Get The App

આઝાદી પહેલાં અમદાવાદમાં કાપડની ધમધમતી હતી 80 મિલ, બે-ત્રણ પાળીમાં ચાલતું હતું કામ

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
Mill Industry in Ahmedabad


Mill Industry in Ahmedabad: હેરિટેજ વારસો આપણા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. અમદાવાદ શહેરને હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે, ત્યારે તેના વારસાનું જતન થાય તે જરૂરી છે. દર વર્ષે 19મીથી 25મી નવેમ્બર સુધી હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વર્ષો પહેલાં અમદાવાદમાં મિલો ધમધમતી હતી અને તેને લીધે લાખો લોકોને રોજગારી મળતી હતી. મિલો ઓછી થતી ગઈ અને તેથી મિલ કલ્ચર હવે માત્ર કાગળ પર જ રહી ગયું છે. 

મિલ બે-ત્રણ પાળીમાં ચાલતી હતી. 

મિલ ઉદ્યોગના પિતામહ ગણાતાં રણછોડલાલ છોટાલાલના સફળ સાહસને કારણે અમદાવાદના ઘણાં શ્રેષ્ઠીઓ મિલ ઉદ્યોગ પરત્ત્વે આકર્ષાયા હતા. જેને કારણે 36 વર્ષમાં અમદાવાદમાં નવ મિલ સ્થપાઈ હતી. બીજા દસ વર્ષમાં 18 મિલ, પછીના 25 વર્ષમાં 23 મિલ અને તે પછીના 10 વર્ષમાં 19 મિલ મળીને કુલ 80 મિલ અમદાવાદમાં ધમધમતી થઈ હતી. માંગ વધવાને કારણે અમદાવાદની મિલો બે-ત્રણ પાળીમાં ચાલવા લાગી હતી.

'અમદાવાદના વિકાસમાં મુખ્ય ફાળો મિલ ઉદ્યોગે આપ્યો'

આ વિશે વાત કરતાં ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરીએ જણાવ્યું કે, 'વર્ષ 1857ના સંગ્રામ પછી અમદાવાદ શહેરના વિકાસમાં મુખ્ય ફાળો મિલ ઉદ્યોગે આપ્યો હતો. મિલ ઉદ્યોગને કારણે જ અમદાવાદની ઓળખ હિંદના માન્ચેસ્ટર તરીકે થઈ હતી. સરકારી નોકરીને તિલાંજલિ આપીને સાહસ કરનારા રણછોડલાલ છોટાલાલનો પહેલો પ્રયત્ન જ નિષ્ફળ ગયો હતો.'

આ પણ વાંચો: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો! ચાર દિવસમાં 15 ડિગ્રી સુધી ગગડી શકે છે તાપમાન, જાણો શું છે આગાહી

ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરીએ જણાવ્યું કે, 'નાસીપાસ થયા વિના તેમણે નવેસરથી પ્રયત્ન કર્યો અને 30મી મે 1861ના રોજ અમદાવાદને આંગણે સુતરાઉ કાપડની સર્વપ્રથમ મિલ શરુ થઈ. શાહપુર વિસ્તારમાં આ મિલ શરુ થઈ હોવાથી આજે પણ તેની યાદગીરી સ્વરૂપે તે વિસ્તારને 'શાહપુર મિલ કમ્પાઉન્ડ' તરીકે ઓળખવામાં આવે છે.' 

'અમદાવાદમાં 80 જેટલી મિલો ધમધમતી હતી'

મિલ કલ્ચર અંગે ડૉ. રિઝવાન કાદરીએ જણાવ્યું કે, 'અલબત્ત આ મિલ કમ્પાઉન્ડમાં આજે તો અનેક સોસાયટીઓ, ફ્લેટો અને દુકાનો બની ગયા છે. પરંતુ એક સમયે અમદાવાદમાં 80 જેટલી મિલો ધમધમતી હતી અને એ સમયના અમદાવાદના લોકો મિલની વ્હિસલ પરથી સમયનો અંદાજ કરતા હતા, તો કેટલાક લોકો બપોરની ચા પીતા હતા અને તે રીતે અમદાવાદ સાથે મિલ કલ્ચર શરુ થયું.'

ડૉ. રિઝવાન કાદરીએ વધુમાં જણાવ્યું કે, રોજીરોટીની શોધમાં અનેક લોકો અમદાવાદ આવવા લાગ્યા અને તેને કારણે શહેર બહારના વિસ્તારનો ધીરે ધીરે વિકાસ થવા લાગ્યો. મિલ કલ્ચર અમદાવાદના હેરિટેજનો ભાગ બનેલો હોવાથી 'હેરિટેજ સપ્તાહ' નિમિત્તે તેના વિશે જાણવું આપણા માટે જરૂરી છે.

આ વિસ્તારોમાં મિલ ચાલતી હતી

અમદાવાદમાં મિલ વિસ્તારોની વાત કરીએ તો, નરોડા રોડ ઉપર 8, સરસપુરમાં 8, કાળુપુર દરવાજા બહાર 1, જમાલપુર દરવાજા બહાર 1, રાયખડમાં 1, રાયપુર દરવાજા બહાર 4, રાયપુર દરવાજા બહાર જતાં 5, ખોખરા મહેમદાવાદ 5, મીઠીપુર 3, ગોમતીપુર પૂલથી રખિયાલ રોડ 12, પ્રેમ દરવાજા તરફ જતાં 9, અસારવા તરફ 4, શાહીબાગ તરફ જતાં 2 અને દૂધેશ્વર રોડ પર 3 મિલ આવેલી હતી.

1948માં મિલમાં લાખો મજૂરો કામ કરતાં

1934-39ના સમયગાળામાં 12 જેટલી મિલ બંધ થઈ ગઈ. આઝાદીના એક વર્ષ પછી એટલે કે 1948માં અમદાવાદનો પરિચય કરાવતો એક સર્વાંગી ગ્રંથ પ્રજાબંધુ દ્વારા 'અમદાવાદ સર્વસંગ્રહ' પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં 'અમદાવાદની મિલોનો પરિચય' પ્રકરણ આપવામાં આવ્યું છે. તેમાં અમદાવાદના મિલ ઉદ્યોગ અંગેની રસપ્રદ માહિતી આપવામાં આવી છે. 1948માં અમદાવાદની મિલોમાં ત્રાકની સંખ્યા 19,75,899 અને શાળની સંખ્યા 43,007 હતી. તો અમદાવાદની મિલમાં કુલ 1,30,061 મજૂરો કામ કરતા હતા અને તેમાં 8,829 બહેનો હતી.

આઝાદી પહેલાં અમદાવાદમાં કાપડની ધમધમતી હતી 80 મિલ, બે-ત્રણ પાળીમાં ચાલતું હતું કામ 2 - image



Google NewsGoogle News