સોમવારે મોડી રાતના સુમારે નરોડામાં બે, નિકોલ,કઠવાડામાં એક ઈંચથી વધુ વરસાદથતાં પાણી ફરી વળ્યાં

નિકોલ-કઠવાડા રોડ ઉપર આવેલા મધુમાલતી આવાસ યોજનાના રોડ ઉપર કેડસમા પાણી ભરાતા રહીશોમાં રોષ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
સોમવારે મોડી રાતના સુમારે  નરોડામાં બે, નિકોલ,કઠવાડામાં એક ઈંચથી વધુ વરસાદથતાં પાણી ફરી વળ્યાં 1 - image


અમદાવાદ,મંગળવાર,3 સપ્ટેમબર,2024

અમદાવાદમાં સોમવારે મોડીરાતે ૧થી ૨ કલાક સુધીના સમયમાં નરોડામાં બે,નિકોલ,કઠવાડા,ઓઢવમાં એક ઈંચથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા. નિકોલ-કઠવાડા રોડ ઉપર આવેલા મધુમાલતી આવાસ યોજનાના રોડ ઉપર કેડસમા પાણી ભરાતા રહીશોમાં મ્યુનિસિપલ તંત્રની બેદરકારીને લઈ રોષ જોવા મળ્યો હતો. મંગળવારે રહીશો દ્વારા તંત્રની નિષ્ફળતા સામે સૂત્રોચ્ચાર કરી રોષ વ્યકત કર્યો હતો.શહેરમાં મંગળવારે સવારના ૬થી રાતના ૮ કલાક સુધીમાં સરેરાશ ૧.૫૩ મિલીમીટર વરસાદ થતાં મોસમનો ૩૫.૨૯ ઈંચ વરસાદ થયો હતો.

અમદાવાદમાં સોમવારની સાંજે તથા મોડી રાતના સમયે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. નિકોલ વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ વરસી પડતા નિકોલ-કઠવાડા રોડ ઉપર આવેલા મધુમાલતી આવાસ યોજનાના  રોડ ઉપર તથા લોકોના આવાસ સુધી વરસાદી પાણી ફરી વળતા રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. લોકોને ગટરના પાણીમાંથી પસાર થવુ પડયુ હતુ.રહીશોએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યકત કરતા સૂત્રોચ્ચાર કર્યો હતો.સાત વર્ષ અગાઉ વર્ષ-૨૦૧૭માં  તત્કાલિન મુખ્યમંત્રીને આ આવાસ યોજના સુધી પહોંચવા બોટનો ઉપયોગ કરવો પડયો હતો. સોમવારે ફરી એકવાર વરસાદી પાણી આ આવાસ યોજનાના મકાનો સુધી પહોંચતા રહીશોએ મંગળવારે મ્યુનિસિપલ તંત્રની બેદરકારી સામે ઉગ્ર રોષ વ્યકત કરતા સૂત્રોચ્ચાર કરી સોશિયલ મિડીયા ઉપર સૂત્રોચ્ચાર સાથેનો વિડીયો વાઈરલ કરી તેમની વેદના રજૂ કરી હતી.રાત્રિના સમયે પૂર્વના ઓઢવ ઉપરાંત કઠવાડા વિસ્તારની સાથે મણિનગર,કોતરપુર, ચાંદખેડા, રાણીપ, ગોતા,સાયન્સ સીટી સહિતના વિસ્તારોમાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.વાસણા બેરેજનુ લેવલ ૧૨૮ ફૂટ નોંધાયુ હતુ.એનએમસીમાંથી ૬૬૦૭ કયૂસેક અને સંત સરોવરમાંથી ૩૯૪૦ કયૂસેક પાણીની આવક નોંધાઈ હતી.નદીમાં ૧૦૭૩૯ કયૂસેક પાણીની જાવક નોંધાઈ હતી.બેરેજના ગેટ નંબર-૨૧,૨૨,૨૪,૨૫ ,૨૬ અને ૨૯ ત્રણ ફૂટ તથા ગેટ નંબર-૨૮ બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.

સોમવારે રાતે ૧થી ૨ દરમિયાન કયાં-કેટલો વરસાદ

વિસ્તાર    વરસાદ(મિ.મી.)

ચકુડીયા               ૧૨

ઓઢવ          ૨૪

વિરાટનગર     ૧૩

નિકોલ          ૩૭

કઠવાડા        ૩૯

ચાંદખેડા        ૧૭

રાણીપ         ૧૬

સાયન્સસીટી    ૧૭

ગોતા           ૧૭

જોધપુર        ૧૦

દૂધેશ્વર         ૧૧

મેમ્કો           ૨૦

નરોડા          ૬૦

મણિનગર      ૨૧

કોતરપુર       ૧૬

કાળીગામ ગરનાળામાં વરસાદી પાણી ભરાયા

        કાળીગામના ગરનાળામાં દર વખતની જેમ સોમવારે સાંજે પડેલા ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા હતા.આ ગરનાળુ વોટર લોગીંગ અને ગંદકીનું સ્પોટ છે એ બાબતથી મ્યુનિ.તંત્રના અધિકારીઓ સુપેરે વાકેફ છે.આમ છતાં વરસાદી પાણીનો તાકીદે નિકાલ કરી દવાનો છંટકાવ કરવાની કામગીરી સમયસર હાથ ધરવામાં નહીં આવતા સ્થાનિકોએ આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત તંત્ર સમક્ષ વ્યકત કરી હતી.


Google NewsGoogle News