ઝીરો ગુણવતાનો રૂ.1.47 કરોડનો એઝીથ્રોમાઇસીન પાવડર મોકલીને ગોવાની કંપની સાથે ઠગાઇ

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
ઝીરો ગુણવતાનો રૂ.1.47 કરોડનો એઝીથ્રોમાઇસીન પાવડર મોકલીને ગોવાની કંપની સાથે ઠગાઇ 1 - image


Fraud Case in Ahmedabad : અમદાવાદના રખિયાલમાં આવેલી મેડીકલ પ્રોડક્ટ સપ્લાય કંપનીના સંચાલક અને અન્ય એક કંપનીમાં કામ કર્મચારીએ સાથે મળીને ગોવાની એક કંપનીમાં રૂપિયા 1.47 કરોડની કિંમતનો ઝીરો વેલ્યુ ધરાવતો 1600 કિલો જેટલો એઝીથ્રોમાઇસીન પાવડર મોકલીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં નોંધવામાં આવી છે.

1600 કિલો એઝીથ્રોમાઇસીન પાવડર ગોવાની કંપનીમાં મોકલવામાં આવ્યો મોકલનાર કંપનીના સંચાલકની ધરપકડ બાદ મોટા ખુલાસા થવાની શક્યતા

શહેરના ઘાટલોડિયામાં આવેલા નારેશ્વર ફ્લેટમાં રહેતા આશિષ ગજ્જર ગાંધીનગર જીઆઇડીસીમાં બાયોટેક કંપની ધરાવે છે. જ્યારે તેમના પત્નીના નામે ઘાટલોડિયામાં આર.એચ.એન્ટરપ્રાઇઝ નામની કંપની છે. જે કંપની ગુજરાત સરકાર માટે દવા સપ્લાય કરતી કંપનીઓ સાથે લાઇઝનીંગનું કામ કરે છે. તેમને ત્યાં ભાવીન પટેલ (રહે. યમુના ફ્લેટ, ઘોડાસર)  નામનો યુવક મેનેજર તરીકે કામ કરે છે. જે ખરીદી, વેચાણ અને ઓર્ડર લેવા સહિતના કામો સંભાળે છે. વર્ષ 2019 થી 2021 દરમિયાન ગુજરાત સરકારમાં એઝીથ્રોમાઇસીનનો દવા સપ્લાય કરનાર ગોવાની મેડીઝેસ્ટ ફાર્મા કંપનીને કોરોનાના સમયમાં વધારે પ્રમાણમાં એઝીથ્રોમાઇસીન પાવડરની જરૂરિયાત હોવાથી આશિષ ગજ્જરને આ માટે કહેવામાં આવ્યું હતું. જેના આધારે આશિષભાઇએ તેમની કંપનીના મેનેજર ભાવીન પટેલને કહી રખિયાલ સોની ચાલી પાસે આવેલા સુમેલ કોમ્પ્લેક્સ સ્થિત આઇ ટેક એન્ટરપ્રાઇઝ નામની કંપનીના યશ પટેલ પાસેથી રૂપિયા 1.47 કરોડની કિંમતનો 1600 કિલો એઝીથ્રોમાઇસીનનો પાવડરનો ઓર્ડર લઇને ગોવા મોકલ્યો હતો. પરંતુ, ગોવા સ્થિત મેડીઝેસ્ટ ફાર્માના સંચાલકોએ ચોંકાવનારી માહિતી આપી હતી કે એઝીથ્રોમાઇસીન પાવડર 500 એમજીનો નહી પણ શૂન્ય ગુણવતાનો પાવડર છે. આમ, ભાવિન પટેલ અને યશ પટેલે છેતરપિંડી કરી હતી. તે બાદ પણ પાવડરનો અન્ય જથ્થો પણ પહોંચતો નહોતો કર્યો અને આશિષભાઇને રૂ.1.47 કરોડ પરત કર્યા નહોતા. જેથી આ અંગે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News