BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ: તમામ હરિભક્તોને ફૂડ પેકેટ સહિત 13 વસ્તુ અપાશે, મહંત સ્વામીએ કરી પ્રસાદી
BAPS Karyakar Suvarna Mahotsav: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે (સાતમી ડિસેમ્બર) BAPS દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં કાર્યકરો અમદાવાદ પહોંચી રહ્યા છે. આ કાર્યક્રમ માટે BAPS દ્વારા એક ખાસ કીર્તન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કાર્યકર સુવર્ણ મહોત્સવમાં હાજર રહેનારા દરેક કાર્યકરોને બે ફૂડ પેકેટ આપવામાં આવશે. એકમાં નાસ્તો હશે જ્યારે બીજામાં પ્રસાદી હશે. આ પ્રસાદમાં 13 વસ્તુ હશે. કાર્યકરોને જે ફૂડ પેકેટ આપવામાં આવશે તેની મહંત સ્વામી પ્રસાદી કરી રહ્યા છે.
આ પ્રસંગે 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે
આ કાર્યક્રમમાં ભારતમાં સૌ પ્રથમવાર એક લાખ કાર્યકરો એલઇડી બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે. સ્ટેડિયમની જમીન પર સૌથી અત્યાધુનિક ટૅક્નોલૉજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે. આ પ્રસંગે સ્ટેડિયમમાં બે હજાર કરતાં વધારે કાર્યકરો, 1800 લાઇટ્સ, 30 પ્રોજેક્ટરની મદદથી પર્ફોમન્સ અપાશે. સ્ટેડિયમમાં સાયકલોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટૅક્નોલૉજીની મદદથી વિવિધ પ્રતિકૃતિ તૈયાર થશે. આ દરેક એક્ટ એક હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરાયા છે. આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ છે. આજે સાંજે (સાતમી ડિસેમ્બર) સાંજ 5:00 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે. આ કાર્યક્રમમાં 1500થી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે.
આ પણ વાંચો: આજે પ્રમુખ સ્વામીની 103મી જન્મ જયંતી, પહેલો જન્મજયંતી મહોત્સવ 48 વર્ષની વયે ઊજવાયો હતો
આ અંગે અક્ષર વત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વયંસેવકોના યોગદાન અંગે મહંત સ્વામીનું વિચારવાનું હતું કે તેઓ ખુદ તેમના ઘરે જાય પરંતુ સ્વાસ્થ્યને કારણે તે સંભવ ન હતું. જેથી અમે વર્ષ દરમિયાન અલગ અલગ એવી રીતે આયોજન કર્યું કે મહંત સ્વામી આ કાર્યકરો સાથે આંખથી આંખ મેળવી શકે. 1972માં પ્રમુખ સ્વામી મહારાજે કાર્યકર્તાઓ માટે આ સંગઠનની શરુઆત કરી હતી. આ સ્વંયસેવકો દુનિયામાં ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય તેવી સ્થિતિમાં જઈને મદદ કરે છે.