ગીરના જંગલમાં આવેલું છે હનુમાન દાદાનું પૌરાણિક મંદિર, જેને બંધ કરાવવાની અફવાથી રોષે ભરાયા ભક્તો
Image : Twitter |
Hanuman Gala Temple : ગીરના ખાંભા નજીક આવેલા જંગલમાં અતિ પૌરાણિક અને પ્રસિદ્ધ હનુમાન ગાળા મંદિર આશ્રમને વનવિભાગ દ્વારા બંધ કરવાની તૈયારી વચ્ચે શ્રદ્ધાળુ અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રેન્જ ફોરેસ્ટ ઓફિસરે રવિવાર સુધીમાં મંદિરના પુજારીને જગ્યા ખાલી કરવા જણાવતાં મામલો વધુ ગરમાયો હતો. આ દરમિયાન ભાજપના નેતા અંબરીશ ડેર અને ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિત ખાંભાના વેપારીઓ પોતાની દુકાનો અને કામધંધા બંધ કરીને ચાલુ વરસાદમાં મહારેલી કાઢી હતી. ત્યાર પછી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બીજી તરફ, વન વિભાગ દ્વારા જણાવાયું હતું કે, હનુમાન ગાળા મંદિર બંધ કરવા અંગે કોઈ નોટિસ કે સૂચના આપવામાં આવી નથી. ચાલો જાણીએ શું છે આખો મામલો.
વન વિભાગના નિર્ણય સામે ખાંભામાં શ્રદ્ધાળુ અને વેપારી સહિતના અગ્રણીઓની મહારેલી
RFO રાજલ પાઠક દ્વારા હનુમાન ગાળા મંદિર બંધ કરવાની તૈયારી હોવાનું હનુમાન ગાળા મંદિરના ઉત્કર્ષ સમિતિના અગ્રણી રમેશ બોઘરાએ જણાવ્યું હતું. જેમાં મંદિર બંધ કરવાના મામલે શ્રદ્ધાળુઓ, વેપારીઓ અને સ્થાનિક લોકો દ્વારા શહેરની દુકાનો અને કામધંધા મુકીને ખાંભાની APMC નજીક બધા એકઠા થઈને મહારેલીનું આયોજન કર્યુ હતું. આ રેલીમાં ધારાસભ્ય જે.વી. કાકડિયા, ભાજપના નેતા અંબોરીશ ડેર સહિતના અગ્રણીઓ ભેગા થઈને વન વિભાગના અધિકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
શ્રદ્ધાળુઓની રાત્રિ રોકાણની માંગણી
અંબરીશ ડેરે જણાવ્યું હતું કે, ‘ખાંભાના હનુમાન ગાળા મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. જંગલની વચ્ચે આવેલા આ મંદિરે લોકો પોતાની માનતા પૂરી કરવા માટે જતા હોય છે. તેવામાં વન વિભાગ દ્વારા ફક્ત દિવસ દરમિયાન મંદિરે જવાનું કહ્યું હતું. જેમાં શ્રદ્ધાળુઓને આગલા દિવસે પૂજા અને માનતા કરવાની હોવાથી રાત્રિ રોકાણની માંગણી કરી હતી. બીજી તરફ, 14 જુલાઈથી મંદિરની જગ્યા ખાલી કરવાની વાતને લઈને શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળતાં ખાંભા બંધ કરાયું હતું. આ માટે અમે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સુધી રજૂઆત કરવાની તૈયારી સહિત રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુ બેરા સાથે ટેલિફોનિક સંવાદ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે.’
આ પણ વાંચો : 46 વર્ષ બાદ પુરીના જગન્નાથમાં મંદિરમાં ખૂલ્યા રતન ભંડારના કપાટ, સાપથી અધિકારીઓ ગભરાયા
સમગ્ર મામલે વન વિભાગે પ્રેસનોટ જાહેર કરી જાણકારી આપી
સમગ્ર મામલાને ધ્યાને લઈને વન વિભાગ દ્વારા પ્રેસનોટ જાહેર કરીને જાણકારી આપી હતી કે, ‘ગીરના જંગલમાં આવેલું ખાંભાનું હનુમાન ગાળા મંદિર લોકોની આસ્થાનું ધામ છે. મંદિરના 3.5 કિલોમીટરના વિસ્તારમાં સિંહ અને દીપડા જેવા વન્યપ્રાણીઓના રહેણાક હોવાથી સૂર્યાસ્ત સુધીમાં શ્રદ્ધાળુઓને દર્શન કરવા જવાની મંજૂરી છે. આ સાથે હનુમાન ગાળા મંદિર બંધ થવાની અને દર્શનાર્થીઓને હનુમાન ગાળા ખાતે દર્શન કરવા ન જવા દેવાની વાત ખોટી છે. આમ હનુમાન ગાળા મંદિર બંધ કરવાની કોઈ પ્રકારની નોટિસ કે સૂચના આપી નથી.’
આ પણ વાંચો : કર્ણાટકની આ ગુફામાં છે ભગવાન શિવનું સ્વયંભૂ શિવલિંગ, વિશેષતા જોઈ રહી જશો દંગ
શ્રદ્ધાળુના વિરોધ વચ્ચે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પ્રતિક્રિયા આપી
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ આ મામલે કહ્યું હતું કે, ‘હનુમાન ગાળા મંદિર બંધ કરવા જંગલ ખાતા દ્વારા દબાણ કરાતું હતું. આ દરમિયાન વન વિભાગના મંત્રી મૂળુ બેરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વન વિભાગને આ મામલે સૂચના આપી હોવાથી હમણાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ માટે શ્રદ્ધાળુઓએ પણ સહકાર આપવો જોઈએ.’