતી સત્તાવાર રીતે વર્ષ 2021માં વધીને 52.97 ટકા થઈ ચૂકી હતી. દેશમાં નોંધાતા વિવિધ પ્રકારના ગુનામાં હવે સાયબર ક્રાઈમ ગુનાખોરીનો હિસ્સો 60 ટકા જેટલો થઈ ચૂક્યો છે. 

ડાકુગીરીની ચર્ચા રહેતી હતી તેવા આપણા દેશ ભારતમાં હવે સાયબર ચાંચિયાગીરીનો જમાનો છે. સાયબર ચાંચિયાગીરી એટલા માટે કે સાયબર ક્રાઈમનું સંચાલન વિદેશથી થાય છે અને ભારતીયો થોડા પૈસા માટે તેનો હિસ્સો બને છે. કોઈ કોલ સેન્ટરમાં નોકરી કરીને, કોઈ ગેરકાયદેસર તાલીમ લઈને તો કોઈ નોકરીના બહાને વિદેશ લઈ જવાય ત્યાંના કોલ સેન્ટરમાં તો કોઈ દેશમાં બેઠાં બેઠાં જ વિદેશથી સંચાલિત સાયબર ક્રાઈમન અંજામ આપે છે. 

આ પણ વાંચો: પોરબંદર સ્ટેટ દ્વારા 122 વર્ષ પહેલાં સૂર્યકૂકરમાં લાઈવ ભજિયા-પૂરી તળીને અમદાવાદીઓને ખવડાવાયા હતા!

ડિજિટલ કરન્સી, ડિજિટલ એરેસ્ટથી ચેતજો 

તાજેતરમાં જ અમદાવાદ સાયબર ક્રાઈમે દેશમાં પહેલી વખત જ તાઈવાનની આવી એક ટોળકીને પકડી છે. જો કે, મોટો પડકાર એ છે કે, આ પ્રકારના સાયબર ક્રાઈમનું સંચાલન કરતી પાંચ ડઝન વિદેશ ટોળકીઓ સક્રિય હોવાનો ડેટા મેળવી ચૂકાયો છે. કેન્દ્રિય ગૃહમંત્રાલયની સાયબર વિંગે રાજ્ય સરકારો સાથે સંકલન બાદ ચીટિંગના કારસ્તાન આચરતા 6 લાખ મોબાઈલ નંબર્સ અને 3.25 લાખ બેન્ક ખાતાં ફ્રીઝ કર્યાં છે. આમ છતાં, ડિજિટલ એરેસ્ટના કારસ્તાનથી ઠગાઈના 6000 ગુના ચાલુ વર્ષે નોંધાઈ ચૂક્યાં છે. સાયબર ગુનાખોરીમાં પ્રતિવર્ષ સતત વધારો નોંધાઈ રહ્યો છે. 

કોરોના કાળથી સાયબર ક્રાઈમ ગુનાખોરીમાં અચાનક ઉછાળો આવ્યો

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જ બાર લાખથી વધુ ગુના નોંધાઈ ચૂક્યાં છે. કોરોના કાળથી સાયબર ક્રાઈમ ગુનાખોરીમાં અચાનક ઉછાળો આવ્યો છે તેમાં ઘટાડો થતો જ નથી. દરરોજ સવાર પડે ને ગુનાની નવી મોડ્સ ઓપરેન્ડી અમલમાં આવે છે. નવા ગુનાની ફરિયાદ થાય અને લોકોને જાગૃત કરવામાં આવે ત્યાં સુધીમાં તો અનેક લોકો છેતરપિંડીનો ભોગ બની ચૂક્યાં હોય છે. 

કસ્ટમર કેર નંબર, રિફંડ અને કેવાયસી, સેક્સટોર્શન, ઓનલાઈન બુકીંગ, ક્યુ આર કોડ મોકલીને, ટાસ્ક આપીને ઠગાઈ, લોન એપ્લિકેશન, ઈ-ગેમિંગ જેવાં ઓનલાઈન ચીટિંગ વર્ષો જુના છે અને હજુ પણ ચાલી રહ્યાં છે. લોકો આ જુનવાણી ગુના સામે સતર્ક થયાં છે છતાં ગઠિયાઓ ફાવી જાય છે. 

