અમદાવાદના પોશ વિસ્તારમાં ઉઘાડી તલવાર સાથે અસામાજિક તત્ત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ
Anti-social elements terror in Ahmedabad : ગુજરાત સહિત અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં અસામાજિક તત્ત્વોનો આતંકની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ઉઘાડી તલવાર લઇને ફરવું અને લોકોમાં ભય ફેલાવવો જાણે લુખ્ખા તત્ત્વો માટે એક ફેશન બની ગઇ હોય એવું લાગે છે. ચાંદખેડામાં બાદ હવે શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા આનંદનગરમાં પણ આવી જ એક ઘટના બની, જેમાં નેહા પાર્ક સોસાયટીમાં ઘૂસી અસામાજિક તત્ત્વોએ ઉઘાડી તલવાર સાથે વાહનોમાં તોડફોડ કરી લોકોને ડરાવ્યા-ધમકાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં પોલીસે 8 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોશ વિસ્તારની નેહા પાર્ક સોસાયટીમાં લુખ્ખા તત્ત્વો બન્યા બેફામ
પ્રાપ્ત માહિતી અનુસાર નેહા પાર્ક સોસાયટીમાં નજીવી બોલાચાલી થતાં કેટલાક લુખ્ખા તત્ત્વો ઘૂસી આવ્યા હતા. ઘાતક હથિયાર અને તલવાર સાથે સોસાયટીમાં ઘૂસીને 8 વ્યક્તિએ સોસાયટીને બાનમાં લીધી હતી. આ દરમિયાન તે લોકોને ડરાવી ધમકાવી રહ્યા હતા. તેમણે સ્કૂટર અને એક્ટિવા સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાઈરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. આનંદનગર પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી સાહિલ દેસાઇ, પાર્થ દેસાઇ સહિત 8 લોકો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: શાસ્ત્રીનગર કો.હા.સો.ના ચેરમેન-સેક્રેટરી દંડાયા, ગુજરાત સહકારી કાયદાનો કર્યો હતો ભંગ
ચાંદખેડાના પીજીમાં બબાલ
ગુરૂવારે મોડી રાત્રે અમદાવાદના ચાંદખેડા વિસ્તારના ગ્રીન ગેલ્ડ સિટીમાં આવેલા પીજીના યુવકો અને સ્થાનિક રહીશો વચ્ચે પણ માથાકૂટ થઇ હતી. મોડી રાત્રે 8 થી 10 જેટલા યુવાનો ફલેટના ગેટની અંદર ઘૂસીને મારામારી કરવા લાગ્યા હતા. જેમાં એક સ્થાનિક રહીશને ઇજા પહોંચી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.