નકલી ઘી વેચાતુ હોવાની શંકાના આધારે જશોદાનગર વિસ્તારમાંથી અમૂલ શધ્ધ લખેલા ઘીના સાત ડબ્બા સીઝ
ખોખરા વિસ્તારમાં આવેલી હાર્દિક ટ્રેડર્સની દુકાન તથા અમરાઈવાડીમાં આવેલા ગોડાઉનને સીલ કરી નોટિસ લગાવાઈ
અમદાવાદ,મંગળવાર,11
ફેબ્રુ,2025
અમદાવાદમાં નકલી ઘી વેચાતુ હોવાની શંકાના આધારે મ્યુનિસિપલ
કોર્પોરેશનના ફુડ વિભાગની ટીમે જશોદાનગર વિસ્તારમાં આવેલા ચારભુજા કિરાણા સ્ટોર્સ
ખાતે તપાસ કરતા અમૂલ શધ્ધ લખેલા ઘીના ડબ્બા જોવા મળ્યા હતા.દુકાનમાં રાખવામાં
આવેલા ૧૫ કિલોગ્રામના ઘીના સાત ડબ્બામાંથી ઘીના સેમ્પલ લઈ ઘીનો જથ્થો સીઝ કરાયા
બાદ દુકાનદારની પુછપરછમાં તેણે આ ઘીના ડબ્બા ખોખરા વિસ્તારમાં આવેલા હાર્દિક
ટ્રેડર્સ ખાતેથી મેળવ્યા હોવાનુ ખુલતા ફુડ
વિભાગની ટીમ ખોખરામા આવેલી દુકાન તથા અમરાઈવાડીમાં આવેલા તેના ગોડાઉન ઉપર પહોંચતા
માલિક બંને એકમને તાળા મારી ફરાર થઈ ગયો હતો. દરમિયાન ફુડ વિભાગ દ્વારા દુકાન અને
ગોડાઉન બહાર નોટિસ લગાવી બંને એકમ સીલ કર્યા હતા.
આજકાલ નકલીની બોલબાલા છે ત્યારે શહેરના રામોલ-હાથીજણ
વોર્ડમાં આવેલા જશોદાનગર વિસ્તારમાં આવેલા ચારભુજા કિરાણા સ્ટોર્સ ખાતે મ્યુનિસિપલ
ફુડ વિભાગની ટીમ પહોંચી હતી.ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા દુકાનમાં રાખવામા આવેલા
અમૂલ ઘીના ડબ્બાની તપાસ કરવામા આવતા તેના ઉપર અમૂલ શુધ્ધના બદલે શધ્ધ લખેલુ જોવા
મળતા ફુડ સેફટીવાન દ્વારા ઘીના સેમ્પલની પ્રાથમિક પરિક્ષણ કરવામા આવતા તેમાં
વનસ્પતિ ઘીની ભેળસેળ હોવાનુ સામે આવ્યુ નહતુ. ઘીમાં અન્ય કોઈપ્રકારની ભેળસેળ
કરવામા આવી છે કે કેમ? તે અંગે
લેબોરેટરીનો રીપોર્ટ આવ્યા પછી જાણવા મળી શકશે.મ્યુનિ.ફુડ સેફટી ઈન્સપેકટર કેતન
મહેતાના કહેવા મુજબ, ચારભુજા
કિરાણા સ્ટોર્સના માલિક દિનેશકુમાર માલજીભાઈ પ્રજાપતિની પુછપરછમાં તેની દુકાનમા
રાખવામા આવેલો ઘીનો જથ્થો ખોખરા વિસ્તારમા આવેલા હાર્દિક ટ્રેડર્સ ખાતેથી
મંગાવવામા આવ્યો હોવાનુ તેણે કહેતા ફુડ વિભાગની ટીમ ખોખરામા આવેલી હાર્દિક
ટ્રેડર્સની દુકાન તથા અમરાઈવાડી વિસ્તારમા આવેલા હાર્દિક ટ્રેડર્સના ગોડાઉન ખાતે
તાળાં મારી માલિક રફુચકકર થઈ ગયો હતો.તેની દુકાન ઉપર લખવામા આવેલ મોબાઈલ નંબર પણ
બંધ આવતો હતો. આ પરિસ્થિતિમાં વિભાગે બંને એકમ બહાર ફુડ વિભાગની પરવાનગી વગર એકમ
ખોલવા નહીં એ પ્રકારની નોટિસ લગાવવામા આવી છે.એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર
ભાવિન જોષીએ કહયુ, અમૂલ
જેવી ઈન્ટરનેશનલ બ્રાન્ડ શુધ્ધ ના બદલે શધ્ધ તો ના લખે એ શંકાના આધારે ૧૫ કિલોગ્રામનો એક એવા સાત ડબ્બા સીઝ કરાયા છે.
હાર્દિક ટ્રેડર્સના માલિક અંગે ફુડ વિભાગ તપાસ કરી રહયુ છે. તેની દુકાન અને ગોડાઉન
બંનેમાંથી પણ ખોલવામાં આવ્યા પછી ઘીના સેમ્પલ લેવામાં આવશે.