રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ હેઠળ જાગૃતિ સેમીનાર સહિતના કાર્યક્રમો યોજાશે
બાવળા-બગોદરા હાઇવે એક્સીડેન્ટ ઝોન ગણાય છે
વાહનચાલકોમાં સતર્ક રહે અને નિયમોનું પાલન કરે તે માટે તે ખુબ જ જરૂરીઃ એચ એ પટેલ એઆરટીઓ બાવળા
અમદાવાદ,સોમવાર
રાજ્યમાં ઠેરઠેર માર્ગ સલામતી માસ-૨૦૨૫નું આયોજન કરીને વાહનચાલકોમાં જાગૃતિ આવે તે વિવિધ સેમીનાર, રોડ શો જેવા અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત બાવળા આરટીઓએ ડ્રાઇવીંગ સ્કૂલ, ટ્રક એસોશીએશન તેમજ વિવિધ સંસ્થાઓ સાથે મળીને કાર્યક્રમો આયોજિત કર્યા છે. જેમાં ટ્રાફિક જાગૃતિ માટે વાહનોની રેલી યોજવામાં આવી હતી.
અમદાવાદ ગ્રામ્યમાં એક સમયે બાવળા-બગોદરા હાઇવે સૌથી મોટો એક્સીડન્ટ ઝોન ગણાતો હતો અને હાલ પણ છાશવારે અનેક મોટા અકસ્માતો સર્જાતા રહે છે. જેમાં મોટાભાગના કિસ્સામાં ટફિકના નિયમોનો યોગ્ય રીતે અમલ ન થવાની તેમજ ટફિકના નિયમોમાં પુરતી જાગૃતિ ન હોવાને કારણે અકસ્માતો થતા હોય છે.
જેથી બાવળા આરટીઓના એઆરટીઓ એચ એ પટેલ દ્વારા માર્ગ સલામતી માસ -૨૦૨૫ અંતર્ગત કેટલાંક વિશેષ આયોજન કરાયા હતા. જેમાં ડ્રાઇવીંગ સ્કૂલ એસોશીએશન દ્વારા રેલી યોજવામાં આવી હતી. જેમાં અનેક ડ્રાઇવીંગ સ્કૂલના સંચાલકો હાજર રહ્યા હતા. આ અંગે આઇડીયા ડ્રાઇવીંગ સ્કૂલના હાર્દિક પરમારે જણાવ્યું કે ડ્રાઇવીંગ સમયે વાહનચાલકો નિયમોનું પાલન કરે તે ફરજિયાત છે. જેથી ડ્રાઇવીંગ સમયે વાહનચાલકને ટ્રાફિકના નિયમો અંગે સમજ આપવામાં આવે છે.
આ ઉપરાંત, ટ્ક ડ્રાઇવર એસોશીએશનના હોદેદારો પણ હાજર રહ્યા હતા. માર્ગ સલામતી માસ અંતર્ગત વિવિધ શાળા કોલેજોમાં પોલીસની મદદથી અનેક સેમીનાર આયોજિત કરાયા છે. તેમજ હાઇવે પર જતા વાહનચાલકોને ટફિકના યોગ્ય નિયમો અંગે જાગૃતિ મળે તે માટે પણ આયોજન કરાયું છે.