BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવની પૂર્ણાહુતિ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળ્યો સ્વર્ગ જેવો નજારો, એક લાખ હરિભક્તો થયા ભાવમગ્ન
BAPS Karyakar Suvarna Mahotsav : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 'કાર્યકર સુવર્ણ મહોત્સવ' યોજવામાં આવ્યો છે. ત્યારે આ મહોત્સવમાં ગુજરાત, સહિત અન્ય રાજ્યો અને વિદેશથી 1 લાખથી વધુ કાર્યકરો અમદાવાદના સ્ટેડિયમમાં હાજર રહ્યા છે. ત્યારે મહંત સ્વામી મહારાજ સૌ કાર્યકરોને આશીર્વાદ આપવા માટે સ્ટેડિયમમાં પધાર્યા છે. સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમથી કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
રંગબેરંગી થઈ ગયું આકાશ, આતશબાજી સાથે થયું કાર્યકર સુવર્ણ મહોત્સવનું સમાપન
8:20 ભૂપેન્દ્ર પટેલે કર્યું સંબોધન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ઉપસ્થિત સ્વામી-મહંતો, મંત્રી, હરિભક્તો સૌને મારા નમસ્કાર, જય સ્વામી નારાયણ... પ્રમુખ સ્વામી મહારાજના 103મા જન્મજયંતિ પ્રસંગે આપણે સૌ એકત્રિત થયા છીએ. આ દિવ્ય અવસરે મને ઉપસ્થિત રહેવાની તકે મળી એ મારું સૌભાગ્ય છે. સમગ્ર વિશ્વને પ્રેમ, કરુણાનો સંદેશ આપનાર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સ્મરણવંદના કરું છું. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજાએ સંસ્કારોનું વૃક્ષ વાવ્યું. મને લાગે છે કે, આ કાર્યક્રમ સુવર્ણ કાર્યકરોનો સુવર્ણ મહોત્સવ છે.'
7:55 ભારત પાક.ની મેચ બાદ બીજીવાર સ્ટેડિયમ આખું ભરાઈ ગયું : બ્રહ્મવિહારી સ્વામી
બ્રહ્મવિહારી સ્વામીએ પ્રવચન દરમિયાન કહ્યું કે, 'ભારત પાકિસ્તાનની મેચ બાદ બીજીવાર સ્ટેડિયમ આખુ ભરાઈ ગયું છે. મેચમાં તો એક ટીમ જીતે અને એક હારે ત્યારે એક તરફ દુખ હોય બીજી તરફ ખુશી હોય, બે પ્રકારની સ્થિતિ હોય છે. પરંતુ આ સ્ટેડિયમમાં આ વખતે ચારે તરફ ખુશી, ઉત્સાહ અને આનંદ છે. આ BAPSની ટીમ છે જે એક જ છે.'
7:10 'વૃક્ષ' કાર્યક્રમની પ્રસ્તુતિ
એક નાના બીજમાંથી વટવૃક્ષ બન્યું. જેમાં આ સ્વયંસેવકની સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ આ કાર્યકરોની રોમાંચક ગાથાની પ્રસ્તુતિ કરવામાં આવી. આ સાથે વિપરીત પરિસ્થિતિઓમાં પણ સેવામાં અડગ રહેતા BAPSના મહિલા કાર્યકરોના અને પુરુષ કાર્યકરોના વિશિષ્ટ પ્રસંગો પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું.
7:05 દેશ-વિદેશના કાર્યકરોએ પોતાના અનુભવ વ્યક્ત કર્યા
6:42 રોચક અને રોમાંચક 'બીજ' કાર્યક્રમની પ્રસ્તુતિ
બીજ કાર્યક્રમમાં છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની અદ્ભુત રજૂઆત કરવામાં આવી. સત્પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત થાય છે. BAPSના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આ કાર્યકર પ્રવૃત્તિના બીજ રોપ્યા અને ક્રમશઃ તેઓ અંકુરિત થયા.
6:30 સ્વામી નારાયણ પ્રકાશ ઍપ્લિકેશન લોંચ કરાઈ
6:28 શ્રી પ્રમુખસ્વામી મહારાજ, ભાગ -10, ઓડિયો બુક પ્રકાશિત
6:05 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ હાજરી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધનમાં કહ્યું હતું, કે 'હું ભલે તમારી વચ્ચે ઉપસ્થિત ન થઈ શક્યો પણ આ આયોજનની ઊર્જા અનુભવી શકું છું. આ દિવ્ય કાર્યક્રમ માટે મહંત સ્વામી તથા સંતોનું અભિવાદન તથા નમન કરું છું. કાર્યકર સુવર્ણ મહોત્સવ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાનો ઉત્સવ છે. મારું સૌભાગ્ય છે કે હું BAPSના સેવા કાર્યો સાથે જોડાઈ શક્યો.
