બનાસકાંઠા ખેડૂત વેચે છે ખાસ દૂધ, ભાવ સાંભળી ભડકી જશો, 2500 થી 6 હજાર રૂપિયે લીટર
Success Story of Banaskantha Farmer: સમગ્ર એશિયામાં ડંકો વગાડનાર બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો દૂધ ઉત્પાદન કરી વર્ષે દહાડે લાખ્ખો કરોડો રૂપિયાની આવક મેળવી આત્મનિર્ભર બન્યા છે. આ કારણસર જિલ્લાના યુવાનો પણ પશુપાલનનાં વ્યવસાયમાં અવનવા પ્રયોગો કરી પ્રગતિના અનેક સોપાનો સર કરવા લાગ્યા છે. જેમાં પાલનપુર તાલુકાના કૂંભલમેર ગામના એક પ્રગતિશીલ પશુપાલકે ડોન્કી ફાર્મ શરૂ કરી ગદર્ભનું દૂધ વેચી મહિને લાખો રૂપિયાની કમાણી કરી પશુ પાલકોને એક નવીન રાહ ચીંધી છે.
રાજસ્થાનથી 17 ગધેડા લાવી પ્રતિદિન ચાર લિટરથી વધુ ઉત્પાદન : હૈદરાબાદ દૂધ મોકલ્યા બાદ પાવડરમાં રૂપાંતર
‘ગધેડીને નવડાવો તો ઘોડી ના થાય’ આ રૂઢિપ્રયોગ તો તમે સાંભળ્યો હશે. જો કે વર્તમાન ગધેડીના દૂધનું મૂલ્યને લઇ આ કહેવતને બદલવી પડે તેવી તો નવાઇ નહી . કેમ કે માર્કેટમાં હાલ ગધેડીના દૂધનો ભાવ રૂ. 2500થી 6 હજાર ચાલી રહ્યો છે. ગધેડીના દૂધનો ઉપયોગ દવા તેમજ કોસ્મેટિક ચીજ વસ્તુઓમાં થતો હોય લોકો ગધેડી ઉછેર કેન્દ્રો કરવા લાગ્યા છે. ગધેડીનું દૂધનું ઉત્પાદન કરીને હવે લોકો મહિને લાખો રૂપિયાની કમાણી કરતા થયા છે. પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે ડેરી ફાર્મ સાથે સંકળાયેલા જગદીશભાઈ રેવાભાઈ વાગડોદાએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી ડોન્કી ફાર્મના વીડિયો જોઈને આ વ્યવસાયમાં ઝંપલાવવાનું નક્કી કર્યું હતું. તેઓ રાજસ્થાનના જુદા જુદા વિસ્તારોમાંથી 17 જેટલા નાના મોટા ગધેડા લાવી પોતાના ગામમાં ડોન્કી ફાર્મના વ્યવસાયમાં હાથ અજમાવી હાલ મહિને બે લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
જોકે રૂ. 8થી 10 લાખ રૂપિયાના રોકાણમાં 17 જેટલા ગધેડા લાવી પશુપાલન કરી રહ્યા છે. જેમાં તેઓ પ્રતિદિન ચાર લિટર ઉપરાંતનું દૂધ ઉત્પાદન કરી તેનું સ્ટોરેજ કરી રહ્યા છે. આ દૂધમાંથી તેઓ પાવડરનું ઉત્પાદન કરીને હૈદરાબાદ મોકલીને મહિને બે લાખની કમાણી કરી રહ્યા છે. આ રીતે તેઓ ગધેડા અન્ય લોકોને ગંદર્ભનો ઉછેર કરવાની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
દૂધનો ભાવ પ્રતિ લીટર રૂ. 2500 થી 6 હજાર
ડોન્કી ફોર્મના માલિક જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગધેડીના દૂધનો ઉપયોગ કોસ્મેટિક આઈટમ સહિત દવાઓ બનાવવામાં થાય છે. હૈદરાબાદ સહિત દેશ વિદેશમાં આ દૂધની સપ્લાય કરીને ગધેડીના દૂધ થકી લોકો લાખોની આવક મેળવી રહ્યા છે. ગધેડીના પ્રતિ લિટર દૂધનો ભાવ રૂ. 2500થી 6 હજાર સુધી મળે છે.