બહારની ચીજ ખાતા પહેલાં સતર્ક રહેજો, રાણીપમાં બર્ગરમાંથી,વસ્ત્રાલમાં સિંગદાણા સલાડમાંથી ઈયળ નીકળી

રાણીપના બનાવમાં ગ્રાહકે મ્યુનિ.ફુડ વિભાગને ફરિયાદ કરી,મ્યુનિ.ફુડ વિભાગ મામુલી રકમનો દંડ કરી સંતોષ માને છે

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
બહારની ચીજ ખાતા પહેલાં સતર્ક રહેજો, રાણીપમાં બર્ગરમાંથી,વસ્ત્રાલમાં સિંગદાણા સલાડમાંથી ઈયળ નીકળી 1 - image


અમદાવાદ,બુધવાર,22 નવેમ્બર,2023

અમદાવાદ મ્યુનિ.ના ફુડ વિભાગ ઉપર આધાર રાખવાના બદલે બહારની ચીજ ખાતા પહેલા અમદાવાદના લોકોએ સતર્ક રહેવુ પડશે.ન્યુ રાણીપ વિસ્તારના રિયલ પેપ્રિકા પીઝા સેન્ટરના બર્ગરમાંથી ઈયળ નીકળતા ગ્રાહકે મ્યુનિ.ફુડ વિભાગને ફરિયાદ કરી છે.અન્ય એક બનાવમાં વસ્ત્રાલમાં આવેલા બ્રિટિશ પીઝા સેન્ટરના સિંગદાણા સલાડમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી છે.અગાઉ આ પ્રકારે બહાર આવેલી ઘટનાઓમાં મ્યુનિ.ના ફુડ વિભાગે જે તે એકમને મામુલી રકમનો દંડ કરી કામગીરી કર્યાનો સંતોષ માન્યો છે.

શહેરના ન્યુ રાણીપ સર્કલ પાસે  એકસપ્રેસ આઉટલેટમાં રિયલ પેપ્રિકા પીઝા સેન્ટરમાં નિખિલ નામનો યુવક પીઝા અને બર્ગર ખાવા માટે ગયો હતો.એક બર્ગર અને એક પીઝાનો ઓર્ડર કરતા તેને બર્ગર આપવામાં આવતા બર્ગરનો એક ટુકડો ખાધો હતો.બાદમાં તેણે અંદર જોયુ તો કોઈ જીવાત ફરતી હોય એમ જોવા મળ્યુ હતુ.બર્ગરમાંથી ઈયળ બહાર નીકળી આવી હતી.ખાધેલુ બર્ગર રહેવા દઈને તેણે ત્યાં હાજર મેનેજરને જાણ કરી હતી.બાદમાં આ અંગે તેણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગમાં ફરિયાદ કરી હતી.આ અગાઉ ૧૯ નવેમ્બરના રોજ વસ્ત્રાલ ખાતે આવેલા બ્રિટિશ પીઝા સેન્ટર ખાતે પહોંચેલા ગ્રાહકે સીંગદાણા સલાડ ઓર્ડર કરી મંગાવતા તેમાંથી ઈયળ નીકળી હતી.આ બનાવ અંગે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ સમક્ષ કોઈ ફરિયાદ કરી નહોતી.બીજી તરફ આ બનાવ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગમાંથી કોઈ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં ના આવતા સિંગદાણા સલાડના જથ્થાનો નાશ કરી સિંગદાણા સલાડ જ બંધ કરી દીધો હોવાનું મેનેજરનુ કહેવુ હતુ.નોંધપાત્ર બાબત તો એ છે કે,રાણીપ તથા વસ્ત્રાલ ઈયળ નીકળવાની ઘટનાના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા બાદ પણ મ્યુનિસિપલ ફુડ વિભાગ તરફથી કોઈ નકકર કાર્યવાહી કરવાની તસ્દી લેવામાં આવી નથી.છેલ્લા બે મહિનાના સમયમાં શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતા બ્રાન્ડેડ પીઝા સેન્ટરોમાંથી વંદા સહિતની અન્ય જીવાત નીકળવાના ચારથી પાંચ બનાવ બનવા પામ્યા છે.ફુડ વિભાગ તરફથી તમામ બનાવમાં માત્ર રુપિયા ૧૦થી ૧૫ હજાર રુપિયા સુધીનો દંડ વસુલ કરી કામગીરી કર્યાનો સંતોષ માનવામાં આવી રહયો છે.

જીવાત નીકળવાના કિસ્સામાં એકમ સીલ કરી પેસ્ટિસાઈડ કરાવાનો નિયમ ફુડ વિભાગ ભુલી ગયુ

અમદાવાદની કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટ અથવા તો ખાદ્ય પદાર્થનુ વેચાણ કરતા એકમની ખાદ્યચીજમાંથી વંદો કે અન્ય જીવાત મળી આવે તો એકમને સીલ કરવા ઉપરાંત તેને પેસ્ટિસાઈડ કરવાની સાથે વહીવટી ચાર્જ વસુલ કરવાનો નિયમ ફુડ વિભાગ ભુલી ગયુ છે.હાલના મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ થોડા વર્ષ અગાઉ બોલાવેલી મિટીંગમાં નાસ્તામાં ખમણ મંગાવ્યા હતા.ખમણમાંથી વંદો નીકળતા ખમણ વેચતા એકમને સીલ કરાવી પેસ્ટિસાઈડ કરાવવાની સાથે વીસ દિવસ બંધ રખાવી વહીવટી ચાર્જ વસુલાયો હતો.હાલના ફુડ વિભાગના અધિકારીઓ આ નિયમ મુજબ જીવાત નીકળી હોય એવા એકમને તાત્કાલિક સીલ કરવાના બદલે માત્ર વહીવટી ચાર્જ જ વસુલ કરે છે.


Google NewsGoogle News