અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલા મામલે 11ની ધરપકડ
Amedabad News : અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો હોવાની કેટલીય ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે શહેરના પશ્રિમ એટલે કે શેલા વિસ્તારમાં અસામાજિક તત્ત્વોનો આંતક જોવા મળ્યો હતો. શેલામાં પૈસાની લેતી-દેતી મામલે કેટલાક શખ્સોએ લાકડી અને પાઈપ વડે એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. આ મામલે પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધમાં રાયોટિંગ હેઠળ ગુનો નોંધીને 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
શેલામાં અસામાજિક તત્ત્વો ત્રાસ
રાજ્યમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે, ત્યારે અમદાવાદના શેલામાં સ્કાય સિટી પાસે બે દિવસ પહેલાં રાહુલ સરપોટા, યોગેશ મીણા સહિતના શખ્સોએ પૈસાની લેતી-દેતી મામલે એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. પોલીસે ઘટનાને લઈને 11 આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આગાહી, 20 જિલ્લામાં પડી શકે વરસાદ
રાજ્યમાં અમદાવાદ સહિતના જિલ્લામાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7612 શખ્સોની યાદી તૈયાર કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ કેટલાક અસામાજિક તત્ત્વો જાણે પોલીસના લિસ્ટમાં આવ્યા જ નથી. અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં એક પછી એક અસામાજિક તત્ત્વોના ત્રાસ અને હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે, આવા લુખ્ખાતત્ત્વોને કોણ છાવરી રહ્યું છે? કે તેમને કાયદાનો જરાપણ ડર નથી લાગતો.