બી. સફલનું ભ્રષ્ટાચારનું 'સફળ' મોડેલ: ગ્લેડ વન પ્રોજેક્ટમાં 243 એકરની પર્યાવરણની મંજૂરી અને પ્રોજેક્ટ 380 એકરમાં

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
બી. સફલનું ભ્રષ્ટાચારનું 'સફળ' મોડેલ: ગ્લેડ વન પ્રોજેક્ટમાં 243 એકરની પર્યાવરણની મંજૂરી અને પ્રોજેક્ટ 380 એકરમાં 1 - image


B Safal Group Corruption: બી. સફલના સાણંદમાં આવેલા ગ્લેડ વન પ્રોજેક્ટમાં એન્વાયર્મેન્ટ ક્લિયરન્સ 242.83 એકરનું મેળવવામાં આવ્યું છે, જ્યારે ગ્લેડ વનની વેબ સાઈટ પર આ વિસ્તાર 270 એકર અને બી. સફલની વેબ સાઈટ પર 380 એકર દર્શાવાયો છે. એવી જ રીતે, આ પ્રોજેક્ટમાં ગોલ્ફ કોર્સ માટેની પર્યાવરણ ક્લિયરન્સની મંજૂરી માત્ર 39 એકરની જ લેવાઈ છે, તો બ્રોશરમાં ગોલ્ફ કોર્સનો વિસ્તાર 80 એકર છે. તો આ વિસ્તાર કેવી રીતે વધી શકે? આ ઉપરાંત કોઈ જ મંજૂરી વિના સ્ટાર હોટલ પણ બનાવી દેવાઈ છે. આમ, ગ્લેડ વન પ્રોજેક્ટમાં તમામ સરકારી નીતિનિયમોનો સરેઆમ ભંગ કરાયો હોવાની વિગતો સામે આવી છે. 

બી. સફલનું ભ્રષ્ટાચારનું સફળ મોડેલ

બી. સફલ કંપની ભ્રષ્ટાચાર આચરવામાં એટલી હદે સફળ રહી છે કે, 31/03/2016ના રોજ તેમણે આ પ્રોજેક્ટનું પર્યાવરણ ક્લિયરન્સ પ્રમાણપત્ર મેળવ્યું, તે પહેલા જ પ્રોજેક્ટની કામગીરી લગભગ પૂર્ણ કરી દીધી હતી. પર્યાવરણ મંજૂરી માટે 18/07/2014ની બેઠકમાં કંપનીને જણાવાયું હતું કે, મંજૂરી મળે નહીં તે પહેલા સ્થળ પર કોઈ કાર્યવાહી કરવી નહીં. તેમજ બી. સફલ દ્વારા આ મુદ્દે લેખિત બાંહેધરી અપાઈ હોવા છતાં મંજૂરી અપાઈ ત્યારે આખો પ્રોજેક્ટ જ પૂર્ણતાના આરે હતો.

કંપનીના સત્તાવાળાઓ દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે, માત્ર લેન્ડ સ્કેપિંગની જ કામગીરી કરાઈ હતી, પરંતુ ગૂગલ અર્થ દ્વારા ઉપલબ્ધ જે તે સમયની તસવીરો સ્પષ્ટ કરે છે કે, લાંબા સમયથી કામગીરી ચાલી રહી હતી. આમ, એસઈએસીના તમામ નિયમોના ભંગ બદલ તંત્ર દ્વારા શું પગલા ભરવામાં આવ્યા તે પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. આટલા મોટા વિસ્તારનું એકત્રીકરણ કરીને પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હોય તેવા સંજોગોમાં ગાડા માર્ગ, પગદંડી, સરકારી ખરાબો, નેળીયા, ખેત તલાવડી વગરે જાહેર જગ્યાઓ આ વિશાળ વિસ્તારની વચ્ચે આવે છે, તે સ્વભાવિક બાબત છે. પરંતુ આવી જમીનોનું શું કરાયું તેનો ક્યાય કોઈ જ ઉલ્લેખ કે ખુલાસો કરાયો નથી. ગ્લેડ વન પ્રજેક્ટનો સમાવેશ 8(બી) કેટેગરીમાં થાય છે. જો કે હાલ મોટાપાયે વિસ્તરણ થઈ રહ્યું છે, તે બાબતે કોઈ જ પૂર્ણ મંજૂરી મેળવાઈ નથી. કંપની ગ્રાહકોને બેવકૂફ બનાવી રહી છે કે, સરકારને?

બી. સફલે સરકારી ગોચરની જમીન ઉપર જ ECની મંજૂરી 2016માં મેળવી 

અમદાવાદના જાણીતા બી. સફલ ગ્રૂપે સાણંદ તાલુકાની ગોચરની સરકારી જમીન પોતાની માલિકીની હોવાનું દર્શાવીને 2016મા પોતાના મહત્ત્વાકાંક્ષી ગ્લેડ વન પ્રોજેક્ટનું પર્યાવરણ ક્લિયરન્સ પ્રમાણપત્ર મેળવી લીધાની ગેરરીતિ બહાર આવી છે. હકીકત એ છે કે, આ ગોચરની જમીન સરકાર પાસેથી અદલાબદલીનો કરાર કરીને 25/11/2021નાં રોજ સરકાર પાસેથી મેળવવામાં આવી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સાણંદ તાલુકાના મોજે નાની દેવતી ગામની સરકારી ગોચરની સર્વે નંબર 581ની 3946 ચોરસ મીટર જમીન કે જે આ ખાનગી કંપનીને ફાળવવા માટે સ્થાનિક મામલતદાર અને નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે નેગેટિવ અભિપ્રાય ફાળવવા છતાં પણ આપી દેવામાં આવી હતી. 

