રાજકોટમાં દિવસે ખાનગી બસો દોડશે નહીં! માધાપર ચોકડીથી પુનીત પાણીના ટાકા સુધી પ્રવેશ પર પ્રતિબંધ
પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
રાજકોટ શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે જેમા ખાનગી બસો માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. આ જાહેરનામાં મુજબ હવે શહેરના માધાપર ચોકડીથી પુનીત પાણીના ટાંકા સુધી ખાનગી બસો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે.
શહેરમાં ટ્રાફિક સમસ્યા ખુબ જ વિકરાળ
રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા ખુબ જ વિકરાળ બનતી જઈ રહી છે અને દિવસેને દિવસે જાહેરમાર્ગો પર ટ્રાફિકની ગીચતા થાય છે તેમજ શહેરમાં વધતી જતી ભારે વાહનોની અવર-જવરથી શહેરના રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ખાનગી બસોને લઈને એક જાહેરનામું બહાર પાડ્યુ છે જેમાં શહેરના માધાપર ચોક 150 ફુટ રીંગ રોડથી લઈને પુનીત પાણીના ટાંકા સુધી સવારના 8 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી ખાનગી બસો માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યુ હતું કે શહેરમાં હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી તેમજ ટ્રાફિક સલામત રીતે ચાલે તે માટે શહેરમાં મોટી ખાનગી બસો પર આ પ્રતિબંધ લગાવાયો છે. આ બસોમાં એચ.પી.વી હેવી પેસેન્જર વ્હીકલનો સમાવેશ થાય છે.
અગાઉ જાહેરનામું અમલમાં મુકાયુ હતું
આ અગાઉ વર્ષ 2015માં જાહેરનામું અમલમાં મુકાયુ હતું, જો કે ત્યારે ગોંડલ ચોકડીથી માધાપર ચોક સુધી ટ્રાફિક ખુબ જ ઓછો હતો તેમજ તે સમયે ગોંડલ ચોકડી અને માધાપર ચોકડી શહેરની બહાર પડતી હતી જ્યારે હવે શહેરની અંદરના વિસ્તારમાં આવી ગઈ છે. શહેરના આ રસ્તા પર ખાનગી બસો પાર્ક કરતા હોય છે જેનાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. આ ઉપરાંત શહેરના 150 ફુટ રીંગ રોડ પર ખાનગી ટ્રાવેલ્સની ઓફિસો પણ આવેલી છે જેથી ટ્રાફિક સમસ્યા વધુ રહે છે.
આ રોડ પર ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા નવા જાહેરનામા મુજબ સવારના 8 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી ૧૫૦ ફુટ રીંગ રોડ માધાપર ચોકડીથી પુનીત પાણીના ટાંકા સુધી ખાનગી લકઝરી બસો માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવે છે આ સિવાય ગોડલ ચોકડીથી જામનગર જવા માંગતી પ્રાઈવેટ લકઝરી બસો પુનીત પાણીના ટાકાથી વાવડી રોડ, 80 ફુટ રોડથી નવા ૧૫૦ રીંગ રોડથી ઘંટેશ્વર ટી-પોઇન્ટથી જામનગર તરફ જઈ શકશે અને માધાપર ચોકડીથી ગોડલ ચોકડી તરફ જવા માંગતી પ્રાઈવેટ લકઝરી બસો માધાપર ચોકડીથી ઘંટેશ્વર ટી-પોઇન્ટથી નવો 150 ફુટ રીંગરોડથી કટારીયા ચોકડી 80-કુટ રોડ વાવડી રોડથી પુનીત પાણીના ટાંકાથી ગોડલ ચોકડી જઈ શકશે.