વિશ્વકપ-૨૦૨૩ની ફાઈનલ મેચ પહેલા ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ રિવરક્રુઝની મુલાકાત લે તેવી વકી
ભારત વિશ્વકપ જીતે તો શહેરમાં રોડ-શો યોજવા અંગે પણ તંત્રની કવાયત શરુ
અમદાવાદ,શુક્રવાર,17 નવેમ્બર,2023
રવિવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને
ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વકપ-૨૦૨૩ની ફાઈનલ મેચ યોજાવા જઈ રહી છે.વિશ્વકપની ફાઈનલ
અગાઉ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ જો મંજુરી અપાશે તો સાબરમતી નદીમાં રીવરક્રુઝની
મુલાકાત લે એવી વકી છે.રીવરક્રુઝમાં બંને ટીમોને ટ્રેડીશનલ વાનગીઓ પીરસવામાં
આવશે.ભારત વિશ્વકપ જીતે રિવરફ્રન્ટ ખાતે સઘન પોલીસ બંદોબસ્ત સાથે રોડ શો યોજવા
અંગે પણ તંત્રે કવાયત શરુ કરી છે.
વર્ષ-૨૦૧૧ બાદ બાર વર્ષ પછી ભારતની ટીમ વિશ્વકપ જીતે તેવી
કરોડો ભારતીયોની શ્રધ્ધા અને વિશ્વાસ છે.ભારત તથા ઓસ્ટ્રેલિયા બંને ટીમ અમદાવાદ
આવી ગઈ છે.રવિવારે ફાઈનલ મેચ યોજાય એ અગાઉ જો પોલીસ મંજુરી મળે તો બંને ટીમના
ખેલાડીઓને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા અટલબ્રિજ સહિતના અન્ય સ્થળે મુલાકાત
કરાવવાની સાથે રીવરક્રુઝમાં ડીનર કરાવવા અંગે તંત્રે કવાયત શરુ કરી છે.બંને ટીમના
ખેલાડીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રિવરક્રુઝમાં ખમણ,ઢોકળા પાત્રા
સહિતની ગુજરાતી વાનગી પીરસવામાં આવશે.૧૯ નવેમ્બરે ભારત વિશ્વકપ ફાઈનલ મેચ જીતે તો
સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ વિસ્તારમાં ઓપન બસમાં ભારતીય ટીમ સાથે રોડ-શો યોજવા
અંગે પણ વિચારણા કરાઈ રહી છે.
વિવિધ હોટલોમાં ફુડ ફેસ્ટિવલનું આયોજન
અમદાવાદમાં વિશ્વકપ-૨૦૨૩ની ફાઈનલ રવિવાર ૧૯ નવેમ્બરે યોજાઈ
રહી છે.આ મેચ જોવા આવનારા મુલાકાતીઓ માટે શહેરની વિવિધ હોટલોમાં ફુડ ફેસ્ટીવલ
યોજવામા આવશે.ઉપરાંત પ્રવાસીઓને શહેરમાં હેરીટેજ વોક, રિવરફ્રન્ટ,અટલબ્રિજ,ફલાવરપાર્ક તથા
કાંકરિયાલેકફ્રન્ટ સહિતના સ્થળોની મુલાકાત લઈ શકે એ માટે મ્યુનિ.ના વિવિધ વિભાગના
અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.