ત્રાસ સહન થતો નથી કહી બીજા દિવસે એએસઆઇની પુત્રીનો આપઘાત
નારોલમાં તું વાઝણી છે સંતાન ન થાય તો મરી જા કહીને સાસરીયા હેરાન કરતા
નારોલ પોલીસે પતિ સહિત પાંચ સામે ગુનો નોંધ્યો
અમદાવાદ, રવિવાર
નારોલમાં વઢવાણના એએસઆઇની પુત્રીએ સાસરિયાના ત્રાસથી ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે.જેમાં નોકરાણીની જેમ રાખતા હતા અને બિમાર પડે તો કામ કરાવતા હતા. સંતાન ન થતા તું વાઝણી છે સંતાન ન થાય તો મરી જા કહીને મહેણા મારીને દહેજની માંગણી કરતા હતા. આ બનાવ અંગે એએસઆઇએ જમાઇ સહિત સાસરીના પાંચ લોકો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મારે જીવવા જેવું નથી, નોકરાણીના જેમ રાખીને બિમાર પડે તો પણ કામ કરાવતા ઃ કંટાળીને મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, નારોલ પોલીસે પતિ સહિત પાંચ સામે ગુનો નોંધ્યો
સુરેન્દ્રનગરમાં વઢવાણમાં રહેતા અને વઢવાણ પોલીસ સ્ટેશનમાં એએસઆઇએ નારોલ પોલીસ સ્ટશનમાં નારોલ જૂની કોર્ટ પાછળ એપાર્ટમેન્ટમાં રહેતા જમાઇ સહિત પરિવારના પાંચ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની પુત્રીના લગ્ન વર્ષ ૨૦૨૨ હતા. લગ્ન બાદ દિકરી નારોલ ખાતે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના એક વર્ષ બાદ પતિ સહિત સાસરિયા ઘરની નાની-નાની બાબતોમાં ત્રાસ આપતા હતા ત્યારે પતિને કહેતા તે પણ તકરાર કરતા હતા. ત્યારે સાસરીયા પતિને તું નોકરી ગયા બાદ તારી પત્ની આખો દિવસ પિયરમાં વાતો કર્યા કરે છે. જેને લઇને પતિએ તારે પિયરમાં કોઇની સાથે વાત નહી કરવાની કહીને ત્રાસ આપતો હતો.
કરિયાવર બાબતે હેરાન કરીને તારા પિતાને સરકારી નોકરી છે ઘણા રૃપિયા છે કહીને માંગણી કરતા હતા. ફરિયાદીની દિકરી બિમાર હોય તો પણ નોકરાણીની જેમ રાખતા હતા અને તેમની પાસે કામ કરાવીને સારવાર પણ કરાવતા ન હતા. તેમજ સંતાન ન થતા તું વાઝણી છે સંતાન ન આપી શકે તો મરી જા પુત્રના બીજા લગ્ન કરાવી દઇશું કહીને માનસિક ત્રાસ આપતા હતા તા.૨૪ના રોજ દિકરીએ ફોન કરીને પિતાને કહ્યું કે પપ્પા મને સાસુ સસરા નણંદ તથા જેઠ ખુબજ હેરાન કરે છે મારે જીવવા જેવું નથી મારાથી ત્રાસ સહન થતો નથી કહીને તા. ૨૫ એપ્રિલે ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.