ફિલ્મી સ્ટાઇલમાં ગાયક વિજય સુવાળાની કારને આંતરીને જીવલેણ હુમલાનો પ્રયાસ, 7 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ
Singer Vijay Suwada Fatally Attack: લોકગાયક અને ભાજપ કાર્યકર વિજય સુવાળા પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો. પ્રોગ્રામ મુદ્દે અમદાવાદના ત્રણ સહિત સાત જેટલા શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ફિલ્મી સ્ટાઇલમાં વિજય સુવાળાની કારને આંતરીને હુમલો
ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાળા પોતાના મિત્રોની સાથે કોઈ સામાજિક પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ સમયે અંદાજિત 10:30 વાગ્યા આસપાસ અમદાવાદના ઝુંડાલ સર્કલ નજીક વિજય સુવાળાની કારને ફિલ્મી ઢબે ઈનોવા કારથી આંતરીને સાત જેટલા લોકોના ટોળાએ જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, હુમલાખોરો તલવાર અને લાકડી સહિતના હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. જો કે, વિજય સુવાળાના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી કાર ત્યાંથી ભગાવી દીધી જેને લઈને બંનેનો બચાવ થયો હતો. જો કે, હુમાલાખોરોએ ગાડીનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું જેથી વિજય સુવાળાએ 100 નંબર ડાયલ કરી પોલીસની મદદ માગી હતી.
આ પણ વાંચો: બોડેલીની ઘટનાના CCTV ફૂટેજ: ઢાબામાં અચાનક કાર ઘૂસી ગઈ, ત્રણને ઝપેટમાં લીધા
અડાલજ પોલીસ સ્ટેશનમાં 7 લોકો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ
મળતી માહિતી અનુસાર, વિજય સુવાળાએ અમદાવાદના ત્રણ સહિત કુલ સાત લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં વિજય સુવાળાએ નવઘણ ગાટીયા, ફુલા રબારી, અનિલ રબારી સહિત સાત લોકો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. નોંધનીય છે કે, આ સમગ્ર ઘટના ગાંધીનગરની હદમાં થઈ હોવાથી વિજય સુવાળાએ અડાલજ પોલીસ સ્ટેશનમાં હુમલાની ફરિયાદ નોંધાવી હતી. અત્યારે અડાલજ પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
પહેલા ફોન પર ધમકી મળી બાદમાં હુમલાનો પ્રયાસ થયો
સૂત્રોના અનુસાર, વિજય સુવાળાને પહેલા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી બાદમાં મોડી રાત્રે તલવારો સહિતના હથિયારો વડે હિંસક હુમલાનો પ્રયાસ થયો હતો. કોઈએ પહેલા ફોન કરીને ધમકી આપી હતી કે, તું અમારા પ્રોગ્રામ કેમ નથી કરતો અને બીજાના પ્રોગ્રામ કરે છે. આ મામલે ફોનમાં બોલાચાલી પણ થઈ હતી. વિજય સુવાળાએ તેને કહ્યું હતું કે પોતાના પ્રોગ્રામ ખુબ જ શિડ્યુઅલ હોય છે. તો ફોન કરનારાઓએ ધમકી આપી હતી કે, તારે અમે કહીંએ તો પ્રોગ્રામ કરવા પડશે, નહીં તો તને જાનથી મારી નાખીશું. નોંધનીય છે કે, પહેલા આવી ધમકી મળી અને બાદમાં કાલે મોડી રાત્રે તલવારો સહિતાના હથિયારો વડે હિંસક હુમલો થયો હતો.