નાયબ કલેકટરે પોતાના 30/07/2020ના પત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, જાહેર ઉપયોગિતાના કામે ઔદ્યોગિક હેતુ માટે સામાન્ય સંજોગોમાં ગૌચરની જમીનની ફાળવણી ના કરવી, પરંતુ અત્યંત અનિવાર્ય હોય ત્યારે સ્થાનિક લોકોનું હિત હોય તેવા હેતુઓ તથા ગૌચર જમીન સિવાય ઉદ્યોગ સ્થાપવાનું શક્ય ન હોય તેવા સંજોગોમાં ગૌચરની જમીન ફાળવવા સદર પરિપત્ર થયો છે. પરંતુ કોઈપણ ખાનગી સંસ્થાઓ માટે જમીન અદલાબદલી અંગેની સરકારની કોઈ જોગવાઈઓ લાગૂમાં નથી. જેથી સદર અરજી દફતરે કરવા  મામલતદાર સાણંદે સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે. 

ગામના લોકોને આ પ્રોજેકટથી કોઈ જ લાભ નથી તેમજ ગૌચર બાબતે ગુજરાત હાઈકોર્ટે પણ કડક નીતિ અપનાવેલી છે. તેમ છતાં આ ફાળવણી કેવી રીતે થઈ તે નવાઈ ઉપજાવે તેવી બાબત છે.

સરકારી પડતર જમીન એક ટાપુની જેમ પ્રોજેક્ટમાં વચ્ચે જ અટવાઈ ગઈ 

ગ્લેડ વનના આ પ્રોજેક્ટની બરાબર વચ્ચે જ સાણંદ તાલુકાના મોડાસર ગામની સર્વે નંબર 1314/1ની 3541 ચોરસ મીટરની સરકારી પડતર જમીન એક ટાપુની જેમ ફસાઈ જવા પામી છે, જેના ઉપર સરકારી અધિકારીઓને પણ જવું હોય તો ખાનગી રોડ ઉપરથી અને ખાનગી કંપનીના સિક્યુરિટી ગાર્ડની મંજૂરી લઈને જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કરોડોની કિમતની આ સરકારી જમીન ઉપર કોઈ પ્રોજેક્ટ કરવો હોય તો ત્યાં સુધી પહોચવા માટેના રસ્તાની નવેસરથી વિચારણા કરવી પડે તેવી સ્થિતિ હાલ સર્જાયેલી છે.

સ્ટાર હોટલ કોઈપણ જાતની પર્યાવરણીય મંજૂરી વિના જ ઉભી કરી દેવાઈ 

ગ્લેડ વનના પ્રોજેક્ટના સ્થળે પર્યાવરણ ખાતાની કોઈપણ જાતની મંજૂરી મેળવ્યા વિના જ ફાઈવ સ્ટાર હોટલ ઉભી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ નિયમમાં કોઈ બધ નાં આવે તે માટે કોઈ ખાનગી કંપનીને તે કરાર કરીને ચલાવવા આપી દીધી હોવાની વિગતો પણ બહાર આવી છે. 

પ્રોજેક્ટમાં મોટાભાગે રાજકારણીઓ અને અધિકારીઓનું મોટા પાયે રોકાણ!

બી. સફલના આ ગ્લેડ વનના પ્રોજેક્ટમાં કેટલાક રાજકારણીઓ તેમજ કેટલાક ઉચ્ચ સરકારી અધિકારીઓ જેમાં આઈ.પી.એસ. અને આઈ.એ.એસ. અધિકારીઓ દ્વારા બે નંબરનું મોટાપાયે રોકાણ કરાયાની વિગતો પણ જાણવા મળી છે. આ સમગ્ર પ્રોજેક્ટ સંદર્ભે અવારનવાર ઉચ્ચ કક્ષાએ નિયમોના ભંગ બદલ તપાસની માંગણીઓ થવા છતાં આજદિન સુધી કોઈ જ કાર્ય વાહી હાથ ધરવામાં આવી નથી.

બિલ્ડરનો ઓફિસથી કલેક્ટર કચેરી ચાલતી હોય એવો ઘાટ

સાણંદ તાલુકામાં ગ્લેડ વન પ્રોજેક્ટમાં દરેક તબક્કે ગેરરીતિ થઈ છે. કોઈપણ મંજૂરી વગર 2016માં ગોચરની જમીન હસ્તગત કરી પ્રોજેક્ટ ચાલુ કરાવી દેવામાં આવ્યો પણ સરકાર સાથે અદલાબદલીનો કરાર 25મી નવેમ્બર 2021માં થયો હતો. પર્યાવરણની મંજૂરી આપી શકાય નહીં એવી નોંધ છતાં ગોચરની જમીન ઉપર જ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગામતળની જમીન ટાપુની જેમ આ પ્રોજેક્ટ વચ્ચે ફસાઈ ગઈ છે. ત્યારે આ સમગ્ર કેસમાં મંજૂરી, ફાળવણી, પર્યાવરણની મંજૂરી કઈ રીતે મળી? એવો ઘાટ જોવા મળી રહ્યો છે કે અમદાવાદ જિલ્લા કલેક્ટરની કચેરી સત્તાવાર જગ્યાના બદલે બિલ્ડર બી. સફલની ઓફિસથી ચાલી રહી હોય.

બી. સફલનું ભ્રષ્ટાચારનું 'સફળ' મોડેલ: ગ્લેડ વન પ્રોજેક્ટમાં 243 એકરની પર્યાવરણની મંજૂરી અને પ્રોજેક્ટ 380 એકરમાં 2 - image


Google NewsGoogle News