Get The App

અમદાવાદમાં એક મહિનામાં ગુંડાગીરીના બન્યા ત્રણ મોટા બનાવ, પ્રજામાં ભયનો માહોલ, પોલીસ શું કરી રહી છે?

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં એક મહિનામાં ગુંડાગીરીના બન્યા ત્રણ મોટા બનાવ, પ્રજામાં ભયનો માહોલ, પોલીસ શું કરી રહી છે? 1 - image


Ahmedabad Crime Case : ગુજરાતમાં લૂંટ, હત્યા, મારામારી, છેતરપિંડી, અથડામણ, ગુંડાગીરી, રોમિયોગીરી, દુષ્કર્મ, છેડતી, ચેઈન સ્નેચિંગ, ચોરી, અપહરણ, વ્યાજખોરી, સાયબર ક્રાઇમ જેવી ક્રાઇમની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ તેમજ સુરતમાં આ પ્રકારની ઘટનાઓ બનતી નજરે પડી રહી છે. તલવાર, પાઇપ, છરી, બંદૂક જેવા જીવલેણ હથિયારો સાથે અસામાજિક તત્ત્વો શહેરમાં ફરી રહ્યા છે. શહેરમાં માથાભારે તત્ત્વોને કાયદાનો ડર રહ્યો જ નથી. નાની માથાકૂટમાં મોટી બબાલો થઈ રહી છે. મોડી રાત સુધી લુખ્ખા તત્ત્વો વાહનો લઈને બેફામ ફરતા નજરે પડે છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં જ ત્રણ મોટા બનાવ બની ચૂક્યા છે. જેને લઈને શહેરની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ગુજરાતમાં હવે યુપી-બિહાર જેવા દૃશ્યો સર્જાઈ રહ્યા છે.

વાડજમાં 100 લુખ્ખાઓએ આતંક મચાવ્યો

અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં શુક્રવારે (18 ઑક્ટોબર) યુપી-બિહાર જેવા આતંકના દૃશ્યો જોવા મળ્યા હતા. અહીં અસામાજિક તત્ત્વોના ટોળાએ જૂની અદાવતનો બદલો લેવા રીતસરનો આતંક મચાવ્યો હતો. આશરે 30 લોકોનું ટોળું તલવારો, પાઇપ અને દંડા લઈને જૂના વાડજની રામ કોલોનીમાં ઘૂસી ગયું હતું. ત્યાં તેમણે સોસાયટીમાં પડેલી સ્થાનિક રહીશોની કારના કાચ પણ ફોડી નાંખ્યા હતા, જેના લીધે લોકોમાં ફફડાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. 

વાત જાણે એમ હતી કે મહિના અગાઉ કનુ ભરવાડના નામના વ્યક્તિએ લક્કી સરદાર, શની સરદાર, રાજુ ડાબોડી, જેબુભાઈ નામના ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિના પહેલા કનુ ભરવાડ પોતાના મિત્ર સાથે જઈ રહ્યા હતા ત્યારે આ ચાર લોકોએ તેમની સાથે માથાકૂટ કરી પાઇપો વડે માર માર્યો હતો. જેથી કનુ ભરવાડે પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ કનુ ભરવાડે બદલો લેવાના ઇરાદેથી શુક્રવારે પોતાના 30થી વધુ મિત્રો સાથે જૂના વાડજ ખાતે પહોંચ્યો હતો.

જોકે, લક્કી સરદાર સહિતના લોકો ઘણા સમયથી ફરાર હતા જેથી કનુ ભરવાડે રામ કોલોનીમાં આતંક મચાવ્યો હતો. સોસાયટીમાં ઘૂસીને ગાડીઓના કાચ તોડ્યા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જેથી કનુ ભરવાડ અને તેના મિત્રો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. 

