અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનું 'ગુંડારાજ', યુવકનું અપહરણ કરી માર માર્યો, પોલીસની આબરૂ દાવ પર
Anti Social elements nuisance in Ahmedabad: અમદાવાદ જાણે અસામાજિક તત્ત્વોનું હબ બની ગયું હોય એવું લાગે છે. છાશવારે અસામાજિક તત્ત્વો દ્વારા આતંક મચાવવાની ઘટનાઓ સામે આવે છે. થોડા મહિના અગાઉ જ રખિયાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા પોલીસની હાજરીમાં આતંક મચાવવાની ઘટના ઘટી હતી, ત્યારબાદ ફરી એકવાર રખિયાલમાં યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. અમદાવાદમાં આંતરે દિવસે અસામાજિક તત્ત્વો ગુંડાગર્દી કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. જેથી પોલીસની આબરૂ દાવ પર લાગી હોય એવું લાગી રહ્યું છે.
અપહરણની ઘટનાના સીસીટીવી સામે આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રખિયાલ વિસ્તારમાં 4 વ્યક્તિએ મળીને એક યુવકનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે ચાર યુવકો ટુ-વ્હીલર પર બેસીને આવે છે અને એક વ્યક્તિને દંડા વડે માર મારે છે અને તિક્ષણ હથિયાર બતાવીને અપહરણની ઘટનાને અંજામ આપે છે. જેને લઇને રખિલયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદીનો શું છે આરોપ?
ફરિયાદી અરમાન ખાન ઉર્ફે અમન સાજીદ ખાન પઠાણ (23) (રહે. વિશ્વનાથ નગર, બાપુનગર)એ આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ તેનું જાહેરમાં બળજબરીથી અપહરણ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ તેને એક્ટિવા સ્કૂટર પર બેસાડીને તેની મરજી વિરુદ્ધ અમન ચોકથી મોરારજી ચોક સુધી લઈ ગયા હતા. જ્યાં તેને અપશબ્દો બોલી લાકડી અને છરી વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદી અને આરોપીઓ વચ્ચે અગાઉ માથાકૂટ થઇ હતી, જેની અંગત અદાવત રાખીને માર માર્યો હતો અને ત્યારબાદ યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્ત યુવકને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનાના આરોપી અયાન ઉર્ફે કાલીયો, નિયાઝુસેન ઉર્ફે અરમાન વખારહુસેન અંસારી, અઝહર ઉર્ફે બાબા જૈનુલાબેદીન અંસારી અને અરબાઝ ઉર્ફે સામન ઇસ્તેકાર અહેમદ શેખની અટકાયત કરી છે.
ચારેય આરોપીઓ પોલીસના સકંજામાં
ચારેય આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે, અને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે અપહરણ, હુમલો, ગુનાહિત ધાક-ધમકી અને જાહેર સ્થળે હથિયારોનો ઉપયોગ કરવાનો કેસ નોંધ્યો છે. વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
ત્રણ દિવસ અગાઉ પણ આવી જ ઘટના બની હતી
14 એપ્રિલ, સોમવારની રાત્રે અમદાવાદના અજિત મિલ ચાર રસ્તા પાસે આવેલી રહેણાક મકાનમાં 7થી 8 લોકોનું ટોળું તલવાર, લાકડી, ધોકા અને પાઇપો સહિતના ઘાતકી હથિયારો સાથે આવી પહોંચ્યું હતું અને રીતસરનો ઉત્પાત મચાવ્યો હતો.
ઘટનાના આરોપીઓ અને ફરિયાદી વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. એક સામાજિક પ્રસંગમાં બોલાચાલી થતાં આરોપીએ તલવાર તથા છરા જેવા ધારદાર હથિયારો સાથે સલમાનના ઘર પર હુમલો કર્યો હતો. હુમલા બાદ છ પુખ્ત વયના તથા એક સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.