બોર્ડ બેઠકમાં મંજુરી અપાઈ , VS ના ચિનાઈ પ્રસુતિગૃહ બિલ્ડિંગનું ૧૫ કરોડના ખર્ચે રીનોવેશન કરાશે
સ્ટ્રકચરલ એન્જિનીયરને કુલ ખર્ચના ૦.૯૦ ટકા ફી ચૂકવવામાં આવશે
અમદાવાદ,મંગળવાર,25 માર્ચ,2025
વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ખાતે આવેલા જર્જરીત ચિનાઈ
પ્રસુતિગૃહ બિલ્ડિંગને રુપિયા ૧૫ કરોડના ખર્ચે રીનોવેશન કરવા વી.એસ.હોસ્પિટલ બોર્ડ
બેઠકમાં મંજુરી અપાઈ છે. સ્ટ્રકટરલ એન્જિનીયરને કુલ ખર્ચના ૦.૯૦ ટકા ફી ચૂકવવામા
આવશે.રીનોવેશનની કામગીરી મ્યુનિ.ના સિટી ઈજનેરના માર્ગદર્શનમાં કરાશે.
વી.એસ.બોર્ડ બેઠક મેયર પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં મળી
હતી.જેમાં ચિનાઈ પ્રસુતિગૃહના જર્જરીત બિલ્ડિંગના રીનોવેશનની દરખાસ્ત ઉપર મંજૂરીની
મહોર મરાઈ હતી.આ અગાઉ મેયર તથા વી.એસ.બોર્ડના સભ્યોએ જર્જરીત થયેલા ચિનાઈ
પ્રસુતિગૃહ બિલ્ડિંગની મુલાકાત લીધી હતી.નોંધનીય છે કે, અગાઉ જુના
બિલ્ડિંગને તોડીને તેના સ્થાને નવુ બિલ્ડિંગ બનાવવા માટે દરખાસ્ત કરાઈ હતી.જેનો
ખુબ ઉગ્ર વિરોધ થયો હતો.જે કારણથી હવે જર્જરીત બિલ્ડિંગના રીનોવેશનની દરખાસ્ત
મંજુર કરવામાં આવી છે.રીનોવેશન પાછળ થનારો રુપિયા પંદર કરોડનો ખર્ચ મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા કરાશે.એક સમયે આ બિલ્ડિંગને તોડી પાડીને એસ.વી.પી.હોસ્પિટલમાં
જવા માટેનો પ્લાન તૈયાર કરાયો હતો.જો કે તે સમયે બિલ્ડિંગ તોડી પાડવાના નિર્ણયનો
વિરોધ થતા કામગીરી થઈ શકી નહોતી.વધુ એક વખત જર્જરીત બિલ્ડિંગના રીનોવેશનને લઈ
મંજુર કરાયેલી દરખાસ્ત પછી આ બિલ્ડિંગને જમીનદોસ્ત ના કરી દેવામા આવે એ માટે પણ કેટલાક
લોકો દ્વારા આશંકા વ્યકત કરવામાં આવી રહી
છે.