આ પણ વાંચો : રિયાલિટી ચેક : એક બટન દબાવતાં જ પોલીસ કંટ્રોલ રૂમનો થયો સંપર્ક, અમદાવાદમાં ઠેકઠેકાણે લગાવાયા ઇમરજન્સી કોલ બોક્સ

અમરાઈવાડીમાં સોસાયટીમાં તોડફોડ

ગઈકાલે જ અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિ તત્ત્વોએ ભારે આતંક મચાવ્યો હતો. તલવારો, લાકડી-દંડા તથા પાઇપો વડે તેમણે દુકાનો, વાહનોમાં તોડફોડ મચાવતાં સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકો ભયભીત થઈ ગયા હતા. આવી હિંસક ઘટનાના દૃશ્યો ત્યાંના સ્થાનિકોએ કેદ કરી લીધા હતા. વીડિયોને જોતાં લાગે છે કે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં તોફાની તત્ત્વોને પોલીસનો પણ ભય રહ્યો નથી. મળતી માહિતી મુજબ એક પરિવારના લોકોની બદમાશો સાથે કોઈ બાબતે બબાલ થતાં તેમના પર આ રીતે હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે પીડિત પરિવારે પોતાની જાતને ઘરમાં જ કેદ કરી પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે હજુ પણ તેઓ ભયના ઓથાર નીચે જીવવા મજબૂર છે.

અમદાવાદમાં એક મહિનામાં ગુંડાગીરીના બન્યા ત્રણ મોટા બનાવ, પ્રજામાં ભયનો માહોલ, પોલીસ શું કરી રહી છે? 2 - image

પોલીસમાં ફરિયાદ કરવા છતાં આવા અસામાજિક તત્ત્વો દ્વારા સતત આ પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલા કરવાના પ્રયાસ પણ થઈ રહ્યા છે. અમરાઈવાડી પોલીસને જ્યારે આ મામલે જાણ કરાઈ તો તેમણે ફરિયાદ નોંધી ત્વરિત તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : ગઠિયાઓ બેફામ, ગુજરાત સાયબર ક્રાઈમમાં દેશમાં 3 ક્રમે, એક જ વર્ષમાં છેતરપિંડીમાં 650 કરોડ ગુમાવ્યા

ઘાટલોડિયાના ચાણક્યપુરીની સોસાયટીમાં તોડફોડ

થોડા દિવસો અગાઉ જ અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ચાણક્યપુરીની શિવમ આર્કેડ સોસાયટીમાં લુખ્ખા તત્ત્વોએ દારૂ પીધેલી હાલતમાં આતંક મચાવ્યો હતો. શિવમ આર્કેડ ફ્લેટમાં દારૂની મહેફીલ માણ્યા બાદ લુખ્ખા તત્ત્વોએ દાદાગીરી કરી હતી. શખ્સ નશામાં હોવાથી સ્થાનિકોએ તેને પકડતાં હોબાળો મચાવ્યો હતો. શિવમ આર્કેડમાં અસામાજિક તત્ત્વો ઘમાલ મચાવતાં સિક્યુરિટી એ રોકતાં મામલો બિચક્યો હતો અને તે શખ્સે અન્ય ગુંડાઓને ફોન કરીને બોલાવ્યા હતા. ત્યારબાદ 20થી વધુ લોકોના ટોળાએ તલવાર-દંડા, પથ્થર અને ઘાતક હથિયારો સાથે સોસાયટી પર આવીને હુમલો કર્યો હતો. 

શિવમ આર્કેડમાં અસામાજિક તત્ત્વોએ થોડા દિવસ પહેલા ફ્લેટ ભાડે રાખ્યો હતો. આ શખ્સોએ ફ્લેટમાં પહેલા તો દારૂની મહેફિલ માણી અને પછી ફ્લેટના કમિટી મેમ્બર, સિક્યુરિટી સહિતના લોકો પર બહારથી અન્ય શખ્સોને બોલાવી હુમલો કર્યો હતો. હાલ તો પોલીસે ફ્લેટમાંથી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ કબજે કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં એક મહિનામાં ગુંડાગીરીના બન્યા ત્રણ મોટા બનાવ, પ્રજામાં ભયનો માહોલ, પોલીસ શું કરી રહી છે? 3 - image

આ શખ્સોએ લોકો પર હુમલો કરી આતંક મચાવતા આ અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને ફ્લેટમાંથી દારૂની બોટલો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ફ્લેટની મહિલાઓએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. મહિલાઓએ જણાવ્યું કે, અનેકવાર કંટ્રોલ રૂમમાં ફોન કર્યો પરંતુ યોગ્ય જવાબ ન મળ્યો. કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ 30 મિનિટ પછી પોલીસ સ્થળ પર આવી હતી.


Google NewsGoogle News