જામીન પર છૂટેલા આસારામ જોધપુરથી સારવાર માટે આવશે અમદાવાદ, મોટેરાના આશ્રમમાં રોકાશે
Ahmedabad News : સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરી, 2025એ દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના જામીન આપ્યા હતા. 2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે આ રાહત આપવામાં આવી છે. જેમાં આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા. જામીન પર છૂટ્યાના 9 દિવસ બાદ આસારામ જોધપુરથી અમદાવાદના આશ્રમ જવા રવાના થશે. આ દરમિયાન આસારામ ગઈકાલે ગુરુવારે સુમેરપુર થઈને રોડ મારફતે અમદાવાદ જવા નીકળ્યા હતા. અમદાવાદ આવીને આસારામ મોટેરા સ્થિત આશ્રમમાં રહેવાના છે, જ્યાં સારવાર માટે નિષ્ણાત તબીબોની સલાહ લેશે.
જામીન પર છૂટેલા આસારામ અમદાવાદના આશ્રમે જવા રવાના
ગાંધીનગરના આશ્રમમાં મહિલા અનુયાયી પર દુષ્કર્મના કેસ મામલે 07 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આસારામને 31 માર્ચ સુધી જામીન આપ્યા હતા. જેમાં કોર્ટે પોતાના અનુયાયીઓને ન મળવાની આસારામને સૂચના આપી હતી. ત્યારબાદ 14 જાન્યુઆરીએ જોધપુર દુષ્કર્મ કેસ મામલે રાજસ્થાન હાઇકોર્ટે આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા.
આ પણ વાંચો: ખેડા હાઈવે પર થયેલી એક કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, ટીપ આપનાર સહિત ત્રણ ઝડપાયા
આ દરમિયાન આસારામને કોઈપણ આશ્રમમાં રહેવાની છૂટ આપવામાં આવી છે આની સાથે આસારામ હૉસ્પિટલ ઉપરાંત આશ્રમમાં પણ સારવાર લઈ શકશે. જેમાં આસારામ જોધપુરના ભગત કી કોઠી સ્થિત આરોગ્યમ્ હૉસ્પિટલથી 14મી જાન્યુઆરીએ મોડી રાત્રે નીકળીને પાલ ગામ પહોંચ્યા હતા. જ્યાં આસારામ તેમના આશ્રમમાં લટાર મારતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો.
આ શરતો સાથે મળી જામીન
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'આસારામને ત્રણ પોલીસકર્મીઓનો એસ્કોર્ટ આપવામાં આવશે. તેમાં એવી શરત રહેશે કે, તે પુરાવા સાથે ચેડાં નહીં કરે. ઉપરાંત, તેને પોતાના અનુયાયીઓને સામૂહિક રૂપે મળવાની મંજૂરી નહીં મળે.' નોંધનીય છે કે, આ નિર્ણય ગુજરાતમાં આસારામ દુષ્કર્મ કેસ સાથે સંબંધિત છે. જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, રાજસ્થાનમાં નોંધાયેલા કેસ મામલે તે હજુ પણ કસ્ટડીમાં છે.