Get The App

અમદાવાદમાં ગંભીર ગુના સાથે સંકળાયેલી 10 જેટલી ગેંગ સક્રિય, DGના આદેશ બાદ યાદી તૈયાર

Updated: Mar 17th, 2025


Google News
Google News
અમદાવાદમાં ગંભીર ગુના સાથે સંકળાયેલી 10 જેટલી ગેંગ સક્રિય, DGના આદેશ બાદ યાદી તૈયાર 1 - image


Anti-social elements  in Ahmedabad: અમદાવાદના વસ્ત્રાલમાં માથાભારે તત્ત્વો દ્વારા વાહનો, દુકાનોમાં તોડફોડ કરવાની ઘટના સામે આવ્યા બાદ ડીજીપીએ ગંભીર નોંધ લીધી હતી. 100 કલાકની અંદર સમગ્ર રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની હદમાં સક્રિય માથાભારે ગેંગની યાદી તૈયાર કરવા માટે આદેશ કર્યો હતો. અમદાવાદ શહેર પોલીસે 10 જેટલી માથાભારે ગેંગની પ્રાથમિક યાદી તૈયાર કરી છે. જેમાં ખંડણી માંગવી, જમીન  સહિતની મિલકતો હડપ કરવી અને ગંભીર હુમલા કરીને લોકો ભય ફેલાવતી ગેંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય નાની મોટી ગેંગ અંગે પણ વિગતો એકઠી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ડીજીપીના હુકમ  આદેશ બાદ અમદાવાદમાં કેટલાંક તત્ત્વો વિરૂદ્ધ ગુજસીટોકના ગુના નોંધાય શકે છે.

આ ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી શક્ય

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વસ્ત્રાલની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં સક્રિય હોય તેવી અસામાજીક તત્ત્વો સામે કાર્યવાહી કરવા માટે શનિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને 100 કલાકમાં અસામાજીક તત્ત્વોની યાદી કરવા માટે સુચના આપી હતી. જે અનુસંધાનમાં અમદાવાદ  ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ તાકીદની બેઠક યોજીને અમદાવાદમાં સક્રિય હોય તેવી ગેંગની તેમજ અસામાજીક તત્ત્વોની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ કરી હતી. 

1100 જેટલા આરોપીઓની યાદી પણ તૈયાર

પોલીસને સમગ્ર અમદાવાદમાં સક્રિય હોય તેવી 10 જેટલી ગેંગની યાદી તૈયાર કરી છે. જેમાં ઘાટલોડિયા, વાડજ, ખોખરા, અમરાઇવાડી, જુહાપુરા, નારોલ, વટવા સહિતના વિસ્તારોમાં સક્રિય હોય તેવી ગેંગનો સમાવેશ થાય છે. જેમાં વેપારીઓ પાસે ખંડણી માંગવી, ડ્રગ્સના નેટવર્ક ચલાવવા, જમીન સહિતની મિલકતો હડપ કરવી, લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલી ગેંગનો સમાવેશ થાય છે. ઉપરોક્ત વિવિધ ગેંગ વિરૂદ્ધ શહેરના અનેક પોલીસ સ્ટેશન ઉપરાંત, રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે. ત્યારે ગુનાની ગંભીરતાને આધારે પોલીસ દ્વારા કેટલાંક તત્ત્વો વિરૂદ્ધ ગુજસીટોકના ગુના પણ નોંધાઇ શકે છે.

અમદાવાદ પોલીસે માથાભારે ગેંગ ઉપરાંત, બે કે તેથી વઘુ ગુના નોંધાયા હોય તેવા 1100 જેટલા આરોપીઓની યાદી પણ તૈયાર કરી છે.  આ યાદીને રાજ્ય પોલીસ વડાને મોકલીને ગુનાની ગંભીરતાને આધારે કાર્યવાહી કરવાની ગાઇડલાઇન  નક્કી કરાશે.

અમદાવાદમાં ગંભીર ગુના સાથે સંકળાયેલી 10 જેટલી ગેંગ સક્રિય, DGના આદેશ બાદ યાદી તૈયાર 2 - image

Tags :
Anti-social-elementsAhmedabadgangs

Google News
Google News