વીજકડાકા સાથે આસોમાં અષાઢી માહોલ, પાલડી,ઉસ્માનપુરા વિસ્તારમાં સવા ઈંચ,વાસણા,બોડકદેવમાં એક ઈંચથી વધુ વરસાદ
મીઠાખળી અંડરપાસમાં ગાડી ફસાઈ,નારણ ચેમ્બર્સ પાસે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતાં ચારથી વધુ ગાડી ફસાઈ ગઈ
અમદાવાદ,શનિવાર,19 ઓકટોબર,2024
અમદાવાદમાં શનિવારે અસહય ઉકળાટ બાદ બપોરે બે કલાકના સુમારે
વીજકડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આસો મહિનામાં વરસાદ વરસતા અષાઢી
માહોલ છવાઈ ગયો હતો. પાલડી અને ઉસ્માનપુરા વિસ્તારમાં સવા તથા વાસણા અને બોડકદેવ
વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ વરસી પડતા નીચાણવાળા અનેક વિસ્તારમાં વરસાદી પાણી
ફરી વળ્યા હતા.વિઝીબીલીટીમાં ઘટાડો થતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. મીઠાખળી
અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા એક ગાડી ફસાઈ ગઈ હતી.અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ
કરવો પડયો હતો.ફાયર વિભાગે ફસાયેલી ગાડી બહાર કાઢી હતી. આશ્રમરોડ ઉપર આવેલા
નારણચેમ્બર્સ પાસે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતાં ચારથી વધુ ગાડી ફસાઈ હતી. એક કારમાં
બેઠેલ એક વ્યકિત સલામત બહાર નીકળી ગયા હતા.સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બનવા પામી
નહતી.શહેરના વિવિધ વિસ્તારમાં અડધો ડઝન જેટલાં વૃક્ષો ધરાશાયી થયા હતા.સવારના ૬થી
રાત્રિના ૮ કલાક સુધીમાં સરેરાશ ૯.૫૭ મિલીમીટર વરસાદ સાથે મોસમનો કુલ ૩૯.૪૦ ઈંચ
વરસાદ થવા પામ્યો છે.
હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહીના પગલે અમદાવાદમાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં એકાએક
પલટો આવ્યો હતો. અસહય ઉકળાટ બાદ ભારે પવન અને ગાજવીજ સાથે શહેરના અનેક વિસ્તારમાં
બપોરે બે કલાકના સુમારે ધોધમાર વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.દાણાપીઠ,રાયપુર,ખાડીયા ઉપરાંત
લાલદરવાજા અને ભદ્ર સહિતના વિસ્તારોની સાથે નદીપાર આવેલા પાલડી, ઉસ્માનપુરા તેમજ વાસણા અને રાણીપ તેમજ બોડકદેવ,સાયન્સ સિટી તથા
ગોતા સહિતના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસતા અનેક માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા
હતા.શનિવારે બપોરના સમયે વરસેલા વરસાદની સૌથી વધુ અસર શહેરના પશ્ચિમ ઉપરાંત
ઉત્તર-પશ્ચિમ તેમજ દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોમાં જોવા મળી હતી.ઘાટલોડીયા,ચાંદલોડીયા,જોધપુર સહીતના વિસ્તારોમાં થોડા સમયમાં જ વિવિધ રસ્તાઓ
ઉપર વરસાદી પાણી ફરી વળતા રસ્તા ઉપરથી પસાર થતાં વાહનચાલકો અટવાઈ પડયા હતા.મીઠાખળી
અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા લોકોની અવરજવર માટે મ્યુનિ.તંત્ર તરફથી બંધ કરવામાં
આવ્યો હતો.દરમિયાન ફાયર કંટ્રોલને અંડરપાસમાં એક ગાડી ફસાઈ ગઈ હોવાનો મેસેજ મળતા
ગાડીને ફાયરના જવાનોની મદદથી બહાર કાઢવામાં આવી હતી.મીઠાખળી અંડરપાસમાંથી પાણી
નીકાલ કરવામાં આવ્યા બાદ સાંજે ૬.૩૦ કલાકે
ફરી પૂર્વવત શરુ કરાયો હતો.દરમિયાન આશ્રમરોડ ઉપર આવેલા નારણચેમ્બર્સ પાસે પાર્કિંગ
પાસે એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતાં ધરાશાયી થયેલુ વૃક્ષ એક ગાડી ઉપર પડયુ હોવાનો
તથા ગાડીમાં એક વ્યકિત ફસાયો હોવાનો ફાયર વિભાગને મેસેજ મળતા ધરાશાયી થયેલા
વૃક્ષને દુર કરાયુ હતુ.ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, ધરાશાયી થયેલુ
વૃક્ષ પાર્કિંગ પાસે જ પડતા પાર્કિંગનો મેઈન ગેટ બ્લોક થઈ જતાં ચાર જેટલી ગાડીઓ ફસાઈ ગઈ હતી.જો કે ગાડી ચાલકો
એક પછી એક બહાર નીકળી ગયા હતા.આ ઉપરાંત નારણપુરા ફાટક પાસે બે વૃક્ષ ધરાશાયી થવાની
ઘટના બની હતી.જો કે આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાની થવા પામી નહતી.હેલ્મેટ જંકશન ઉપર
વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.ચાંદલોડીયા અંડરપાસમાં પણ
વરસાદી પાણી ફરી વળ્યા હતા.વાસણા બેરેજ ખાતે ૧૩૬ લેવલ નોંધાયુ હતુ.
કયાં-કેટલો વરસાદ?
વિસ્તાર વરસાદ(ઈંચમાં)
પાલડી ૧.૪૪
ઉસ્માનપુરા ૧.૪૦
સાયન્સ સિટી ૧.૧૦
બોડકદેવ ૧.૦૨
વાસણા ૦.૯૮
જોધપુર ૦.૭૫
રાણીપ ૦.૭૧
ગોતા ૦.૬૩
ચાંદલોડીયા ૦.૫૫
સરખેજ ૦.૫૫
બોપલ ૦.૪૩