આંગણવાડી કર્મચારીઓનું સરકાર સામે રાજ્યવ્યાપી ઉગ્ર વિરોધપ્રદર્શન

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
આંગણવાડી કર્મચારીઓનું સરકાર સામે રાજ્યવ્યાપી ઉગ્ર વિરોધપ્રદર્શન 1 - image


ઈ. 2018થી વધારો નહીં, શ્રમજીવીઓનું સરકાર શોષણ કરે છે કહીને  ઠેરઠેર ધરણાં,દેખાવો યોજાયાઃ ફિક્સ પગાર, આઉટસોર્સિંગ,શોષણ સામે આગામી દિવસોમાં જબ્બરદસ્ત આંદોલન કરવાની પણ ચીમકી 

રાજકોટ, : રાજ્યભરમાં આજે આંગણવાડી વર્કરો, આશા વર્કરો, ફેસીલેટર, મધ્યાન્હ ભોજન કર્મચારીઓના થતા આર્થિક શોષણ સામે વધુ એક વાર સરકાર સામે બુલંદ અવાજ ઉઠયો હતો અને રાજ્યભરમાં ૨૨ જિલ્લાઓમાં ધરણાં,રજૂઆત કરીને રોષ વ્યક્ત કરાયો હતો. સેન્ટર ફોર ઈન્ડીયન ટ્રેડ યુનિયન્સના સૂત્રો અનુસાર ખુદ સરકાર જ લઘુતમ વેતન નહીં આપીને હજારો કર્મચારીઓનું શોષણ કરી  રહી છે. 

ગોંડલ, રાજકોટ, મોરબી, ભાવનગર, તળાજા, અમદાવાદ, દાહોદ, લિલીયા અમરેલી સહિત ઠેરઠેર મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી અને સૂત્રોચ્ચારો સાથે સરકારની નીતિરીતિ સામે રોષ વ્યક્ત કરાયો હતો. મહિલાઓએ જણાવ્યું કે આંગણવાડીના આ ફિક્સ પગારદારોને ગુજરાન ચલાવવું મૂશ્કેલ બન્યું છે અને આપઘાતના કિસ્સા વધી રહ્યા છે, સરકાર દ્વારા કોઈ નક્કર આયોજન થતું નથી. પાંચ વર્ષમાં પરીક્ષાઓ રદ થઈ છે અને ભરતી થઈ નથી. છ માસથી કામગીરીનું પ્રોત્સાહક વળતર ચૂકવાયું નથી. આંગણવાડી વર્કરોને પોતાના ખિસ્સામાંથી કરેલા ખર્ચની રકમ મહિનાઓ સુધી ચૂકવાતી નથી. તમામ કામ મોબાઈલ પર કરાવાય છે પરંતુ, નવા મોબાઈલ અપાતા નથી. 

આ તમામ કર્મચારીઓ ઉપરાંત કરાર આધારિત નોકરિયાતો સરકાર સામે હવે જબ્બર આંદોલન કરશે અને જો સરકાર માંગણી નહીં સંતોષે તો આગામી દિવસોમાં જબબરદસ્ત આંદોલનની આજે ચિમકી પણ અપાઈ હતી. સિટુએ જણાવ્યા મૂજબ આજે 112  તાલુકાઓમાં વિશાળ રેલીઓ યોજાઈ હતી. 


Google NewsGoogle News