Get The App

24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં અમદાવાદ બંધની ચિમકી

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં અમદાવાદ બંધની ચિમકી 1 - image


Baba Saheb Ambedkar statue : થોડા દિવસો પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરને લઈને આપેલા નિવેદનને લઈને ઠેર-ઠેર વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડૉ. બાબા સાહેબની પ્રતિમાનો ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 
24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં અમદાવાદ બંધની ચિમકી 2 - image

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ખોખાર વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે. જેને કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવ્યું છે.

વહેલી સવારે જ્યારે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ધ્યાને પડ્યું હતું. બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી અપમાન કરવામાં આવતાં સ્થાનિક લોકોની લાગણીને ઠેસ પહોંચી છે અને લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરવાના મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સ્થાનિકોએ રોડ પર બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. 

આ પણ વાંચો : છેડતીના ભયે વાલીઓ સ્કૂલમાંથી છોકરીઓના નામ કઢાવી રહ્યા છે, મ્યુનિ. કાઉન્સિલરોનો આક્ષેપ

24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં અમદાવાદ બંધની ચિમકી 3 - image

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ફરિયાદ નોંધાવવા માટે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટના મામલે પોલીસ જાતે જ ફરિયાદી બની છે. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે. 

આગામી દિવસોમાં અમદાવાદ બંધની ચિમકી

ગુજરાત કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના ચેરમેન હિતેન્દ્ર પીઠડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું હતું કે અમદાવાદના ખોખરા ખાતે રવિવારે અસામાજિક તત્ત્વો દ્વારા ડો બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાના નાક અને ચશ્મા તોડી નાખવામાં આવ્યા છે. આ ઘટનાને હું કડક શબ્દોમાં વખોડી કાઢી છું. ભાજપના વરિષ્ઠ નેતાઓ જ્યારે બાબાસાહેબ આંબેડકર વિશે અપમાનજનક શબ્દો બોલતા હોય અને ભાજપ શાસિત શહેરમાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરવામાં આવે છે? શું આ શહેર અને રાજ્યની શાંતિ ડહોળવાનો એક પ્રયાસ છે? જો 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં અમદાવાદ બંધ કરવામાં આવશે. 

સામાજિક સમરતા મંચ-ગુજરાત દ્વારા આવેદન પત્ર

રવિવારે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરજી ની અસામાજિક તત્વો દ્રારા ખંડિત કરવામાં આવી હતી. આ વિષયનેધ્યાનમાં રાખી સામાજિક સમરસતા મંચ ગુજરાત દ્વારા કલેકટર અને પોલીસ કમિશ્નરને આ નિંદનીય ઘટનાને વખડતું આવેદન આવામાં આવ્યું હતું. 

આ દુષ્કૃત્ય સામાજિક સૌહાર્દ અને ભાઇચારાને દૂષિત કરી સમાજમાં અરાજકતા ફેલાવવાના મલીન ઇરાદાથી કરવામાં આવ્યું છે. સામાજિક સમરસતા મંચ, ગુજરાત આ કૃત્યને સખત શબ્દોમાં વખડી કાઢે છે. આ જઘન્ય કૃત્યના કર્તા-હર્તા વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરી આ દોષિતોને દંડિત કરવા માટે ત્વરિત કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા માટે આપને નમ્ર વિનંતી છે.


Google NewsGoogle News