અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની આવકમાં ૩૦૨ કરોડનો વધારો
૫૩ ટકા જેટલી આવક ઓનલાઈન થવા પામી
અમદાવાદ,બુધવાર,22 નવેમ્બર,2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ટેકસની આવક ૧૩૦૦.૧૧
કરોડ ઉપર પહોંચતા ગત વર્ષ કરતા આવકમાં ૩૦ ટકા એટલે કે રુપિયા ૩૦૨.૭૧ કરોડ જેટલો
વધારો થવા પામ્યો છે.રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલના કહેવા પ્રમાણે, વર્ષ-૨૦૨૩-૨૪
માટે અંદાજે ૨૦ લાખથી વધુ બિલોની વહેંચણી કરી દેવામાં આવી છે.૧ એપ્રિલ-૨૦૨૩થી ૧૮
નવેમ્બર-૨૦૨૩ સુધીના સમયમાં મિલકતવેરા પેટે રુપિયા ૧૦૦૯.૬૫ કરોડ, પ્રોફેશન ટેકસ
પેટે રુપિયા ૧૪૦.૧૪ કરોડ તથા વ્હીકલ ટેકસ પેટે રુપિયા ૧૩૮.૩૦ કરોડ આવક થવા પામી
હતી.પ્રોપર્ટી ટેકસ વિભાગમાં મહત્તમ કામગીરી ઓનલાઈન ડીજીટલ માધ્યમથી થાય એવી
વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.વર્ષ-૨૦૨૩-૨૪માં થયેલી આવક પૈકી ૫૩ ટકા જેટલી આવક
ઓનલાઈન થવા પામી છે.