6:01 દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું
સુવર્ણ કાર્યકર મહોત્સવનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે. આ દરમિયાન મહંત સ્વામી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંચ પર પહોંચ્યા હતા. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પુષ્પ માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.
5:46 BAPSના કાર્યકર્તાઓનો પરિચય
આનંદ સ્વરૂપ સ્વામીજીએ કહ્યું કે, BAPSના તમામ કાર્યકરો ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે. જેમાં કેટલાક તો દસકાઓથી સેવા આપી રહ્યા છે. આ તમામ કાર્યકરો નિ:સ્વાર્થ ભાવથી સેવા આપે છે. એક પ્રસંગ હું તમને કહીશ કે, 1992માં ગાંધીનગરના અક્ષરધામનું ઉદ્ધાટન થયું હતું. આ સાથે પ્રભુસ્વરૂપ યોગીજી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ 34 દિવસ સુધી મનાવવામાં આવ્યો હતો, ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો આવ્યા હતા. જેમાં આઇઆઇએમના મુખ્ય કાર્યવાહક ત્યાં આવ્યા હતા. તેમની આ વ્યવસ્થા જોઈને પ્રભાવિત થયા હતા. આ સાથે મહોત્સવમાં એક સંત પાસે જઈને ત્રણ કલાક બેસીને આ વ્યવસ્થા વિશે જાણ્યું છે તેમ કહ્યું હતું. ત્યારે સંતે કહ્યું કે, આ મોટી સફળતા પાછળ કાર્યકરોનો મુખ્ય ફાળો છે.
5:36 જય હો... આનંદ છાયો... સુવર્ણ મહોત્સવ
જય હો... આનંદ છાયો... સુવર્ણ મહોત્સવના નાદથી સ્ટેડિયમ ગુંજ્યું. ‘કાર્યકર સુવર્ણમહોત્સવ’ની ઉજવણીમાં એક લાખથી વધુ કાર્યકર્તાઓથી આખું સ્ટેડિયમ છલકાયું છે. આ ભવ્ય ઉજવણીમાં સંગીત, ડાન્સ સહિતના કાર્યક્રમ શરુ કરવામાં આવ્યા છે.
સાંજના 5 વાગ્યે કાર્યક્રમનો પ્રારંભ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલા BAPSના સુવર્ણ મહોત્સવમાં એક લાખ કાર્યકરોના સામૂહિક ગાનથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો.
શહેર પોલીસનો બંદોબસ્ત
BAPSના કાર્યકર સુવર્ણ મહોત્સવમાં આજે શનિવારની સાંજ સુધીમાં રાજ્ય, દેશ-દુનિયાભરમાંથી હરિભક્તો આવશે. જેમાં અમદાવાદ-ગાંધીનગરના 30 હજાર, વડોદરના 10 હજાર, સુરતના 4000, રાજકોટના 2600 સહિતના એક લાખથી વધુ કાર્યકરોઓના પાસની ચકાસણી બાદ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કોઈ અણબનાવ ન સર્જાય તે માટે શહેર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ રૂટ પર અવરજવર બંધ રહેશે
અમદાવાદ ટ્રાફિક પોલીસના જાહેરનામા પ્રમાણે, સાબરમતી જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ, કૃપા રેસિડેન્સી, મોટેરા સુધીનો રોડ અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જ્યારે નાના ચિલોડાથી અપોલો સર્કલ સુધીનો માર્ગ ભારે વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
વૈકલ્પિક રૂટમાં તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત, સાબરમતી જનપથ, પાવર ચાર રસ્તા, પ્રબોધ રાવળ સર્કલ સુધીનો માર્ગ પરિવહન માટે ચાલુ રહેશે. જ્યારે ઓઢવ તરફથી દહેગામ રિંગ રોડથી આવતા ભારે વાહનો નાના ચિલોડા રિંગ રોડ સર્કલથી મોટા ચિલોડા તરફના રસ્તે જઈ શકશે. આ સાથે કૃપા રેસિડેન્સી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા, ભાટ કોટેશ્વર રોડ, અપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.