Get The App

આજે અમદાવાદમાં BAPSનો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ', 30 દેશોમાંથી આવશે એક લાખ કાર્યકર

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
આજે અમદાવાદમાં BAPSનો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ', 30 દેશોમાંથી આવશે એક લાખ કાર્યકર 1 - image


BAPS Karyakar Suvarna Mahotsav : આજે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ઉજવણી કરાશે. છેલ્લા ઘણા દિવસોથી આ મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી હતી કારણ કે, ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરો ભાગ લેશે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે એક લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન પણ કરાયું હતું. પ્રમુખસ્વામી મહારાજે 1972માં આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત્ માળખું સ્થાપિત કરી મુંબઈમાં કાર્યકરોનું મધ્યસ્થ કાર્યાલય સ્થાપ્યું હતું, જેને 2022માં 50 વર્ષ પૂર્ણ થયા હતા, પણ ત્યારે શતાબ્દી મહોત્સવ હોવાના કારણે આ કાર્યક્રમ 2024માં યોજાઈ રહ્યો છે. 

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનારા કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન કરાયું છે. કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચાડવા માટે પણ ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. બી.એ.પી.એસ.ના સારંગપુર (બોટાદ), રાયસણ અને શાહીબાગમાં છેલ્લાં બે મહિનાથી આ કાર્યક્રમની તૈયારી ચાલતી હતી.  

આજે અમદાવાદમાં BAPSનો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ', 30 દેશોમાંથી આવશે એક લાખ કાર્યકર 2 - image

આ પ્રસંગે 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે

આ કાર્યક્રમમાં ભારતમાં સૌ પ્રથમવાર એક લાખ કાર્યકરો એલઈડી બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે. સ્ટેડિયમની જમીન પર સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે. આ પ્રસંગે સ્ટેડિયમમાં બે હજાર કરતાં વધારે કાર્યકરો, 1800 લાઇટ્સ,  30 પ્રોજેક્ટરની મદદથી પર્ફોમન્સ અપાશે. સ્ટેડિયમમાં સાયકલોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેકનલોજીની મદદથી વિવિધ પ્રતિકૃતિ તૈયાર થશે. આ દરેક એક્ટ એક હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરાયા છે. આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ છે. 7 ડિસેમ્બરે સાંજે 5:00 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે. આ કાર્યક્રમમાં 1500થી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે.

આજે અમદાવાદમાં BAPSનો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ', 30 દેશોમાંથી આવશે એક લાખ કાર્યકર 3 - image

આ અંગે માહિતી આપતા બીએપીએસના બ્રહ્યવિહારી સ્વામીએ માહિતી આપતાં જણાવ્યું કે કાર્યકરો BAPSની કરોડરજ્જુ સમાન છે. ત્યારે તેમનું અભિવાદન કરશે. બીએપીએસ 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'માં એક લાખ જેટલા રજિસ્ટર્ડ કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ કાર્યકરોએ માત્ર બીએસપીએસના ઉત્સવ કે અન્ય પ્રસંગ જ નહી પણ દેશ કે વિદેશમાં આવેલી મોટી આપત્તિમાં રાત દિવસ જોયા વિના સેવા આપી છે, જેથી તેમનું સન્માન કરવાનો આ અવસર છે.  આ ઉજવણી આધુનિક ટેકનોલોજીની મદદથી થશે, જેમાં દરેક કાર્યકરોને એલઇડી સ્ટીક અપાઈ છે. આ સ્ટીકની મદદથી તમામ સ્ટેડિયમમાં અલગ અલગ થીમથી પર્ફોમન્સ કરાશે.

10 હજાર કાર્યકરોના ઉતારા માટે બિલ્ડરોએ મકાન ફાળવાયા

BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી માટે એક લાખ કાર્યકરો આવશે. આ પૈકી 10 હજાર જેટલા કાર્યકરોના ઉતારા માટે મોટેરા, ચાંદખેડા અને આસપાસના વિસ્તારમાં બિલ્ડરો અને માલિકોએ તેમના ફ્લેટ અને મકાન ફાળવી આપ્યા છે.

આજે અમદાવાદમાં BAPSનો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ', 30 દેશોમાંથી આવશે એક લાખ કાર્યકર 4 - image

માત્ર પાંચ ટકા પાણીના ઉપયોગથી સ્ટેડિયમ સાફ કરાયું

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી માટે ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજન માટે 15 હજાર સ્વંયસેવકોની ટીમ સતત કામ કરી રહી છે. જેમાં સ્ટેડિયમને ચોખ્ખું રાખવામાં ઓછામાં ઓછું પાણી વપરાય તેનું પણ ધ્યાન રખાયું છે. આ માટે પણ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો, જેથી કુલ પાણીની સામે પાંચ ટકા પાણીનો ઉપયોગ કરીને સ્ટેડિયમની એક લાખ જેટલી બેઠક સ્વચ્છ કરી દેવાઈ. 

મહંત સ્વામીના સ્વાગત વખતે પાંખડીઓનો રંગ પણ બદલાઈ જશે  

BAPS 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'ની ઉજવણી માટે સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ સ્ટેડિયમમાં પ્રવેશ કરશે, ત્યારે ગુલાબની પાંખડીઓ સાથે તૈયાર કરેલા રસ્તા પરથી ખાસ વાહન પસાર થશે. તેમનું વાહન પસાર થાય ત્યારે એક વિશેષ ટેકનોલોજીની મદદથી ગુલાબી પાંખડીઓ ગોલ્ડન રંગમાં પરિવર્તિત થશે.

નોંધનીય છે કે, આ પ્રસંગે બી.એ.પી.એસ.ના વડા મહંત સ્વામી મહારાજ સહિત અનેક સાધુ-સંતો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.



Google NewsGoogle News