Get The App

અધિકારીના ફોનના આધારે રેઈન ડાન્સ માટે વોટર ટેન્કર મોકલનાર ફાયર કર્મચારીઓને શોકોઝ અપાશે

થલતેજના પાર્ટી પ્લોટમાં ધૂળેટીના દિવસે ફાયર વિભાગે ટેન્કર મોકલતા વિવાદ

Updated: Mar 20th, 2025


Google News
Google News

    અધિકારીના ફોનના આધારે  રેઈન ડાન્સ માટે વોટર ટેન્કર મોકલનાર  ફાયર કર્મચારીઓને શોકોઝ અપાશે 1 - image 

  અમદાવાદ,બુધવાર,19 માર્ચ,2025

ધૂળેટીના દિવસે થલતેજના એક પાર્ટી પ્લોટમાં રેઈનડાન્સ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમ માટે એક સરકારી અધિકારીના ફોનના આધારે રેઈન ડાન્સ માટે વોટર ટેન્કર મોકલનારા ફાયર કર્મચારીઓને શોકોઝ અપાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘણાં વર્ષોથી ધૂળેટી પર્વ નિમિત્તે ફાયર વિભાગની વોટર ટેન્કર મોકલવાનુ બંધ કરાયુ છે. છતાં કયા કારણથી અને કોના કહેવાથી રેઈન ડાન્સ કાર્યક્રમ માટે ફાયર વિભાગનુ વોટર ટેન્કર પાર્ટી પ્લોટમાં મોકલાયુ આ બાબતે તપાસ સમિતિની રચના કરાઈ હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, થલતેજમાં આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે ધૂળેટીના દિવસે રેઈનડાન્સ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમા કૃત્રિમ વરસાદ વરસાવવા માટે થઈને એક સરકારી અધિકારીએ ફાયર વિભાગના અધિકારીનો સંપર્ક કર્યો હતો. ફાયર વિભાગના અધિકારીએ ઉચ્ચ અધિકારીને જાણ કરતા પાર્ટી પ્લોટમાં ફાયર વિભાગના ત્રણ કર્મચારીઓ વોટર ટેન્કર લઈને પહોંચ્યા હતા. આ ઘટના સોશિયલ મિડીયામાં વાઈરલ થતા ફાયર વિભાગ તરફથી ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેટીવ ટીમની રચના કરી તપાસ શરૃ કરાઈ છે. અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેનો સંપર્ક કરવા પ્રયાસ કરતા તેમણે સંપર્ક ટાળ્યો હતો. એડીશનલ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ કહયુ, ઘટના અંગે હાલ તપાસ ચાલી રહી છે.કોની સુચનાથી ફાયર વિભાગના કર્મચારીઓ વોટર ટેન્કર લઈ ધૂળેટીના દિવસે તપાસ માટે પહોંચ્યા હતા. આ કર્મચારીઓને શોકોઝ આપી ખુલાસો મંગાશે.

Tags :
AMCworkpolicy

Google News
Google News