ધોરણ 10-12ના નાપાસ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક, મુખ્ય-પૂરક પરીક્ષાના પરિણામમાંથી શ્રેષ્ઠ પરિણામ રહેશે ગ્રાહ્ય
Best of Two Exam In Gujarat : ગુજરાત સરકારે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને રાજ્યના ધોરણ 10-12ના નાપાસ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક પૂરી પાડી છે. જેમાં વર્ષ 2024માં નાપાસ થયેલા રાજ્યના વિદ્યાર્થીઓના ‘Best Of Two Exam’ હેઠળ મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામમાંથી શ્રેષ્ઠ પરિણામને ગ્રાહ્ય રાખવામાં આવશે.
ધોરણ 10-12ના નાપાસ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અંતર્ગત ‘Best Of Two Exam’માં રાજ્યના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ બોર્ડની પૂરક પરીક્ષા આપીને પોતાનું પરિણામ સુધારી શકશે. જેમાં મુખ્ય અને પૂરક પરીક્ષામાંથી જેનું પરિણામ શ્રેષ્ઠ હશે તે પરિણામને ગ્રાહ્ય રાખવામાં આવશે.
આ સાથે જે વિદ્યાર્થી મુખ્ય પરીક્ષા આપ્યા બાદ વધુ સારું પરિણામ મેળવવા માટે પૂરક પરીક્ષા આપવા ઇચ્છતો હોય તો તે આપી શકશે અને જેમાંથી વધુ સારા પરિણામની વિદ્યાર્થીને માર્કશીટ પણ આપવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષા આપી ન હોય તેવા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવા મળશે નહીં.
2.11 લાખથી વધુ વિદ્યાર્થીઓને થશે લાભ
રાજ્યના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10 અને 12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને તેમની મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામમાંથી વધુ સારા પરિણામને ધ્યાને લેવાશે. વર્ષ 2024માં રાજ્યમાં અંદાજિત કુલ 1.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10માં નાપાસ થયા, જ્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 56 હજારથી વધુ અને વિજ્ઞાન પ્રવાહમાં 26 હજારથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આમ કુલ 2.11 લાખથી વધુ વિદ્યાર્થીઓને ‘Best Of Two Exam’નો લાભ મળી મળશે.