બિલ્ડરની બેદરકારીને રહીશો પરેશાન, દેવસીટીની ડ્રેનેજ લાઈનમાં ભંગાણ પડતા ટેન્કરથી અપાઈ રહેલુ પાણી
નવી બની રહેલી બાંધકામ સાઈટની કામગીરી દરમિયાન ડ્રેનેજ તોડી નંખાઈ હોવાનો આક્ષેપ
અમદાવાદ,બુધવાર,21 ફેબ્રુ,2024
અમદાવાદના ગોતા વોર્ડના સોલા વિસ્તારમાં આવેલા દેવસીટી
બંગલોઝના રહીશો છેલ્લા દસ દિવસથી ડ્રેનેજ અને પાણીની સમસ્યાથી પરેશાન
છે.સ્થાનિકોના આક્ષેપ મુજબ બંગલોઝની સામે બની રહેલી નવી બાંધકામ સાઈટની કામગીરી
દરમિયાન બિલ્ડરની બેદરકારીથી ડ્રેનેજ લાઈન તોડી નાંખવામાં આવી હતી.
દેવસીટી બંગલોઝના રહીશો પ્રદૂષિત પાણીના કારણે રોગચાળાનો
શિકાર બન્યા છે.બંગલોઝ સામે નવી બની રહેલી આદ્ય આરંભ નામની બાંધકામ સાઈટની કામગીરી
સમયે પાઈપલાઈનમાં ભંગાણ પડયા બાદ પીવાનુ પાણી તથા ડ્રેનેજનુ પાણી મિકસ થઈ ગયુ
હતુ.આ અંગે રહીશો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવતા તંત્ર
દ્વારા સોસાયટીની પાણીની લાઈન કાપી નાંખવામાં આવી હતી.રહીશોએ તંત્ર સમક્ષ પીવાનુ
પાણી મોકલવા રજૂઆત કરતા ૧૨૫ ઘરમાં ૭૦૦ વ્યકિતની વચ્ચે માત્ર બે નાના વોટર ટેન્કરની
મદદથી પાણી પહોંચાડવામા આવી રહયુ છે.જે કારણથી રહીશોને સ્વ ખર્ચે પાણી મંગાવવુ પડે
છે.જવાબદાર બિલ્ડર સામે પગલા ભરવા મ્યુનિ.કોર્પોરેશન ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલય
તથા રેરા સમક્ષ રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.