Get The App

બુટલેગરો બેફામ : કણભા પોલીસની PCR વાનને ટક્કર મારતાં ASIનું મૃત્યુ

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
બુટલેગરો બેફામ : કણભા પોલીસની PCR વાનને ટક્કર મારતાં ASIનું મૃત્યુ 1 - image


- પોલીસ દારૂ ભરેલી કારનો પીછો કરતી હતી

અમદાવાદ,તા.25 જાન્યુઆરી,ગુરૂવાર

અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ સ્ટેશનની હદમાં ખેડાથી અમદાવાદ જવાના રસ્તા પર મંગળવારે રાતના સમયે  કારમાં દારૂનો જથ્થો લઇને જઇ રહેલા બુટલેગરની કારને રોકવા માટે પોલીસની પીસીઆરને ચેકપોસ્ટ રસ્તા પર ઉભી રાખી હતી. પરંતુ, બુટલેગરે કારને રોકવાને બદલે પીસીઆર વાનને ટક્કર મારી હતી. જેમાં વાન પલ્ટી જતા આસીટન્ટ સબ ઇન્સ્પેક્ટર બી એમ નીનામાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.જ્યારે એક પોલીસ કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે કણભા પોલીસે બુટલેગર સહિત ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અન્ય એક પોલીસ કર્મચારીને ગંભીર ઇજાઓ : બુટલેગર સહિત ચાર લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો

મંગળવારે રાતના સમયે કણભા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે એક બુટલેગર ખેડાથી દારૂનો જથ્થો લઇને અમદાવાદ તરફ આવી રહી છે. જેથી પોલીસના સ્ટાફે એક કાર દ્વારા પીછો કર્યો હતો. આ દરમિયાન કણભા અમદાવાદ રસ્તા પરની ચેક પોસ્ટ પર પીસીઆર વાન પર એએસઆઇ બી એમ નીનામા તેમજ અન્ય સ્ટાફ હાજર હતો. બુટલેગરોની કાર આવતી હોવાનો મેસેજ એએસઆઇને મળ્યો હતો. જેથી તેમણે બુટલેગરના કારને પીસીઆર વાનને રોકવા માટે રસ્તામાં ઊભી રાખી હતી. પરંતુ, બુટલેગરે કાર રોકવાને બદલે કારની ગતિ વધારીને પીસીઆર વાનને ટક્કર મારી હતી. જેથી પીસીઆર વાન પલ્ટી ગઇ હતી. જેમાં  એએસઆઇ  બી એમ નીનામા અન્ય એક પોલીસ કર્મચારીને ઇજાઓ પહોંચી હતી. જો કે  અકસ્માત બાદ  કાર મુકીને બુટલેગર સહિતના લોકો ફરાર થઇ ગયા હતા. બીજી તરફ  ત્યાં આવી પહોંચેલા પોલીસના સ્ટાફે પીસીઆર વાનમાં ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. પરંતુ, એએસઆઇ બી એમ નીનામાનું સારવાર દરમિયાન મરણ થયું હતું. આ અંગે જીલ્લા પોલીસ વડા મેઘા તેવારે જણાવ્યું હતું કે  આ અંગે કણભા પોલીસ મથકે બુટલેગર સામે હત્યાનો ગુનો નોંધીને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસને કારમાંથી દેશી દારૂનો મોટો જથ્થો પણ મળ્યો છે.  મૃતક એએસઆઇ બી એમ નીનામા સાબરકાંઠા વિજયનગરના વતની હતા. બુધવારે શોક સલામ આપીને તેમના પાર્થિવ દેહને પરિવારને સોપવામાં આવ્યો છે.

ખેડા જિલ્લામાંથી અમદાવાદમાં દેશી દારૂની સૌથી વધુ હેરફેર

અમદાવાદમાં શહેરમાં  સપ્લાય કરવામાં આવતો સૌથી વધુ દેશી દારૂ ખેડાના મહેેમદવાદ અને આસપાસ બેરોકટોક રીતે ચાલતા દારૂના અડ્ડા પરથી સપ્લાય કરવામાં આવે છે.  અગાઉ અનેકવાર પોલીસે મોટાપ્રમાણમાં દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.જેની તપાસમાં ખેડાના સ્થાનિક બુટલેગરોની સંડોવણીનોે બહાર આવી છે.


Google NewsGoogle News