BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ Exclusive: આવો જાણીએ NRI હરિભક્તોની અનોખી સેવા વિશે
BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ : અમદાવાદમાં યોજાયેલા BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં દેશ વિદેશમાંથી એક લાખથી વધારે કાર્યકરો આવ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન માત્ર દેશના પરંતુ NRI કાર્યકરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમણે કાર્યક્રમ અને વિદેશમાં તેમની કામગીરી અંગેના પોતાના અનુભવ ગુજરાત સમાચાર સમક્ષ શેર કર્યા હતા. વિદેશથી આવેલા આ કાર્યકરો જે તે દેશમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં વિવિધ પ્રકારની સેવા સાથે જોડાયેલા છે. આવો જાણીએ તેમના અનુભવો વિશે.
અમેરિકાના સેન હોઝો કેર્લિફોનિયાના મંદિરમાં સેવા આપનાર શશિભાઈ બ્રહ્મભટ્ટ મંદિરની બાળ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તેમણે સુવર્ણ મહોત્સવમાં આવવા મળ્યું તેને અદભૂત અનુભવ ગણાવ્યો. શશિભાઈ બ્રહ્મભટ્ટ તેમના અનુભવ શેર કરતાં કહે છે કે, 'સ્ટેડિયમમાં પહોંચ્યા તો ત્યાં દરેક જગ્યાએ સાઈનબોર્ડ હતા, કાર્યકરોએ હાથ જોડીને પ્રણામ કર્યા, તેઓ તડકામાં ઉભા હતા, પ્રેમથી વાત કરી, તેમણે રસ્તો બતાવ્યો, એટલે એવું ના લાગ્યું કે અમે વિદેશથી આવ્યા છીએ, એવું લાગ્યું કે આ કાર્યકરો પણ અમને કેટલાય વર્ષોથી ઓળખે છે. અમારા માટે તેમને અદભૂત પ્રેમ જોયો. આવી સ્વીકૃતિ હોવી અને એવી જગ્યાએ આવવું કોને ના ગમે'..
છેલ્લા 32 વર્ષથી દુબઈમાં રહેતા અને અબુધાબીમાં બનેલા સ્વામિનારાયણ મંદિરમાં સેવા આપનારા દર્શનભાઈ ભટ્ટ પણ સુવર્ણ મોહત્સવમાં આવ્યા હતા, તેમણે અબુધાબીના મંદિર વિશે રસપ્રદ વાત કરી. દર્શનભાઈએ કહ્યું કે, 'અબુધાબીમાં એક માત્ર હિન્દુ મંદિર એવા સ્વામાનારાયણ મંદિરમાં ત્યાં રહેતા ભારતના દરેક રાજ્યોના લોકો મોટી સંખ્યામાં આવે છે. જેથી હિન્દીમાં પણ સભા શરૂ કરી હતી. જેથી કરીને તેમને સમજાય. અને હવે તો અને મરાઠી તેમજ ઈંગ્લીશમાં પણ સભા શરૂ કરી છે, એટલે હરિભક્તોને હવે ભાષાનું કોઈ વિઘ્ન નડતું નથી'.
છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં રહેતા ચંદ્રકાંત બ્રહ્મભટ્ટ મૂળ ખંભાતના છે, જે રોબિન્સ વેલેના સ્વામિનારાયણ મંદિરમાં સેવા આપે છે. તેમના મતે આ કાર્યક્રમ હરિભક્તો માટે બુસ્ટર ડોઝ હતો. હરિ ભક્તો વિશે વાત કરતાં ચંદ્રકાંત બ્રહ્મભટ્ટે કહ્યું કે, 'હરિભક્તો એકબીજાના કાર્યોને બિરદાવતા હોય છે, કામની સરાહના કરતાં રહે છે જેથી એક બુસ્ટર ડોઝ મળે છે. એટલે કે આપણે જે કાર્ય કરીએ છીએ તેમાં વધારે સારુ કરવાની લાગણી થાય છે ઉત્સાહ વધે છે, સરાહના એક બુસ્ટર ડોઝ જેવુ કામ કરે છે. કાર્યકર સુવર્ણ મહોત્સવનો હેતુ પણ એવો જ હતો. આ કાર્યક્રમથી અમારા જેવા લાખો કાર્યકરોને આગામી દસ વર્ષનો બુસ્ટર ડોઝ મળી ગયો છે'.
અમેરિકામાં જ જન્મેલા મૂળ ભારતીય એવા રોશનીબેન બ્રહ્મભટ્ટ અમેરિકાના કેર્લિફોનિયા શેન હોઝેમાં રહે છે અને સ્વામિનારાયણ મંદિરમાં સેવા કરે છે. વિદેશ સ્થાયી થવાની ખેવના ધરવાનાર લોકોને રોશનીબેને અદભૂત શિખામણ આપી. રોશનીબેને BAPS સાથે તેવી રીતે જોડાયા તે અંગે વાત કરતાં કહ્યું કે, 'જ્યારે હું નાની હતી ત્યારે મારા પપ્પાએ પ્રમુખ સ્વામીની કથામાં સાંભળેલું કે, સંતતિ અને સંપતિ ભેગા કરવા માટે બધા અમેરિકા આવે પરંતુ, જો આપણે સંસ્કાર અને સંસ્થાનો પાયો નહીં કરીએ તો બંને નહીં મળે, એટલે પપ્પા મને નાનપણમાં જ બાલિકા સભામાં લઈ જતા હતા, જ્યાં સભાના કાર્યકરોએ મને ગુજરાતી ભાષા, હિન્દુ એટલે શું, સત્સંગના મુલ્યો શું હોય? વગેર શિખવા મળ્યું'.
મહોત્સવમાં દિલ્હી, ગુડગાવથી પણ કાર્યકરો આવ્યા હતા, જેમાના એક હતા રાધિકાબેન શુક્લા. તે મુળ ગુજરાતના જ છે, પરંતુ ઘણા વર્ષોથી દિલ્હી રહે છે. રાધિકાબેને મોબાઈલ, સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના વધુ પડતા દૂરૂપયોગ વિશે વાત કરતા સલાહ પણ આપી કે, જે સલાહ તેઓ મંદિરની સભામાં આવતા બાળકો અને યુવાનોને આપે છે. તેમણે કહ્યું કે, 'જેમ કરોળિયો જાળામાં ગુંચવાઈ જાય તેમ આજે આપણે પણ સોશિયલ મીડિયાના જાળામાં ગુંચવાઈ ગયા છીએ. મોબાઈલના બંધાણી થઈ ગયા છે, એવુ નથી કે સોશિયલ મીડિયા ખરાબ છે, પરંતુ તેનો ઉપયોગ કઈ રીતે કરવો, તેની જાણકારી મળી જશે તો તમે નકારાત્મકતાથી અથવા તો ખરાબ વસ્તુઓથી બચીને તેનો સારો ઉપયોગ કરીને જીવનમાં આગળ વધી શકશો'.