લગ્નની સિઝનમાં ‘આમંત્રણ’ આવે તો ચેતી જજો, જાણો ગુજરાત પોલીસે કેમ આપી મોબાઇલ યુઝર્સને ચેતવણી
Invitation Card Fraud: વિકસતી જતી લેટેસ્ટ ટૅક્નોલૉજી જેટલી ઉપયોગી બની રહી છે એટલી જ મુશ્કેલીનું ઘર બની રહી છે. જેમ-જેમ સાયબર ક્રાઇમમાં ઘટાડો કરવા પગલાં લેવાઈ રહ્યા છે, તેમ તેમ, સાયબર ગુનેગારો નવી નવી રીતોથી લોકોને છેતરી રહ્યા છે. ત્યારે હાલ લગ્ન સિઝન ચાલી રહી છે, તો સાયબર ગઠિયાઓએ નવો પેંતરો અપનાવ્યો છે. જો તમારા વોટ્સએપ પર અજાણ્યા નંબરથી આમંત્રણ કાર્ડ આવે તો તેને ભૂલથી પણ ડાઉનલોડ ના કરતાં. જો ડાઉનલોડ કર્યુ તો તમારો મોબાઇલ હેક થઈ શકે છે.
પોલીસે આમંત્રણ કાર્ડથી સતર્ક રહેવા સૂચના આપી
ગુજરાત પોલીસ દ્વારા આમંત્રણ કાર્ડ ફ્રોડને લઈને લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તમારા વોટ્સએપ પર અજાણ્યા નંબરથી કોઈ પણ આમંત્રણ કાર્ડ આવે તો ડાઉનલોડ કરશો નહીં. આ ફાઇલ ડાઉનલોડ કરશો તો તમારો ફોન હેક થશે અને તમારો તમામ ડેટા છેતપપિંડી કરનારાઓ સુધી પહોંચશે. આ પ્રકારના કેસને લઈને સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરો.
સાયબર ગઠિયાઓને કોઈનો ડર નથી!
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નેટબૅંકિગમાં છેતરપિંડીના કિસ્સામાં રોજ વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 5 વર્ષમાં જ સાયબર ગઠિયાઓએ ગુજરાતીઓના 74 કરોડ રૂપિયા સેરવી લીધા છે. રાજ્યમાં નેટબૅંકિગ ફ્રોડના કેસોમાં 400 ટકાનો વધારો નોંધાયો છે. ઓનલાઇન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે તે જોતા હવે તો બૅંકો પણ એસએમએસ મોકલીને બૅંક કસ્ટમરને સચેત કરી રહી છે. આ ઉપરાંત સાયબર સેલ એક્ટિવ હોવા છતાંય સાયબર ગઠિયાઓને જાણે ડર રહ્યો નથી.