ડિજિટલ એરેસ્ટ કરી પૈસા પડાવવાના કિસ્સા માં ચિંતાજનક વધારો 

અત્યારે સૌથી મોટો પડકાર ડિજિટલ કરન્સી અને ડિજિટલ એરસ્ટનો છે. બન્ને કિસ્સામાં મસમોટી રકમની છેતરપિંડી થાય છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે તેની તમામ વિગતો એકત્ર કર્યા પછી પોલીસના નામે વીડિયો કોલ કરી દિવસો કે કલાકો સુધી ડિજિટલ એરેસ્ટ કરી પૈસા પડાવવાના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. એક સમય હતો કે જ્યારે માણસને ઘરમાં સલામતીનો અહેસાસ થતો હતો. પરંતુ, હવે મોબાઈલ ફોનથી ઓનલાઈન ચીટર્સ દિમાગ ઉપર કબજો મેળવી લઈને લાખો રૂપિયા પડાવતાં થયાં છે. 

સાયબર ક્રાઈમ સામે લડત આપવા દેશવ્યાપી કોન્ફરન્સ 

ત્રણ દિવસ પહેલાં જ સાયબર ક્રાઈમ અને નાણાકીય આતંકવાદ સામે લડત આપવા માટે દેશવ્યાપી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી. દેશમાં સાયબર ક્રાઈમના ઝડપથી બદલાઈ રહેલા સ્વરૂપો સામે પોલીસ પણ ઝડપી કાર્યવાહી કરે તે દિશામાં કાર્યવાહી થઈ રહી છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે પોતાના ઘરમાં જ સલામતીનો અહેસાસ કરવો હશે તો મોબાઈલ ફોન કે ડિજિટલ નેટવર્કને પૂર્ણરૂપે જાણી તેના થકી આચરાતાં ગુના વિશે સતર્ક થવું પડશે. 

કારણ કે, વર્ષ 2024ના છ મહિનામાં જ દેશના સાડા આઠ લોકો સાથે 11269.82 કરોડની ઠગાઈ થઈ ચૂકી છે. ફરિયાદી બનવું છે કે ગુનાનો ભોગ ન બનાય તે માટે સતર્ક રહેવું તે આપણે નક્કી કરવાનું છે. 

આ પણ વાંચો: તારીખ પે તારીખ : ગુજરાતની કોર્ટમાં 17.32 લાખ કેસ પેન્ડિંગ, ન્યાયતંત્ર સામે મોટો પડકાર

ડિજિટલ ચીટિંગનું સંચાલન વિદેશથી કરાય છે ને થોડા પૈસા માટે ભારતીયો તેનો હિસ્સો બને છે

ક્રિપ્ટો કરન્સી ચીટિંગઃ અમદાવાદ પોલીસ માટે 'ચોર ઉપર ઘંટી ચોર'ની સ્થિતિ વચ્ચે તપાસ શરૂ, દિવાળી પહેલાં સીજી રોડ વિસ્તારમાં ક્રિપ્ટો કરન્સીના વેચાણના સોદાના નામે 20 કે 50 લાખ રૂપિયાની તોડબાજીના મુદ્દે ઝોન-1 પોલીસ ચર્ચામાં આવી હતી. પોલીસ કમિશનરે તપાસ સોંપી તે સાથે સ્કવોડના બે કર્મચારીની બદલી કરી દેવામાં આવી હતી. 

દિવાળીના તહેવારો પૂર્ણ થતાં સમગ્ર પ્રકરણની તપાસ સંયુક્ત પોલીસ કમિશનરના આદેશથી ઝોન-2 ડીસીપી કરી રહ્યાં છે. પ્રાથમિક નિવેદનોની પ્રક્રિયા આરંભાઈ પણ આ અંગે ભોગ બનનાર કે ફરિયાદી અથવા તો અન્યોની સંડોવણી વિશે કોઈ તપાસ કાર્યવાહીના અણસાર નથી. આ સ્થિતિ વચ્ચે પ્રકરણનો વિંટલો વાળવા ભોગ બનનારને પૈસા પરત કરવાના કિસ્સામાં મધ્યસ્થી બનેલાં પોલીસકર્મી માટે ચોર ઉપર ઘંટી ચોર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ તપાસ પહેલાં પૂર્ણ થશે કે આઈપીએસની બદલીઓ પહેલાં આવશે? તેની ચર્ચા પોલીસમાં છે.

સાવધાની હટી તો... ડિજિટલ કરન્સી, ડિજિટલ અરેસ્ટથી ચેતજો, મોબાઈલથી ઘરે બેઠા લૂંટાઈ જશો! 2 - image



Google NewsGoogle News